Wednesday, 4 March 2015

ધર્મયુક્ત જીવનનો મર્મ ..........

- કર્ણ જવાબ આપે છે કે પ્રભુ મારૃં જ્યારે બધા અપમાન કરતા હતા ત્યારે દુર્યોધને મને સ્વીકાર્યો અને મિત્ર બનાવ્યો. મારે તેને જ વફાદાર રહેવું જોઇએ. હું તેની સાથે વિશ્વાસઘાત નહિ કરું. આજ મારો ક્ષત્રિય ધર્મ છે

શ્રી ભગવદ્ ગીતા એ દિવ્ય જીવનનો ગ્રંથ છે. જ્યાંથી નૈતિક જીવનનો અંત આવે છે. ત્યાંથી દિવ જીવનની શરૃઆત થાય છે. માનવ આ સંસારમાં ત્રણ પ્રકારનું જીવન ગાળી શકે છે ઃ પાશવી, માનુષી અને દિવ્ય, જ્યાં સુધી માનવ આહાર, રતિભોગ વગેરે સ્થૂળ વિષયોમાં જ રચ્યો પચ્યો રહે છે. ત્યાં સુધી તેનું જીવન પશુ તુલ્ય જ ગણાય. એનાથી વધારે ઉચ્ચ કોટિના માનવમાં સાહિત્ય, કાવ્ય, કળા, ચિત્ર, સંગીત, નૃત્ય, સ્થાપત્ય, શિલ્પ વગેરે માટે શોખ હોય છે. આ દ્વારા મળતા આનંદને ભાવાનંદ કહે છે. આનાથી ચડિયાતો આનંદ બ્રહ્માનંદ છે. આ આભાની અનુભૂતિમાંથી મળે છે. આ શાશ્વત હોય છે, સ્વયં સિદ્ધ હોય છે... આને જ મુક્તિ કહેવાય.' આવો આધ્યાત્મિક જીવનનો દિવ્ય સંદેશ સ્વામી અદ્વૈતાનંદસરસ્વતી એમના 'ગીતા દર્શન' ગ્રંથમાં આલેખ્યો છે. આજે તો પૂ.સ્વામીજી નથી, દેવ થઇ ગયા, પણ એમના વિચારોનું ચિંતન આજે પણ જોવા મળે છે. જે સાધક છે. તેને આમાંથી માર્ગદર્શન મળે છે.
યાદ રહે કે માનવ જીવનનું અંતિમ ધ્યેય આત્મવિકાસ કરી, વિકારોથી (એષણાઓથી) મુક્ત બની મોક્ષ તરફ ગતિ કરવાનું છે. આ આપણા શરીરના માધ્યમથી જ ઉપર ઉઠી આગળ વધવાનું છે. શાસ્ત્ર કહે છે કે 'શરીર માધ્યં ખલુ ધર્મ સાધનમ્ । ધર્મનું સાધન શરીર છે આ સ્વસ્થ શરીર દ્વારા જ ધર્મધ્યાન, ભજન કીર્તન વગેરે થઇ શકે. 'ગીતા' સ્પષ્ટ શબ્દોમાં નિર્દેશ કરે છે. બહુ ખાનારને કે ભૂખ્યા રહેનારને યોગ સાધ્ય થતો નથી. અર્થ એ થયો કે ખાવા પીવામાં પણ વિવેક રાખવો.
આપણો ઋષિ મુનિઓનું જીવન પણ આ રીતે આદર્શ જીવન જ ગણાય. સાત્વિક આહાર ગીતાના આધારે બળ (આંતરિક શક્તિ), આરોગ્ય, સુખ  અને રુચિ વધારનારા, રસયુક્ત સિગ્ધ, પૌષ્ટિક અને હૃદયને ગમે તેવો હોય છે અને આવો ખોરાક જ સાત્વિક મનુષ્યોને પ્રિય હોય છે. (અ.૧૭ શ્લોક ૮) આને જ મધ્યમ માર્ગ કહેવાય. આપણા ઋષિઓ સંસારમાં રહીને જ આધ્યાત્મિક જીવન જીવ્યા. સંસાર પણ ભોગવ્યો પણ તે પણ ધર્મયુક્ત બનીને એમનું જીવન પણ સંયમી અને વિવેકપૂર્ણ હતું.
પ્રભુએ માનવજીવન આપ્યું છે. તેનો પણ ઉદ્દેશ છે.. જો માનવ જીવનને મધુર બનાવવું હોય અને જીવન અને મૃત્યુ બન્નેને મંગલમય બનાવવું હોય તો ધર્મને કેન્દ્રમાં રાખીને જ જીવન જીવવા પુરુષાર્થ કરવો રહ્યો. ઘણા આનાથી વિપરીત જીવન જીવીને વ્યસનોમાં ગળાબૂડ રહેતા હોય છે અને થોડી ક્ષણો માટે નાશવંત- આનંદ ભોગવે છે. અને માણસ પોતાનું અમૂલ્ય જીવન બરબાદ કરે છે. વ્યસનમાં ડૂબેલો અંતે તો દૂખી થતો હોય છે અને તેની મતિ ઉંધી દિશામાં દોડે છે. તેથી તેનું કોઇ પણ રીતે કલ્યાણ થતું નથી.
શરીર છે પણ આ શરીર રૃપી ઉત્તમ સાધનનો ઉપયોગ ધર્મયુક્ત રીતે ન થયો તેથી તેનું જીવન વ્યર્થ જીવન બની ગયું. જ્યારે સાધનનો ઉપયોગ પણ યોગ્ય રીતે ન થાય ત્યારે જીવન બરબાદ થઇ જાય. કહેવત છે કે સોનાની કટારી પેટમાં ન ખોસાય' આ મર્મયુક્ત વાક્ય ઘણું સમજાવી દે છે. પ્રભુએ માણસને વિવેકદ્રષ્ટિ આપી છે. જીવન પણ વિવેકપૂર્ણ ન હોય તો આપણી સાધના અને સિદ્ધિ નકામી, વ્યર્થ જ કહેવાય.
રાવણ પાસે બધું હતું. શું ન હતું ? સિદ્ધિ પણ હતી, પણ તેના 'અહં' ને કારણે જ તે ભાન ભૂલ્યો અને વિવેકની રેખા ઓળંગી સીતાનું અપહરણ કર્યું અને રામ (પરમાત્મા) સાથે યુદ્ધ કર્યું. 'રામનું રામાયણ આનું નામ. સો વાતની એક વાત કે માનવ જીવન મળ્યું છે તો તેને સાચી રીતે માણી લઇએ અને પ્રભુમય જીવન જીવીને મૃત્યુ અને જીવન બન્નેને મંગલમય બનાવીએ. આપણા મૂલ્યવાન જીવનને ધર્મમૂલ્યો સાથે જોડીને પ્રભુપરાયણ જીવન જીવનાર કોઇ પણ ભક્ત હોય, તેનું કલ્યાણ જ થાય કૃષ્ણ પ્રભુ પણ ગીતામાં અર્જુનને શ્રધ્ધાપૂર્વક કહે છે ઃ નમે ભક્ત પ્રણશ્યતિ  મારો ભક્ત  કદાપિ નાશ પામતો નથી. અર્થ કે શ્રદ્ધાયુક્ત ભક્તિ કરનાર ભક્તની ચિંતા સદાય પ્રભુ કરતો જ હોય છે.
આ સંદર્ભમાં મહાભારતમાં ધર્મરાજ યુધિષ્ઠિરનું ઉદાહરણ ખૂબ હૃદય સ્પર્શી છે. વનવાસમાં એમને ખૂબ તરસ લાગી. પાંચ પાંડવોમાંથી સૌપ્રથમ ભાઇ નકુળને પાણી લેવા મોકલ્યો. તેણે એક પાણીથી ભરેલું સરોવર જોયું અને પાણી લેવા ગયો. નકુલે એક અવાજ સાંભળ્યો. અવાજે કહ્યું, પાણી પર મારો અધિકાર છે. સૌપ્રથમ મારો પ્રશ્ન છે, તેનો જવાબ આપો પણ નકુળે કંઇ ધ્યાન ન આપ્યું અને પાણીને સ્પર્શ કર્યો અને ત્યાં જ તે બેભાન થઇને પડયો પ્રાણ પણ નીકળી ગયા ત્યાર બાદ વારાફરતી સહદેવ, પછી ભીમ ગયો, અર્જુન ગયો એમની દશા આવી જ થઇ. આખરે ધર્મરાજા સ્વયં ગયા અને એમને પણ અવાજે આમ જ કહ્યું, પણ બુદ્ધિશાળી અને ધર્મયુક્ત જીવન જીવનાર યુધિષ્ઠિરે જવાબ સાચો આપ્યો, તેનાથી સંતોષ થયો અને યુધિષ્ઠિર દક્ષને ખૂબ યોગ્ય જવાબ આપ્યો યક્ષે કહ્યું, હે ધર્મુયુક્ત રાજા. તમારા પર હું ખૂબ રાજી છું. તમે ભૂખ્યા તરસ્યા જંગલમાં ફરો છો. તમે એવું કહો છો કે સૌપ્રથમ નકુળને સજીવન કરવાનું કેમ કહો છો ? યુધિષ્ઠિરે કહ્યું ઃ 'કુંતી તથા માદ્રિ બન્ને મારી માતાઓ છે. હું કુંતીનો પુત્ર જીવતો છું. તેથી માદ્રિમાતાનો વંશ નાશ ન પામે તેથી જ મેં નકુલને સજીવન કરવાનું કહ્યું.
આ જવાબ સાંભળી યક્ષ ખૂબ ખુશ થયા અને બધા ભાઇઓને જીવંત કર્યા. આ ધર્મયુક્ત જીવનનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. આવું મહાભારતના યુદ્ધ પહેલા કૃષ્ણ કર્ણને સમજાવે છે અને કહે છે કે ઃ પાંડવોમાં તુ સૌથી મોટો છે તેથી તું પાંડવોના પક્ષે જ યુદ્ધ કર.
કર્ણ જવાબ આપે છે કે પ્રભુ મારૃં જ્યારે બધા અપમાન કરતા હતા ત્યારે દુર્યોધને મને સ્વીકાર્યો અને મિત્ર બનાવ્યો. મારે તેને જ વફાદાર રહેવું જોઇએ. હું તેની સાથે વિશ્વાસઘાત નહિ કરું. આજ મારો ક્ષત્રિય ધર્મ છે. કર્ણની વાત પણ સત્યધર્મ સાથે જ જોડાયેલી છે.
આ માનવ શરીરથી જે કંઇ કાર્ય થાય, તે સત્યધર્મ યા ધર્મયુક્ત જ હોવું જરૃરી છે. સત્યમય જીવનનું મૂલ્ય અનેક ઘણું છે અંતે તો સત્યનો જ જય થાય છે. મહાભારતનું યુદ્ધ પણ સત્ય-અસત્ય વચ્ચેનું જ હતું. અંતે તો સત્ય જ જીત્યું. શાસ્ત્ર પણ કહે છે- 'સત્યમે વિજયેત્' ।

No comments:

Post a Comment