Thursday, 3 September 2015

શ્રીલંકા અંતિમ ટેસ્ટઃ ભારતીય ખેલાડીઓએ કર્યો રેકોર્ડનો વરસાદ

- મેચમાં ઈશાંત શર્મા, ચેતેશ્વર પુજારા અને રોહિત શર્મા સ્ટાર રહ્યા

- ઈશાંત શર્માએ શ્રીલંકાની પહેલી પારીમાં જ તરખાટ મચાવી દીધો હતો





















ભારત અને શ્રીલંકાની વચ્ચે રમાયેલી ત્રીજી ટેસ્ટમાં રેકોર્ડનો વરસાદ થયો છે. ભારતીય ટીમ તરફથી જોવા જઈએ તો સ્ટાર ઈશાંત શર્મા, ચેતેશ્વર પુજારા અને રોહિત શર્મા રહ્યા.
ભારતીય ફાસ્ટ બોલર ઈશાંત શર્માએ શ્રીલંકાની પહેલી પારીમાં તરખાટ મચાવી દીધો. ઈશાંતે 54 રન આપીને 5 શ્રીલંકન બેટ્સમેનોને પેવેલિયન ભેગા કરી દીધા. ઈશાંત શર્માએ બીજી પારીમાં પણ પોતાની બોલિંગની કમાલ યથાવત જ રાખી. તેને આ પારીમાં મેથ્યૂઝ સહિત ત્રણ બેટ્સમેનોને પેવેલિયન પાછા મોકલ્યા. કોલંબોના એસએસસી ગ્રાઉન્ડ પર ઈશાંતને 5/54ની બોલિંગ ફીગર ઈતિહાસમાં નોંધાઈ ગઈ.
ઈશાંતે માત્ર 54 રન પર પાંચ વિકેટ લઈને અનિલ કુંબલેનાં 1993માં બનેલા 87 રન આપીને 5 વિકેટ લીધાનાં રેકોર્ડને તોડી નાખ્યો. આ ગ્રાઉન્ડ પર કુંબલે અને ઈશાંત શર્મા જ 5 વિકેટ લઈ શક્યા છે. તેની સાથે જ ઈશાંતે ભારતીય ઝડપી બોલર શ્રીલંકાની એક પારીમાં 5 વિકેટ લેવાનો વેંકટેશ પ્રસાદનો રેકોર્ડ પણ ધ્વસ્ત કરી દીધો છે. 2001માં કેંડીમાં રમાયેલી ટેસ્ટ મેચની એક પારીમાં 72 રન આપીને 5 વિકેટ લીધી હતી. જવાગલ શ્રીનાથ અને ચેતન શર્માએ પણ શ્રીલંકામાં એક પારીમાં 5 શ્રીલંકન બેટ્સમેનોને આઉટ કર્યા હતા. શ્રીલંકામાં એક પારીમાં લીધેલી 5 વિકેટનાં કારનામા પહેલા પણ ઈશાંતે 6 વાર આવું કરી ચુક્યો છે.

લાંબા સમય બાદ સાથે રમશે મહેન્દ્રસિંહ ધોની અને વિરેન્દ્ર સેહવાગ

- સ્ટાર ખેલાડીઓ સાથે મેચ રમવા માટે ઘણો ઉત્સાહિત છુઃ ધોની


ભારતીય વનડે કપ્તાન મહેન્દ્ર સિંહ ધોની અને વીરેન્દ્ર સેહવાગ 17 સપ્ટેમ્બરે ઓવલ પર ઘણા અન્ય આંતરરાષ્ટ્રીય ક્રિકેટરોની સાથે એક ચેરિટી મેચ રમશે.
ધોની અને સેહવાગની ટીમમાં પાકિસ્તાનનાં શાહિદ આફ્રિદી અને દક્ષિણ આફ્રિકાના હર્શલ ગિબ્સ પણ હશે. આ હેલ્પ ફોર હીરોઝ ઈલેવનનો ભાગ હશે જેના કપ્તાન ઈંગ્લેન્ડનાં ક્રિકેટ નિર્દેશક એંડ્ર્યુ સ્ટ્રાસ હશે અને મેનેજર ઈયાન બાથમ છે. તેઓનો સામનો શેષ વિશ્વ એકાદશ સાથે થશે જેમાં બ્રેંડન મેક્કુલમ, મેથ્યૂ હેડન, મહેલા જયવર્ધન, ગ્રીમ સ્મિથ જેવા દિગ્ગજો છે.
આ સિવાય ન્યૂઝિલેન્ડનાં સ્કોટ સ્ટાયરિસ, ડેનિયલ વિટોરી અને અફઘાનિસ્તાનનાં શાપૂર ઉદરાન પણ રમશે. ટીમનાં કોચ ગેરી કર્સ્ટન અને મેનેજર સુનીલ ગાવસ્કર હશે. આ સિવાય ઈન્ક્રેડીબલ હેલ્પ ફોર હીરોઝ ક્રિકેટ ક્લબ અને ઈંગ્લેન્ડ ફિઝીકલ ડિસએબિલિટી ટીમની વચ્ચે ટી20 મેચ પણ રમાશે.
ધોનીએ કહ્યું, હુ આટલા બધા સ્ટાર ખેલાડીઓ સાથે આ મેચ રમવા માટે ઘણો ઉત્સાહિત છુ. આ મેચ સારા કામ માટે રમાઈ રહી છે. મને પહેલેથી જ ઈંગ્લેન્ડમાં રમવાની મજા આવે છે. હું તમામ રમતપ્રેમીઓને આ મેચ જોવા માટે અપીલ કરૂ છું.

શ્રીકૃષ્ણ જન્મોત્સવની ઉજવણી માટે દ્વારકાએ સજ્યા શણગાર

- દ્વારકાધીશજી મંદિર રોશનીથી ઝળહળ્યું

- સરકારી કચેરીઓ, હોટલો શણગારાઇઃ ભાવિકોના અવિરત આગમનથી યાત્રાધામમાં તેજીનો કરંટ


સરકારી કચેરીઓ, હોટલો ને પણ શણગારાઇઃ ભાવિકોના અવિરત આગમનથી યાત્રાધામમાં તેજીનો કરંટ
ભગવાન શ્રીકૃષ્ણની નગરી દ્વારકામાં જન્માષ્ટમીની તૈયારીઓને આખરી ઓપ અપાઇ રહ્યો છે. શ્રીકૃષ્ણ જન્મોત્સવ ઉજવવા દ્વારકાએ શણગાર સજ્યા છે. સરકારી કચેરીઓ, હોટલો પણ ઝગમગી ઉઠી છે. દ્વારકાધીશજી મંદિર પણ રોશનીના દિવ્ય શણગાર કરાયા છે તો બીજી બાજુ ભાવિકોના અવિરત આગમનથી યાત્રાધામમાં તેજીનો કરંટ પ્રસરી ગયો છે.
પવિત્ર યાત્રાધામ દ્વારકામાં આગામી તા.૫ના જન્માષ્ટમીની ભવ્ય ઉજવણી કરવા માટે તૈયારીઓને આખરી ઓપ અપાઇ રહ્યો છે. જન્માષ્ટમીના તહેવારને અનુલક્ષીને જગતમંદિર અને દ્વારકા નગરીને રોશનીથી શણગારવામાં આવી રહી છે. ભગવાન કૃષ્ણની કર્મભૂમિ અને ભારતના ચાર ધામ પૈકીનું એકધામ અને સપ્તપુરીમાંનું એક એવી દ્વારકા નગરીમાં જ્યાં ભગવાન દ્વારકાધીશએ ૧૦૦ વર્ષથી વધુ સમય વિતાવ્યો હતો.
જન્માષ્ટમીનું અનેરૃ મહત્વ હોવાથી અહીંયા જન્માષ્ટમીના દિવસે હજારોભાવિકો દર્શન કરવા માટે આવતા હોવાથી કાયદો અને વ્યવસ્થા તેમજ જરૃરીયાતો પુરી પાડવા તંત્રએ કમર કસી છે. દ્વારકા દેવસ્થાન સમિતિ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષ પણ મંદિરને રોશનીથી શણગારવામાં આવ્યું છે. તે ઉપરાંત દ્વારકાની સરકારી કચેરીઓ તથા હોટેલોને પણ શણગારવામાં આવી છે.
આગામી જન્માષ્ટમીના દિવસો દરમિયાન મોટી સંખ્યામાં ભાવિકો આવવાના હોય પોલીસ તંત્ર દ્વારા કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તેમજ ભાવિકોને શાંતિથી દર્શન થાય તે માટે મંદિરમાં જવા આવવાના માર્ગ અલગ અલગ બનાવવામાં આવશે. તા.૩ તથા તા.૪ના શ્રીજી દર્શનનો કાર્યક્રમમાં મંગળ આરતી ૬.૩૦ વાગ્યે, મંગલા દર્શન ૬.૩૦ થી ૮ વાગ્યે, શ્રીજીના સ્નાન બંધ ૮ થી ૯, દર્શન ખુલ્લા ૯ થી ૧૦, શ્રીજીને સ્નાન ભોગ ૧૦ વાગ્યે, શ્રીજીના શ્રૃંગાર ભોગ ૧૦.૩૦ વાગ્યે, શ્રીજીના શ્રૃંગાર આરતી ૧૦.૩૦ થી ૧૦.૪૫, શ્રીજીના ગ્વાલભોગ ૧૧.૧૫, શ્રીજીના રાજભોગ ૧૨ કલાકે, મંદિર અનૌસર (બંધ) ૧૨.૩૦, ઉત્થાપન દર્શન ૫ વાગ્યે સાંજના, ઉત્થાપન ભોગ ૫.૪૫ થી ૭.૩૦, સંધ્યા ભોગ ૭.૧૫ થી ૭.૩૦, સંધ્યા આરતી ૭.૪૫, શયનભોગ ૮.૧૫ થી ૮.૩૦, શયન આરતી ૮.૩૦ થી ૮.૪૫, મંદિર અનૌસર ૯.૩૦ વાગ્યે થશે.