Tuesday, 30 June 2015

દબંગ થ્રી ૨૦૧૭ની ઇદ પર રજૂ થશે

સલમાને '૧૭ની ઇદ લૉક કરી

સુલતાન પૂરી કરીને દબંગ થ્રી શરૃ કરશે


સુપરસ્ટાર સલમાન ખાને પોતાની દબંગ થ્રી ફિલ્મની રજૂઆત માટે ૨૦૧૭ની ઇદનો દિવસ લૉક કર્યો હોવાના સમાચાર મળ્યા હતા.
એની પહેલી બંને દબંગ હિટ નીવડી હતી. એમાં સોનાક્ષી સિંહા હીરોઇન હતી. હાલ સલમાન ખાન આદિત્ય ચોપરાની ફિલ્મ સુલતાન કરી રહ્યો છે. એ પૂરી થયા બાદ અને મોટે ભાગે ૨૦૧૬ની ઇદ પર રજૂ થયા પછી દબંગ થ્રી શરૃ કરશે એવું એની નિકટનાં સૂત્રોએ જણાવ્યું હતું.
જો કે દબંગ થ્રીની બાકીની સ્ટારકાસ્ટ વગેરેની વિગતો હજુ જાહેર થઇ નથી. અત્યારે તો એની સ્ક્રીપ્ટ પર કામ ચાલુ હોવાનંુ જાણવા મળ્યું હતું.
એક વેબ પોર્ટલ પર આ જાહેરાત થઇ હતી. જો કે હાલ સલમાન સામે બે ત્રણ કાનૂની કેસ ચાલી રહ્યા છે. એના ચુકાદા પર પણ આ બધા પ્લાનિંગનો આધાર છે. હાલ એ વિશે કશું કહી શકાય નહીં. કોઇ પણ સમયે ૪૯ વર્ષના સલમાન ખાન પર ૨૦૦-૩૦૦ કરોડનું રોકાણ થયેલું હોય છે એટલે એને નાની મોટી કોઇ પણ સજા થાય તો બોલિવૂડમાં ખળભળાટ મચી જવાની પૂરેપૂરી શક્યતા છે.

કોપા અમેરિકા ઃ પેરુ સામેની જીત સાથે ચિલી ફાઇનલમાં

ફાઇનલમાં આર્જેન્ટીના કે પેરાગ્વે સામે મુકાબલો

એડયુર્ડો વર્ગાસના બે ગોલ નિર્ણાયક બન્યા ઃ ચિલીમાં લોકોએ સડકો પર ઉતરીને ઉજવણી કરી


યજમાન ચિલીએ ૨-૧થી પેરુ સામેની ક્વાર્ટર ફાઇનલ જીતવાની સાથે કોપા અમેરિકા ફૂટબોલ ચેમ્પિયનશીપની ફાઇનલમાં પ્રવેશ મેળવી લીધો છે. પેરુ સામેની હાઈવોલ્ટેજ મેચમાં જબરજસ્ત હોમ સપોર્ટની સાથે રમવા ઉતરેલા ચિલી તરફથી એડયુર્ડો વર્ગાસે વિજયી દેખાવ કરતાં બે ગોલ ફટકાર્યા હતા, જેના સહારે જ ચિલી ફાઇનલમાં પ્રવેશવામાં સફળ રહ્યું હતુ.
ચિલીની જીતને સ્થાનિક ચાહકો ભારે જોશ અને ઉત્સાહ સાથે ઉજવી હતી. ચિલીના ફૂટબોલ સમર્થકો રાષ્ટ્રધ્વજ લઇને સડકો પર ઉતરી આવ્યા હતા.
હોટલો અને રેસ્તોરામાં મોડી રાત સુધી પાર્ટી ચાલતી જોવા મળતી હતી. સમર્થકો હવે આતુરતાપૂર્વક ૪ જુલાઇએ રમાનારી ફાઇનલનો ઈંતેજાર કરી રહ્યા છે, જેમાં ચિલીની સામે આર્જેન્ટીના કે પેરાગ્વેમાંથી એક ટીમ હશે. આ બંને ટીમો વચ્ચેની બીજી સેમિફાઇનલ આવતીકાલે વહેલી પરોઢે રમાવાની છે.
સેમિ ફાઇનલમાં ત્રણેય ગોલ પ્રથમ હાફમાં જ નોંધાયા હતા. વર્ગાસના પહેલા ગોલ બાદ પેરુએ ભારે આત્મવિશ્વાસ સાથે પુનરાગમન કર્યું હતુ અને તેઓ કાર્લોસ ઝામ્બ્રાનોના ગોલને સહારે બરોબરી મેળવી લીધી હતી. જો કે વર્ગાસ થોડી વાર પછી ફરી ત્રાટક્યો હતો અને ચિલીએ સરસાઇ મેળવી લીધી હતી.
બીજા હાફમાં પેરુના ખેલાડીઓએ મેચમાં પાછા ફરવાનો જોરદાર પ્રયાસ કર્યો હતો, પણ તેઓ ચિલીના મજબૂત ડિફેન્સ અને ગોલકિપરના અસરકારક દેખાવને કારણે ગોલ ફટકારી શક્યા નહતા. આખરે ચિલીએ ફાઇનલમાં પ્રવેશ મેળવતા ઇતિહાસ રચી દીધો હતો. નોંધપાત્ર છે કે, અગાઉ ચિલીએ ઉરુગ્વે જેવી ધરખમ ટીમને હરાવીને આગેકૂચ કરી હતી.

ફેડરર, નડાલ અને ક્વિટોવાનો વિમ્બલ્ડનમાં વિજયી પ્રારંભ

સોંગાએ પાંચ સેટના મેરેથોન મુકાબલામાં મુલરને હરાવ્યો

કાર્લોવિચ, કેર્બેર, સેપ્પીની આગેકૂચ


સ્વિત્ઝર્લેન્ડના લેજન્ડરી ટેનિસ સ્ટાર ફેડરરે આઠમી વખત વિમ્બલ્ડન ટાઇટલ જીતવાના ઇરાદા સાથે વિજયી શરુઆત કરતાં ૬-૧,૬-૩, ૬-૩થી બોસ્નીયાના ડામિર ઝુમ્હુરને હરાવ્યો હતો. આ સાથે ફેડરરે તેની ફેવરિટ ગ્રાસ કોર્ટ ગ્રાન્ડ સ્લેમ ચેમ્પિયનશીપના બીજા રાઉન્ડમાં પ્રવેશ મેળવ્યો હતો. ફેડરરની સાથે સ્પેનિશ ટેનિસ સ્ટાર નડાલ તેમજ ચેક રિપબ્લિકની વિમેન્સ સિંગલ્સની ડિફેન્ડિંગ ચેમ્પિયન ક્વિટોવાએ પણ બીજા રાઉન્ડમાં સ્થાન મેળવ્યું હતુ.
લંડનની ઓલ ઈંગ્લેન્ડ કલબ ખાતે રમાઇ રહેલી સિઝનની ત્રીજી ગ્રાન્ડ સ્લેમ ચેમ્પિયનશીપમાં આજે બીજા દિવસે ફેડરર મેદાન પર ઉતર્યો હતો. તેણે માત્ર એક કલાક અને સાત મિનિટના મુકાબલામાં જીત મેળવી હતી. બે વખત અહીં ચેમ્પિયન રહી ચૂકેલા નડાલે બ્રાઝિલના થોમઝ બેલૂચીને ૬-૪,૬-૨, ૬-૪થી હરાવ્યો હતો. નડાલની બે કલાક અને ૧૦ મિનિટની રમતમાં ભારે આત્મવિશ્વાસ જોવા મળ્યો હતો.
ફ્રાન્સના યુવા સ્ટાર સોંગાને લક્ઝમ્બરના મુલરની સામે જીતવા માટે ૭-૬(૧૦-૮), ૬-૭(૩-૭) ,૬-૪, ૩-૬, ૬-૨થી સંઘર્ષ ખેલવો પડયો હતો. આ મુકાબલો ત્રણ કલાક અને ૫૧ મિનિટે એટલે આશરે ચાર કલાક ચાલ્યો હતો. બીજો સીડ ધરાવતી ચેક રિપબ્લિકની મહિલા ખેલાડી ક્વિટોવાએ નેધરલેન્ડની બેર્ટેન્સ સામેની મેચ ૬-૧,૬-૦થી આસાનીથી જીતી લીધી હતી. યુક્રેનના ડોલ્ગોપોલોવે બ્રિટનના એડમંડની સામે ૭-૬, ૬-૧થી જીત મેળવી હતી. ક્રોએશિયાના કાર્લોવિચે સ્વિડનના યમેરની સામે  ૬-૭,૬-૨, ૬-૪, ૭-૬ના સંઘર્ષ બાદ જીત મેળવી હતી.
જર્મનીની ૧૦મો સીડ ધરાવતી એંજેલિકે કેર્બેરે તેના જ દેશની વિટ્ટહોફ્ટના પડકારનો પહેલા જ રાઉન્ડમાં ૬-૦, ૬-૦થી અંત આણ્યો હતો. જ્યારે ઇટાલીના એન્ડ્રે સેપ્પીએ બ્રિટનના ક્લેઇન સામે ૬-૩, ૬-૨, ૬-૨થી વિજય પ્રાપ્ત કર્યો હતો. ભારતના રોહન બોપન્ના અને રોમાનિયાના ફ્લોરીન મેર્જેયાએ અમેરિકાના માયસ્ઝેક અને વેેસેલીની જોડીને ૬-૩, ૭-૬ (૭-૧), ૬-૧થી હરાવીને આગેકૂચ કરી હતી.

કેજરીવાલના ઘરનું બે મહિનાનું વીજળી બિલ રૃ. ૯૧,૦૦૦ !

બિલ માત્ર ઘરનું નથી, ઓફિસ, જનતા દરબાર અને અન્ય સવલતોનું પણ છે ઃ આપ


દિલ્હીના મુખ્ય પ્રધાન કેજરીવાલના સિવિલ લાઇન્સના નિવાસ સ્થાનનું વીજળીનું  એપ્રિલ-મે એમ બે મહિનાનું બિલ રૃપિયા ૯૧૦૦૦ આવતા હોબાળો મચી ગયો હતો. આરટીઆઇ દ્વારા માંગવામાં આવેલી એક માહિતીમાં આ માહિતી મળી હતી. તો સામે કોંગ્રેસે એવા સવાલો કર્યા હતા કે શું મીટરો ખરાબ છે? તો ખરાબ હોય તો અત્યાર સુધી રિપેર કેમ ન કરાવ્યા? જો કેજરીવાલ એસી વાપરતા હોય તો એમણે જે એસી નહીં વાપરવાનું જે વચન આપ્યું હતું તેનું શું?આરટીઆઇના જવાબમાં દિલ્હી સરકારના સામાન્ય વહીવટી વિભાગે કેજરીવાલના સિવિલ લાઇન્સના નિવાસસ્થાનના વિજળીના રૃપિયા ૯૧૦૦૦ના  બિલની નકલ પણ મોકલી હતી.દિલ્હી ભાજપે તો જો કે કહ્યું હતું કે બિલ તો એક લાખ રૃપિયાનું છે અને તેઓ આપ સરકારના તમામ મંત્રીઓના બિલની માગ કરશે. તો આમ આદમી પાર્ટીએ ટીકાઓનો જવાબમાં કહ્યું હતું કે આ બિલમાં ઘર તેમજ કેમ્પ અને અન્ય તમામ સવલતોનો સમાવેશ થાય છે. મુખ્ય પ્રધાનનું એકલાનું આ બિલ નથી.  સરકારે એક નિવેદન કરી કહ્યું હતું કે  ૬, ફલેગ સ્ટાફ રોડ, સિવિલ લાઇન્સના મુખ્ય પ્રધાનના નિવાસસ્થાનનું બિલ માત્ર ૧૫૦૦૦ છે બાકીના પૈસા અન્ય સ્થળોના છે. જે ંઆંકડો આપવામાં આવ્યો હતો તે ખોટો છે. પાર્ટીએ કહ્યું હતું કે નિવાસસ્થાનનો કેટલોક ભાગ જનતા દરબાર માટે છે, કેટલોક ઓફિસ કામ માટે અને થોડો ભાગ અન્ય કામગીરી માટે રાખવામાં આવ્યો છે. આમ માત્ર કેજરીવાલના નિવાસસ્થાનનું જ આ બિલ નથી.

Facebook Lite App ભારતમાં લોન્ચ, 2જી નેટવર્કમાં પણ ચાલશે સારી ઝડપે

- લાઈટ એપ હાલ માત્ર એન્ડ્રોઈડ યુઝર્સ માટે જ ઉપલબ્ધ

- જાણો ફેસબુકની આ નવી એપમાં શું છે ખાસ વાત...


ફેસબુકે પોતાની લાઈટ એપ ભારતમાં લોન્ચ કરી દીધી છે. કંપનીએ લાઈટ એપને હાલપુરતી એન્ડ્રોઈડ યુઝર્સ માટે જ જારી કરી છે. ફેસબુક લાઈટ એપની સૌથી મોટી ખૂબી છે કે તેની સાઈઝ બહુ ઓછી અને એકદમ ધીમા નેટવર્ક પર પણ એકદમ સારી સ્પીડથી કામ કરી શકે છે. 2જી નેટવર્ક પર કામ કરનારી આ Facebook Lite App હેઠળ વીડિયોને બાદ કરતા અન્ય ઘણા બધા કામ કરી શકાય છે.
ફેસબુક લાઈટ એપની સાઈઝ માત્ર 430 કેબી છે જેના હેઠળ આ 2જી નેટવર્ક પર શાનદાર સ્પીડથી કામ કરે છે. આ એપ હેઠળ આપ સોશ્યલ નેટવર્કિંગના તમામ કામ જેવા કે ન્યુઝ ફીડ, સ્ટેટસ અપડેટ, ફોટોઝ, મેસેન્જર, નોટિફિકેશન તથા અન્ય ઘણા બધા કામ કરી શકો છો. જો કે, તેમાં વીડિયો નથી ચાલતો અને કોઈ ઈનબિલ્ટ બ્રાઉઝર પણ નથી. તેમાં એક વધુ ખાસ વાત એ છે કે, ફેસબુક લાઈટ એપ અને સ્ટાન્ડર્ડ ફેસબુક એપ બંન્નેને એક જ ડિવાઈસમાં એક જ સમયે કામમાં લઈ શકાય છે.
ફેસબુક લાઈટ એપને ખાસરીતે સ્લો એટલે કે 2જી નેટવર્ક વાળા દેશો માટે બનાવવામાં આવી છે. આ એપ ભારત સહિત, એશિયા, યૂરોપ, આફ્રિકા અને લેટિન અમેરિકાનાં ઘણા દેશોમાં લોન્ચ કરવામાં આવી રહી છે.

ધીરે-ધીરે ગાયબ થઈ રહી છે ચીનની દિવાલ

- દેખરેખ ન થવાના કારણે દિવાલ પર વિનાશનો ખતરો મંડરાઈ રહ્યો છે

- લોકો મકાન બનાવવા યુનેસ્કોની આ ધરોહરની ઈંટો ચોરીને લઈ જાય છે


યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટ્સમાં ગણાતી ચીનની દિવાલ જોવા માટે પ્રવાસીઓની સંખ્યા સતત વધી રહી છે. પરંતુ તે પ્રમાણે તેની દેખરેખ નથી થઈ રહી. આ જ કારણ છે કે તેના પર હવે તેના વિનાશનો ખતરો મંડરાઈ રહ્યો છે.
ચીનની દિવાલનો એક મોટો ભાગ કુદરતી આપત્તિ, પ્રતિકુળ કુદરતી પરિસ્થિતિઓ અને માનવીય બેદરકારીનાં કારણે ગાયબ થઈ ચુક્યો છે. ગ્રેટ વોલ ઓફ ચાઈના સોસાયટીનાં સર્વે પ્રમાણે, આ દિવાલનો આઠ ટકા ભાગ મિંગ સામ્રાજ્યનાં સમયમાં 14થી 17 સદી વચ્ચે બન્યો. વિદેશી આક્રમણકારોથી દેશને બચાવવા માટે તેનું નિર્માણ કરાયુ હતું. આ ભાગ વર્તમાન સમયમાં સૌથી વધારે નજરે આવે છે અને સારી રીતે સુરક્ષિત પણ છે.
સર્વે પ્રમાણે આ મહાન દિવાલ હવે એક અતૂટ સંરચના નથી રહી. હવે તેનું ઘણા ભાગમાં વિભાજન થઈ ગયું છે. 1962 કિલોમીટર દિવાલ તૂટી ચુકી છે. ઝડપથી છોડ પણ ઉગવા લાગ્યા છે, ઘણા ટાવર એટલા જર્જરીત થઈ ગયા છે કે વરસાદ અને વાવાઝોડમાં જ પડી જશે. રિપોર્ટ પ્રમાણે, પર્યટને પણ આ ઐતિહાસિક સંરચનાને ઘણુ નુકશાન પહોંચાડ્યું છે.
આટલું જ નહી, આસપાસનાં ગામના કેટલાક લોકો પોતાનું મકાન બનાવવા માટે યુનેસ્કોની આ વિશ્વના ધરોહર સ્થળેથી ઈંટો ચોરીને લઈ જઈ રહ્યા છે. આટલું જ નહીં, આ ઈંટોને વેચવામાં પણ આવી રહી છે.

બેડમિન્ટન સ્ટાર સાઈના નહેવાલ સૌથી વધુ કમાણી કરનાર ભારતીય મહિલા ખેલાડી બની

ટેનીસ સ્ટાર સાનિયા મિર્ઝાને પાછળ છોડી


ભારતની બેડમિન્ટન સ્ટાર અને દુનિયાની નંબર ટુ પ્લેયર સાયના નહેવાલ જાહેરાત વિશ્વમાં  સૌથી વધુ કમાણી કરનાર ભારતીય મહિલા પ્લેયર બની ગઈ છે.
સાનિયાએ ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝાને અને મેરી કોમને પાછળ છોડી દીધી છે.સાનિયા નહેવાલને એક કોર્નફ્લેક્સ બનાવતી કંપનીએ કરારબદ્ધ કરી છે અને આ માટે સાનિયાને દોઢ કરોડ રુપિયા ચુકવ્યા છે.સાઈના નહેવાલ હાલમાં એક બેંક, એક પેઈન કીલર રીલીવર તેમજ એક બેડમિન્ટન કંપનીની જાહેરાત કરી રહી છે.
જોકે કોર્નફ્લેક્સ બનાવતી કંપનીએ સાનિયા સાથે થયેલી ડીલની નાણાકીય માહિતી આપવાનો ઈન્કાર કરી દીધો છે.સ્પોર્ટસ માર્કેટિંગ ક્ષેત્રના જાણકારોના કહેવા પ્રમાણે હાલના તબક્કે સાઈના જાહેરાત માટે સૌથી વધુ રકમ મેળવતી ટેનીસ સ્ટાર બની ચુકી છે.પાંચ વર્ષ પહેલા સાનિયા મિર્ઝા સૌથી વધુ પૈસા મેળવતી હતી
જોકે પુરુષ અને મહિલા ખેલાડીઓની કમાણી હજી પણ આસમાન જમીનનુ અંતર છે.જેમ કે ભારતીય ક્રિકેટર મહેન્દ્ર ધોની  એક જાહેરાત માટે  લગભગ 10 કરોડ  રુપિયા ચાર્જ કરે છે.વિરાટ કોહલીની ફી લગભગ 5 કરોડ રુપિયાની આસપાસ છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેજરીવાલને મુલાકાત માટે સમય ન આપ્યો

- વડાપ્રધાન દેશની અન્ય જવાબદારીના કારણે વ્યસ્ત છે

- એકવાર ફરી દિલ્હીમાં કેન્દ્ર અને આપનું ઘર્ષણ ખુલીને સામે આવ્યું


આમ આદમી પાર્ટીએ મંગળવારે કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હીનાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સાથે મુલાકાત કરવાનો ઈન્કાર કરી દીધો છે. આપ પ્રમાણે કહેવુ છે કે, તે બહુ વધારે વ્યસ્ત છે, એટલા માટે મળી નથી શકતા.
કેજરીવાલનાં સલાહકાર નાગેન્દ્ર શર્માએ પત્રકારોને જણાવ્યું કે, ગત સપ્તાહે કેજરીવાલના પીએમ સાથે મળવા માટે કરાયેલા આગ્રહને કારણે અમને સુચના આપવામાં આવી કે વડાપ્રધાન દેશની અન્ય જવાબદારીના કારણે વ્યસ્ત છે. અમને કહેવામાં આવ્યું કે, દિલ્હીનાં સીએમ વડાપ્રધાનનાં બદલે નાણામંત્રી અરૂણ જેટલી કાં તો પછી ગૃહમંત્રી રાજનાથ સિંહ સાથે મુલાકાત કરી શકે છે. કેજરીવાલે 10 દિવસ પહેલા 'ફાઈવ-પોઈન્ટ એજન્ડા'ને લઈને પીએમ મોદી સાથે મુલાકાત કરવાનો સમય માંગ્યો હતો. આપનું કહેવું છે કે, કેજરીવાલ ઉપરાજ્યપાલ નજીબ જંગની સાથે ચાલી રહેલા વિવાદ વિશે પીએમ મોદી સાથે ચર્ચા કરવા માંગતા હતા.
મળતી જાણકારી પ્રમાણે, કેજરીવાલ જે મુદ્દાને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરવા માંગતા હતા તેમાં દિલ્હી કરવેરામાં મોટો ભાગ, શાળા, હોસ્પિટલ અને બસ ડિપો માટે જમીન પૂરી પાડવા જેવા વિષય હતા. ત્યારે પીએમઓ તરફથી મુલાકાત માટે ઈન્કારથી ફરી એકવાર દિલ્હીમાં કેન્દ્ર અને આમ આદમી પાર્ટીનું ઘર્ષણ ખુલીને સામે આવ્યું છે.

બદ્રીનાથ અને હેમકુંડ સાહિબમાં ચાર ધામની યાત્રા સ્થગિત કરવામાં આવી

- ઉત્તરાખંડમાં ભારે વરસાદ, કેટલા વિસ્તારોમાં ધુમ્મસના કારણે ઝીરો વિઝિબિલિટી

- પશ્ચિમ બંગાળના બર્દાવનમાં પૂરના કારણે કેટલાય ગામડાઓ બેટમાં ફેરવાયા


ઉત્તરાખંડમાં હવામાનમાં આવેલા પલટાના કરાણે રાજ્યના જોશીમઠ, બદ્રીનાથ, હેમકુંડ સાહિબ જેવા મહત્વપૂર્ણ તીર્થસ્થાનો પર ભારે વરસાદ પડી રહ્યો છે. સાથે કેટલાય વિસ્તારોમાં ધુમ્મસ છવાઇ છે.
જોશીમઠમાં ફસાયેલા શ્રદ્ધાળુઓને બહાર કાઢવાનું કામ પુરૂ થઇ ગયું છે. હેમકુંડ સાહિબના રસ્તામાં રેસ્ક્યૂ ઓપરેશન હજુ પણ ચાલું છે. ખરાબ હવામાનના કારણે બદ્રીનાથ અને હેમકુંડ સાહિબ માટે યાત્રા સ્થગિત કરવામાં આવી છે.
હવામાન વિભાગ અનુસાર ઉપ હિમાલયન રાજ્યોમાં મંગળવારના રોજ ભારે વરસાદ પડી શકે છે. તેમાં પશ્ચિંમ બંગાળ, સિક્કિમ, આસામ અને મેઘાયલય શામેલ છે. વરસાદના કારણે પશ્ચિમ બંગાળના બર્દાવનમાં પૂરના કારણે કેટલાય ગામડાઓ બેટમાં ફેરવાયા છે. આના કારણે કેટલાય લોકો બેઘર થયા છે.
જૂન મહિનાની શરૂઆતમાં કેરલ પહોંચેલા મોનસુન હલે સમગ્ર ભારતમાં છવાઇ ગયું છે. હવામાન વિભાગનું કહેવું છે કે અરૂણાચાલ પ્રદેશ, વિદર્ભ, ઓડિશા, દક્ષિણ છત્તીસગઢ, કર્નાટકના દરિયા કાંઠાના વિસ્તારો અને કેરલના દક્ષિણ વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે.

કાબુલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પાસે આત્મઘાતી હુમલો, 17 લોકો ઘાયલ

- ઘાયલોમાં 3 મહિલા અને 3 બાળકો શામેલ

- હુમલો નાટોના સહયોગી વિદેશી બચાવ ટૂકડીમાં પર થયો


અફઘાનિસ્તાનના કાબુલમાં એક જબરદસ્ત બોમ્બ બ્લાસ્ટમાં 17 લોકો ઘાયલ થયા છે જેમાંથી ત્રણ મહિલાઓ અને ત્રણ બાળકો શામેલ છે.
આ ઘટના કાબુલ ઇન્ટરનેશનલ એરપોર્ટ અને અમેરિકી એમ્બેસીની પાસેની છે. પ્રાથમિક અહેવાલ અનુસાર એક આત્મઘાતી બોમ્બરે નાટોના સેનાની સાખે કામ કરી રહેલા વિદેશી બચાવ ટૂકડીમાં પર હુમલો કર્યો હતો. આ જગ્યા સુપ્રીમ કોર્ટથી 200 મીટરના અંતરે આવેલી છે.
સરકારના આંકડા અનુસાર હુમલામાં 17 લોકો ઘાયલ થયા હોવાનું સમર્થન મળ્યું છે જેમા ત્રણ બાળકો અને ત્રણ મહિલાઓ શામેલ છે.

10 વર્ષ બાદ પણ નથી મળ્યા સેનાને 1.86 લાખ બુલેટપ્રુફ જેકેટ

- 6 વર્ષ પહેલા સરકારે આ પ્રસ્તાવની મંજૂરી પણ આપી દીધી છે

- સેનાને જુના જેકેટનો જ ઉપયોગ કરવો પડી રહ્યો છે


ભારતીય સૈનિકો માટે પાયાની જરૂરિયાત ગણાતું બુલેટ પ્રુફ જેકેટની ખાલી વાતો જ છે. સેનાને હજુ સુધી લાઈટ મોડ્યુલર જેકેટ નથી મળ્યા જ્યારે એક દાયકા પહેલા તેની માંગણી કરવામાં આવી હતી અને 6 વર્ષ પહેલા સરકારે આ પ્રસ્તાવની મંજૂરી પણ આપી દીધી હતી. આ જેકેટથી માથું, ડોક, છાતી, પેટનાં નીચેના ભાગ અને સાઈડનાં ભાગને સુરક્ષા મળે છે અને તેમાં બેલિસ્ટિક હેલ્મેટ પણ જોડાયેલું રહે છે. સાથે જ જવાનોને હલન-ચલનમાં પણ મુશ્કેલી નથી થતી.
ઓક્ટોબર 2009માં સંરક્ષણ સંપાદન કાઉન્સિલનાં પ્રથમ રાઉન્ડ હેઠળ આ પ્રકારનાં 1.86 લાખ બુલેટ પ્રુફ જેકેટનાં પ્રસ્તાવને મંજૂરી આપી હતી. જો કે, સેનાને કુલ મળીને 3.53 લાખ જેકેટની જરૂર હતી. જેના કારણે સેનાને જુના જેકેટનો જ ઉપયોગ કરવો પડી રહ્યો છે. આ વર્ષ બાદ તે જેકેટો વધારે ખરાબ થઈ જશે. રક્ષા મંત્રી મનોહર પર્રિકરે ગત વર્ષે 50 હજાર નવા જેકેટ તત્કાલિન પગલાંઓમાં આદેશ આપ્યો હતો પરંતુ તેના પર પણ હજુ કામ થવાનું બાકી છે. સૂત્રો અનુસાર આ ખરીદીમાં હજુ 6 મહિના વધારે લાગી શકે છે.
ત્યારે 1.86 લાખ જેકેટનો મામલો હજુ પણ ટ્રાયલ મુલ્યાંકનનાં દોરમાં જ છે અને 6 કંપનીઓ તેની દોડમાં છે. જ્યારે પ્રસ્તાવને મંજૂરી આપી દેવામાં આવી હતી તે સમયે એક જેકેટની અંદાજે કિંમત 50 હજાર રૂપિયા હતા અને આખા પ્રસ્તાવની રકમ 930 કરોડ રૂપિયા હતી. 2012 સુધી આ જેકેટોના પ્રથમ રાઉન્ડ હેઠળ સામેલ કરવાનો હતો અને ત્યારબાદ બીજા રાઉન્ડમાં 1.67 સાખ જેકેટોનો ઓર્ડર આપવાનો હતો. પરંતુ વારંવાર બદલાતી ખરીદી પ્રક્રિયાઓ, રાજકીય ઉદાસીનતાનાં કારણે તેમાં વર્ષે દર વર્ષે મોડું થતું રહે છે.

Monday, 29 June 2015

શ્રદ્ધા કપૂરને નેગેટિવ રોલ કરવાનો રસ જાગ્યો

અભિનેત્રી હવે પિતાને પગલે ચાલશે


શક્તિ કપૂરની દીકરી શ્રદ્ધાને પણ હવે નેગેટિવ ભૂમિકા ભજવવાનું મન થયું છે. અભિનેભી કમ્ફર્ટ જોનમાંથી બહાર આવી વિવિધ પક્રારના રોલ કરવામાં રસ લઇ રહી છે.અત્યાર સુધી અભિનેત્રીએ  સામાન્ય રીતેહિરોઇન ોભજવતી હોય છે તેવા જ રોલ કર્યા છે પરંતુ હવે તેને ગ્રે શેડ રોલ કરવાનું મન થયું છે.
તાજેતરમાં એક ઇવેન્ટમાં શ્રદ્ધાએ જણ ણાવ્યું હતું કે,હું ટૂંકમાં એટલું જ કહીશ કે બહુ જલદી તમે મને ગ્રે શેડવાળા રોલમાં જોશો.જોકે તેણે ફિલ્મ તેમજ રોલ વિશે માહિતી આપી નહોતી.
ઉલ્લેખનીય છે કે શ્રદ્ધાના પિતા શક્તિ કપૂરે ઘણી ફિલ્મોમાં વિલનનું પાત્ર ભજવ્યું છે.

શ્રીલંકાએ પાકિસ્તાનને બીજી ટેસ્ટમાં સાત વિકેટે આસાનીથી હરાવ્યું

જીતવા માટેનો ૧૫૩ રનનો પડકાર ૩ વિકેટે ઝીલ્યો

શ્રીલંકાએ પાકિસ્તાનને બીજી ટેસ્ટમાં આસાનીથી સાત વિકેટે હરાવીને ત્રણ ટેસ્ટની શ્રેણી ૧-૧થી બરાબરીએ કરી છે. જીતવા માટેના ૧૫૩ રન શ્રીલંકાએ ત્રણ વિકેટ ગુમાવીને નોધાવ્યા હતા. કરુણારત્ને (૫૦) અને કેપ્ટન મેથ્યુસ (૪૩ અણનમ) વચ્ચેની ત્રીજી વિકેટની ૭૨ રનની ભાગીદારીને લીધે પાકિસ્તાનની અપસેટ વિજય મેળવવાની આશા પર પાણી ફરી વળ્યું હતું. સંગાકારા આજે ૦ રને આઉટ થયો હતો. ભારત સામેની આગામી શ્રેણીની બીજી ટેસ્ટ રમીને તે નિવૃત્તિ લેશે. શ્રીલંકાના મેન ઓફ ધ મેચ ફાસ્ટર પ્રસાદે પ્રથમ ઈનિંગમાં ત્રણ અને બીજી ઈનિંગમાં ચાર વિકેટ ઝડપી હતી.
પાકિસ્તાન પ્રથમ ઈનિંગ ઃ ૧૩૮
શ્રીલંકા પ્રથમ ઈનિંગ ઃ ૩૧૫
પાકિસ્તાન બીજી ઈનિંગ ઃ ૩૨૯
શ્રીલંકા બીજી ઈનિંગ
-રનબોલ
કુમારરત્ને લેગબિફોર શાહ૫૦૫૭
વિઠાનાગે કો.હફીઝ બો.બાબર૩૪૨૩
સંગાકારા કો.અલી બો.શાહ
મેથ્યુસ અણનમ૪૩૫૭
થિરિમાને અણનમ૨૦૨૧
વધારાના (લેગબાય ૬)
(૩ વિકેટે ૨૬.૩ ઓવરોમાં)૧૫૩
          
વિકેટનો ક્રમઃ ૧-૪૦ (વિઠાનાગે, ૭) ૨-૪૯ (સંગાકારા, ૭.૧) ૩-૧૨૧ (કરુણારત્ને, ૨૦.૨).

બોલિંગઃ જુનૈદખાન ૪-૦-૩૦-૦, હફીઝ ૪-૦-૨૦-૦, બાબર ૮-૦-૪૨-૧, યાસિર શાહ ૧૦.૩-૦-૫૫-૨

ભરૂચના સરદાર બ્રિજની બંને બાજુ આઠ કિમી ટ્રાફિક જામ થયો

મોટા વાહનો પર પ્રતિબંધ મૂકાતા


ટ્રાફિક જામ થતા કાર ચાલકો ગોલ્ડન બ્રિજ તરફ વળતા ત્યાં પણ ટ્રાફિક જામની સ્થિતિ
ભરૃચ નજીક નર્મદા નદી પરના સરદારબ્રિજ પરથી મોટા વાહનોને પસાર થવા દેવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. તેના પગલે પૂલની બંને બાજુના માર્ગો પર ૮ કિલોમીટર વાહનોની લાંબી લાઇન લાગેલી જોવા મળી રહી છે. વાહનોની લાંબી લાઇનોથી ટ્રાફિકજામને પગલે વાહનચાલકોની હાલત કફોડી બની રહી છે.
સરદારબ્રિજ પર સમારકામ હાથ ધરાતા મોટા વાહનો પર પ્રતિબંધ મુકાતા પુનઃ ટ્રાફિકજામની સમસ્યા ઉભી થઇ છે.
ભરૃચમાં નેશનલ હાઇવે પર ઝાડેશ્વર નર્મદા નદી પર આવેલ સરદાર બ્રિજ ઉત્તર અને દક્ષિણના વાહન વ્યવહારને જોડતી સમાન છે. સરદાર બ્રિજની વહનક્ષમતા ઘટતાં તથા બ્રિજમાં ક્ષતિઓ સર્જાતા આ બ્રિજને અવારનવાર મોટા વાહનો માટે પ્રતિબંધિત જાહેર કરાય છે. જેના કારણે મોટા વાહનો પરનો વાહન વ્યવહાર ખોરવાતો આવ્યો છે. વર્ષો બાદ બ્રિજની મરામત હાથ ધરાતા તેને મોટા વાહનો માટે ખુલ્લો મુકાયો હતો. જો કે બ્રિજમાં વારંવાર ગાબાઓ પડતાં અને તેના જોઇન્ટમાં ખામીઓ સર્જાતા તેને અવારનવાર સમારકામ હેઠળ મુકવો પડે છે. જેને પગલે છાશવારે મોટા વાહનો પર પણ પ્રતિબંધ પડે છે. તાજેતરમાં જ વધુ એકવાર બ્રિજની મરામ્મત હાથ ધરાઇ છે. જેના લીધે મોટા વાહનો પર પ્રતિબંધ ફરમાવવામાં આવતાં નેશનલ હાઇવે પર બ્રિજની બંને બાજુ ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઇ છે. જેની અસર ભરૃચના ગોલ્ડન બ્રીજ પર પણ જોવા મળતી હતી. નેશનલ હાઈવે પર ટ્રાફિક જામ થતા કાર ચાલકોનો પ્રવાહ ગોલ્ડન બ્રીજ તરફ વળતા ત્યાં પણ ટ્રાફિક જામ છે.
ઉલ્લેખનીય છે કે નેશનલ હાઈવે પર ૮ થી ૧૦ કિલોમીટર લાંબી વાહનોની કતાર લાગતાં વાહન ચાલકોની હાલત કફોડી બની હતી. અતિઆવશ્યક સેવાઓ પણ ટ્રાફિક જામના કારણે પ્રભાવિત થઈ હતી તો બીજી બાજુ માનવ કલાકો અને ઈંધણનો પણ વ્યય થયો હતો. ઉલ્લેખનીય છે કે કેન્દ્ર સરકાર દ્વારા સરદાર બ્રીજને પેરેલલ નવો બ્રીજ બનાવવાની કામગીરી ચાલી રહી છે. જે ૨૦૧૬ના મધ્યમાં પૂર્ણ થવાની સંભાવના છે પરંતુ આ બ્રીજ પૂર્વ થાય ત્યાં સુધી નેશનલ હાઈવે પર ટ્રાફિક જામની સ્થિતિ સર્જાતી રહેશે, તે નક્કી છે.

ભાદર ડેમનાં ૩ દરવાજા બંધ થતા નથી, વહી જતો જળજથ્થો

ગાંધીનગરથી ટીમો દોડી આવી




દરવાજાને નુકશાન, નીચેના સિમેન્ટ કોંક્રીટનાં પાળા ધોવાઈ ગયા ઃ આજે સાંજ સુધીમાં લીકેજ અટકાવાશે ઃ તંત્ર
સૌરાષ્ટ્રનો બીજા નંબરનો સૌથી મોટો ભાદર ડેમ મેઘરાજાએ એક ઝાટકે છલકાવી તો નાખ્યો પણ ડેમનાં ત્રણ દરવાજાનાં નીચેના ભાગને નુકશાન થતાં દરવાજા બંધ થઈ ન શકતા ડેમમાં સંગ્રહાયેલો પાણીનો જથ્થો વહી રહ્યો છે. જેનાં પગલે ગાંધીનગરથી નિષ્ણાતોની ટીમ દોડી આવી છે. ડેમમાં લોખંડનાં ત્રણે દરવાજા નીચે સિમન્ટ કોંક્રિટનાં બનેલા પાળા પાણીનાં જબ્બર પ્રવાહમાં વહી ગયા હોવાનું ખુલ્યું છે. હાલ ૫૦ જેટલા મજુરો અને મશીનરીઓ દ્વારા ભાદર ડેમમાંથી થતું પાણીનું લિકેજીંગ અટકાવવા કામગીરી ચાલુ છે. મંગળવારે સાંજ સુધીમાં કોઈ પણ પ્રકારે લીકેજીંગ અટકાવી દેવાશે. તેમ, તંત્ર દ્વારા જણાવાયું હતું.
ભારે વરસાદનાં લીધે ભાદર ડેમમાં ૭ લાખ કયુસેક પાણીની આવક સામે સાડા ત્રણ લાખ કયુસેક પાણી છોડી શકવાની ડેમનાં દરવાજાની ક્ષમતા છે. જેનાં કારણે ડેમ પરનાં અધિકારીઓએ એક સમયે ડેમ ભયજનક સ્થિતીમાં હોવાની જાણ ગાંધીનગર કરી દીધી હતી. પરંતુ વરસાદે વિરામ લેતા અધિકારીઓનાં શ્વાસ હેઠા બેઠા હતાં.
વરાપ દરમ્યાન ડેમનાં દરવાજા બંધ કરવાની કામગીરી શરૃ કરાતા ૪,૧૪ અને ૧૭ નંબરનાં દરવાજાબંધ ન થતાં પાટિયામાં કંઈક ખામી હોવાની શંકાથી મજુરોને પાટીયા સુધી ઉતારાયા હતાં, થોડુ રિપેરીંગ કરવા છતાં પાટીયા બંધ ન થતાં નિષ્ણાંતોને બોલાવી તપાસ કરાવાતા લોખંડનાં ત્રણેય પાટીયાની નીચે સિમેન્ટ - કોંક્રિંટનાં પાળાઓ પાણીનાં પ્રવાહમાં વહી ગયાનું જણાયું હતું.આથી, આ અંગે ઉચ્ચકક્ષાએ જાણ કરાતા ગાંધીનગરથી ટીમો દોડી આવી છે. લોખંડની વિશાળ પ્લેટો મગાવી, લોખંડનાં સળિયાઓની ફ્રેમ બનાવી મરીન સિમેન્ટ કે જે પાણીમાં ફેવીકોલ જેવું કામ કરે છે, તેની થેલીઓ ગોઠવી દરવાજા
 સ્થળે ઉતારવામાં આવી રહી છે, પરંતુ ડેમ આખો ભરેલો હોવાથી રિપેરીંગમાં મૂશ્કેલી પડી રહી છે.
હાલ ડેમ પર લોખંડની વિશાળ ક્રેઈનો જેસીબી લોડર વગેરે સામગ્રી વડે મરીન સિમેન્ટની થેલીઓ લોખંડનાં સળિયાઓની બનેલી ફ્રેમમાં ઉતારવાની કામગીરી ઉપરાંત ખાલી બારદાન (કંતાનો) પણ મગાવી કંતાનો લિકેજિંગ આડે રાખી લિકેજિંગ બંધ કરવાની લગભગ ૫૦ મજૂરો દ્વારા દિવસ ચાલી રહી છે.
આ અંગે ભાદર ઈરિગેશનના ઈજનેર પી.પી. બલદાણીયા એ જણાવેલ કે, પાણીના ભારે પ્રવાહથી ત્રણ દરવાજાને નૂકશાન થયું છે. લિકેજિંગ અટકાવવા દિવસ રાત કામગિરી ચાલુ છે. ડેમની સપાટી ૧/૭ સુધીમાં ૨ ફુટ ઓછી, ૧/૮ સુધીમાં ૧ ફુટ ઓછી અને ૧/૯ સુધીમાં ડેમ સંપુર્ણ ભરેલો રાખવો પડે તેવો નિયમ છે. જે મુજબ આ ત્રણ દરવાજામાંથી પાણી વહી જવા છતાં લેવલીંગ જળવાઈ રહ્યું છે. મંગળવાર સાંજ સુધીમાં કોઈ પણ રીતે લિકેજિંગ અટકાવાશે.
ભાદર ડેમમાંથી પ્રતિ સેકન્ડ વહી જતુ ૧૦૦ ક્યુસેક પાણી
ભાદર ડેમના ત્રણ દરવાજાનો નીચેનો હિસ્સો ભારે જળપ્રવાહમાં વહી જતા દરવાજા બંધ થતા નથી. આ ત્રણે દરવાજામાંથી હાલ પ્રતિ સેકન્ડ ૧૦૦ ક્યુસેક પાણી વહી રહ્યું છે. કાલે સાંજ સુધીમાં રીપેરીંગ કામગીરી પૂર્ણ કરી લેવાશે તેમ સિંચાઈ વિભાગના મુખ્ય ઈજનેર નાદપરાએ જણાવ્યું હતું. તેમણે ઉમેર્યું હતું કે ત્રણે દરવાજા નીચેના ગડર ભાદર ડેમ બન્યો તે વખતના છે. ભારે જળપ્રવાહને કારણે આ ગડર આસપાસનો ભાગ ધોવાઈ ગયો છે.
સુરવોડેમમાંથી પાણી છોડાતા વડીયા પંથકમાં ભારે તારાજી
દુર્ઘટના સમયે જ સિંચાઈ કચેરીમાં અને મામલતદાર કચેરીએ જવાબદાર અધિકારી ન્હોતા ઃ આવેદન અપાયુ

તાજેતરમાં ભારે વરસાદ બાદ કોઈપણ જાતની ચેતવણી આપ્યા વિના સુરવો ડેમના દરવાજા ખોલી નાખવામાં આવતા આ વિસ્તારનાં ખેડૂતોને પારાવાર નુકસાન થયું હોવાનું જણાવી આ પ્રકારની બેદરકારી અંગે પગલાં લેવાની તાકીદ કરવામાં આવી છે.
વડીયા ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા મામલતદારને આપવામાં આવેલા આવેદનપત્રમાં જણાવ્યું હતું કે, આજરોજ કોઈ પણ જાતની ચેતવણી કર્યા વગર કે તકેદારી રાખ્યા વગર ડેમનાં પાટીયા ખોલી નાખવામાં આવેલ છે. સુરવો ડેમમાંથી પાણી છોડયા બાદ ભયંકર તબાહી સર્જાઈ ગયેલ છે. તેમજ માલ ઢોરને હાની પહોંચેલ છે. ઘરવખરી ચારો સહિત સામગ્રી તણાઈ ગયેલ છે. આ સ્થિતિમાં આ વિસ્તારની સ્થિતિ ચિંતાજનક બની છે. દુર્ઘટના સમયે મામલતદાર કચેરીમાં કે સિંચાઈ વિભાગમાં કોઈ જવાબદાર અધિકારી હાજર ન્હોતા. જેના કારણે પારાવાર નુકશાની ભોગવવી પડી છે.

આજે એક 'લીપ' સેકન્ડ ઉમેરાતાં દિવસ એક સેકન્ડ લાંબો થશે

૧૯૭૨માં શરૃ થયેલી પરંપરા

સમયનો તાલ મેળવવા 'લીપ' સેકન્ડ ઉમેરાય છે


પૃથ્વીનું ધરિભ્રમણ ક્રમશઃ ધીમું પડી રહ્યું છે તેની સાથે સમયનો તાલ મેળવવા 'લીપ' સેકન્ડ ઉમેરાય છે
પૃથ્વીના ધરિભ્રમણની ગતિ ક્રમશઃ મંદ પડતી હોવાથી સમયનો તાલ મેળવવા ૩૦મી જૂને દિવસમાં એક સેકંડનો ઉમેરો કરવામાં આવે છે. આજે આ 'લીપ' સેકન્ડ ઉમેરાતાં આજનો દિવસ એક સેકન્ડ લાંબો થશે. સામાન્ય રીતે દિવસ ૮૬૪૦૦ સેકન્ડનો હોય છે. 'લીપ' સેકન્ડની ગણતરી એટમિક ટાઇમના આધારે થાય છે. એટમિક ટાઇમ સેસિયમના અણુમાંથતાં ઈલેક્ટ્રોમેગ્નેટીક તરંગોના આધારે ગણાય છે.
સૂર્ય, ચંદ્ર અને પૃથ્વીના ગુરુત્વાકર્ષણના ટકરાવને કારણે પૃથ્વીનું ધરિભ્રમણ ધીમું પડી રહ્યું છે. વિજ્ઞાાનીઓના અંદાજ મુજબ ૧૮૨૦ પછીના વર્ષો ૮૬૪૦૦ સેકન્ડના રહ્યા નથી. બે મિલિસેકન્ડ કે આંખના પલકારા જેટલો સમય કોઇના ધ્યાનમાં આવે નહીં પરંતુ લાંબા ગાળે એક સેકન્ડ જેટલો ફેર પડે. પૃથ્વીના ધરિભ્રમણની ઝડપ ઘટી રહી છે. તેના સમયનો અંદાજ મુશ્કેલ છે. દિવસની લંબાઇ ઉપર પણ પરિબળો અસર કરતાં હોય છે. એટલે લીપ સેકંડ ઉમેરાય છે.
સામાન્ય રીતે જૂનની ૩૦ કે ડિસેમ્બરની ૩૧ તારીખે લીપ સેકન્ડ ઉમેરાય છે. સામાન્ય રીતે ઘડિયાળમાં ૨૩ઃ૫૯ઃ૫૯ પછી ૦૦ઃ૦૦ઃ૦૦ આવે છે અને નવો દિવસ શરૃ થાય છે. આજે તેમાં એક સેકન્ડ ઉમેરાયા પછી જુલાઇની ૧લી તારીખ થશે. અગાઉ લીપ સેકન્ડની ગણતરી કરવી પડકારજનક કાર્ય હતું. ૧૯૭૨માં લીપ સેકન્ડ ઉમેરવાની પ્રથા શરૃ થયેલી. ૧૯૯૯ સુધી દર વર્ષે એક એક લીપ સેકન્ડ ઉમેરાઇ હતી. ત્યાર બાદ તે નિયમિત ઉમેરાતી નહોતી. ૨૦૦૦ના વર્ષ પછી આજે માત્ર ચોથી વાર 'લીપ' સેકન્ડ ઉમેરાઇ રહી છે.

ગ્રીસની કટોકટીથી ભારતના અર્થતંત્ર પર સંકટનાં વાદળો

ભારતમાં વિશ્વના દેશોએ કરેલું રોકાણ પરત થવાની સંભાવના

સ્થિતિનો સામનો કરવા માટે સરકાર તૈયાર ઃ રાજીવ મહર્ષિ


યુરો નબળો પડશે તો ભારતની સોફ્ટવેર અને એન્જિનિયરિંગ નિકાસને અસર થવાનો ભય
ગ્રીસની નાણાકીય કટોકટીને પગલે ભારતમાંથી મૂડી પરત ખેંચાવાની શક્યતા છે અને સ્થિતિનો સામનો કરવા માટે સરકાર રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા સાથે ચર્ચા કરી રહી છે તેમ નાણા સચિવ રાજીવ મહર્ષિએ આજે જણાવ્યુૅ હતું.ઉદ્યોગપતિઓના મતે યુરો નબળો પડશે તો ભારતની સોફ્ટવેર અને એન્જિનિયરિંગ નિકાસમાં ઘટાડો થવાનો અંદાજ છે. એસોચેમના જણાવ્યા અનુસાર ભારતીય અર્થતંત્ર ગ્રીસ સાથે સીધો સંકળાયેલું નથી પણ યુરોપિયન યુનિયનને અસર થશે તો તેની પરોક્ષ અસર ભારતીય અર્થતંત્ર ઉપર પણ જોવા મળશે.
ગ્રીસના આર્થિક સંકટને પગલે બીએસઇ સેન્સેક્સ શરૃઆતમાં ૫૦૦ પોઇન્ટ તૂટયો હતો જો કે બપોરે સેન્સેક્સમાં સુધારો થયો હતો અને અંતે સેન્સેક્સ ૧૬૭ પોઇન્ટ તૂટીને બંધ રહ્યો હતો. આ દરમિયાન નાણા સચિવ મહર્ષિએ પત્રકારોને જણાવ્યું હતું કે અમે આરબીઆઇના સતત સંપર્કમાં છીએ. આ સંદર્ભમાં જરૃર પડશે તો આરબીઆઇ પગલા ભરશે.  તેમણે જણાવ્યું હતું કે ગ્રીસ નાણાકીય કટોકટીની ભારત પર સીધી કોઇ અસર થશે નહીં. જો કે મૂડી પ્રવાહ પર યુરોપ દ્વારા પરોક્ષ અસર થઇ શકે છે. યુરોપમાં વ્યાજ દર વધી શકે છે. યુરોપમાં વ્યાજ દર વધવાને કારણે ભારતમાંથી મૂડી પરત ખેંચવામાં આવે તેવી શક્યતા છે.
તેમણે કહ્યું હતું કે સ્થિતિ બદલાઇ રહી છે. જેટલી અસર યૂરો પર થશે તેટલી અસર ભારતના મૂડીપ્રવાહ પર થઇ શકે છે. જો યુરો બોન્ડનું વેચાણ વધશે તો તેની અસર પણ ભારતના મૂડીપ્રવાહ પર થવાની શક્યતા છે. કોઇ પણ ભવિષ્યવાણી કરી શકે તેમ નથી કે સ્થિતિ કેવી રહેશે.
જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું કોઇ ભારતીય કંપની ગ્રીસમાં બિઝનેસ ધરાવે છે? તો તેના જવાબમાં તેમણે જણાવ્યું હતું કે મને જાણ નથી. અમેરિકામાં પણ જો સરકારી બોન્ડનું વેચાણ વધશે તો તેની અસર પણ ભારતીય મૂડીપ્રવાહ પર થવાની સંભાવના છે. અમને ખબર નથી કે વિદેશી રોકાણકારો પોતાની મૂડી ક્યાં લઇ જશે?
ઉલ્લેખનીય છે કે ગ્રીસે આજે મૂડી પર નિયંત્રણ મૂકી દીધા છે અને ૬ જુલાઇ સુધી બેન્કો બંધ રાખવાનો નિર્ણય લીધો છે. વડાપ્રધાન એલેક્સિસ સિપ્રાસે યુરોપીય દેશોના પ્રસ્તાવિત રાહત પેકેજ અંગે ૫ જુલાઇએ મતદાન કરવાની જાહેરાત કરી છે.
ગ્રીસમાં ૬ જુલાઇ સુધી બેંકો બંધ રહેશે  એટીએમમાંથી માત્ર ૬૫ ડોલર મળશે
ગ્રીસમાં એટીએમમાંથી નાણા ઉપાડવા લાંબી લાઇનો ઃ ભારતના ઓટો એસિલરીઝ, આઇટી અને ફાર્મા  સેકટરને અસર થવાની સંભાવના

સોમવાર સવારે ગ્રીસ સરકારે તમામ બેંકોને ૬ જુલાઇ સુધી બંધ રાખવાનો આદેશ આપ્યો છે.. બેંકોની સાથે ગ્રીસમાં એટીએમમાંથી પણ નાણા ઉપાડવા ઉપર પણ નિયંત્રણ લાદવામાં આવ્યા છે. એટીએમમાંથી મહત્તમ ૬૫ ડોલર જ ઉપાડી શકાશે. ગ્રીસના વડાપ્રધાન એલેક્સિસ સિપ્રાસે ૫ જુલાઇએ મતદાન કરાવવાની જાહેરાત કરી છે. સરકારના આ નિર્ણય પછી સમગ્ર ગ્રીસમાં એટીએમમાંથી નાણા ઉપાડવા માટે મોટી લાઇનો જોવા મળી રહી છે.  નિષ્ણાતોના જણાવ્યા અનુસાર હવે ગ્રીસના ચલણનું યુરોથી બહાર નીકળવું લગભગ નિશ્ચિત માનવામાં આવી રહ્યું છે. ગ્રીસ સરકારને મંગળવાર સુધીમાં આઇએમએફ પાસેથી લીધેલી લોનની ચુકવણી કરવાની છે.
અનેક ભારતીય કંપનીઓ ગ્રીસ અને અન્ય યુરોપિયન દેશોમાં વેપારી હિત ધરાવે છે. યુરોમાંથી ગ્રીસ બહાર જશે તો યુરો નબળો પડવાની શક્યતા છે. ગ્રીસની કટોકટીને કારણે ભારતના ઓટો એંસિલરીઝ, આઇટી અને ફાર્મા  સેકટરને અસર થવાની સંભાવના છે.
ભારત ફોર્જ, મધરસન સુમી, કોક્સ એન્ડ કિંગ જેવી કંપનીઓ પર ટૂંકા ગાળમાં અસર થવાની શક્યતા છે. ટૂરિઝમ સ્ટોક કોક્સ એન્ડ કિંગ્સ અને થોમસ કિંગ જેવી કંપનીઓના બિઝનેસ ઉપર પણ અસર પડી શકે છે.
ગ્રીસવાસીઓને 'યસ'ની તરફેણમાં મતદાન કરવાની અપીલ
યુરોપિયન કમિશનના વડા જીન કલાઉડ જંકરે ગ્રીસવાસીઓને રવિવારે થનારા મતદાનમાં 'યસ'ની તરફેણમાં મતદાન કરવાની અપીલ કરી છે. તેમણે એક નિવેદનમાં જણાવ્યું હતું કે હું ગ્રીસવાસીઓને જણાવવા માગુ છું કે મૃત્યુના ભયે તમે આત્મહત્યા કરવાનું પસંદ કરશો નહીં. તેમણે જણાવ્યું હતું કે જો તમે 'નો'ની તરફેણમાં મતદાન કરશો તો ગ્રીસ યુરો ઝોનમાંથી બહાર નીકળી જશે. જર્મનીના ચાન્સેલર એન્જેલા મર્કેલે પણ ચેતવણી આપી છે કે જો યુરો તૂટશે તો યુરોપ તૂટી જશે.

ઝિમ્બાબ્વે પ્રવાસ માટે ધોની-કોહલીને આરામ, રહાણે બન્યો કપ્તાન

- ચાર વર્ષ બાદ હરભજન સિંહની વનડે ટીમમાં વાપસી

- 6 જુલાઈએ ભારતીય ટીમ ઝિમ્બાબ્વે પ્રવાસ પર રવાના થશે


ઝિમ્બાબ્વે પ્રવાસ માટે ભારતીય ટીમની જાહેરાત થઈ ગઈ છે. ખાસ વાત એ છે કે આ પ્રવાસ દરમ્યાન ઘણા સીનિયર ખેલાડીઓને આરામ આપવામાં આવ્યો છે, જેમાં કપ્તાન ધોની, વિરાટ કોહલી, રોહિત શર્મા, સુરેશ રૈના, ઉમેશ યાદવ અને અશ્વિન સામેલ છે, બીજી તરફ ચાર વર્ષ બાદ હરભજન સિંહની વનડે ટીમમાં વાપસી થઈ છે.
અજિંક્ય રહાણે આ પ્રવાસ દરમ્યાન ટીમનો કપ્તાન રહેશે, ટીમમાં જે ખેલાડીઓની પસંદગી થઈ છે તે છે -  વિજાય રાયડૂ, મનોજ, કેદાર, રોબિન ઉછપ્પા, મનીષ, અક્સર પટેલ, બિન્ની, મોહીત, સંદીપ, કરણ અને ભુવનેશ્વર. 10 જુલાઈથી શરુ થઈ રહેલા પ્રવાસ પર 3 વનડે અને 2 ટી-20 મેચ રમવામાં આવશે.
6 જુલાઈએ ભારતીય ટીમ ઝિમ્બાબ્વે પ્રવાસ પર રવાના થશે. આ પ્રવાસ સાથે જ સંદીપ શર્માને ટીમમાં પહેલીવાર સામેલ કરવામાં આવ્યો છે. તેને ઘરેલુ રમતમાં શાનદાર પ્રદર્શનનાં કારણે ટીમમાં જગ્યા મળી છે.

ગ્રીસની મંદી શેરબજારને ભરખી ગઇ, સેન્સેક્સમાં 166 અંકનો ઘટાડો

- બજાર ખુલતાની સાથે બીએસઇ સેન્સેક્સ 500 અંકોનાં ઘટાડા સાથે ખુલ્યો હતો

- ચાંદી અને રૂપિયામાં ઘટાડો નોંધાયો

સેન્સેક્સ અને નિફ્ટી પર સોમવારની સવાર એક મોટા ઘટાડાની સાથે શરૂઆત થઇ છે. બજાર ખુલતાની સાથે બીએસઇ બેન્ચમાર્ક સેન્સેક્સ 500 અંકોના ઘટાડા સાથે ખુલ્યો એનએસસીની બેન્ચમાર્ક નિફ્ટીએ પણ 2 ટકાનો ઘટાડો નોંધાવતા 8250ના સ્તરથી નીચે પહોંચી ગયો હતો. જો કે,  કામકાજનાં મધ્યભાગ બાદ બજાર બાઉન્સ બેક થતા પ્રારંભિક તબક્કામાં ગુમાવેલી સપાટીઓ ઝડપથી પરત હાંસલ કરી હતી.
આમ, કામકાજનાં અતે સેન્સેક્સ 166 પોઈન્ટ ઘટીને27645 જ્યારે નિફ્ટી 62 પોઈન્ટ ઘટીને 8318ની સપાટીએ બંધ રહ્યા હતા.
શેર બજારના નિષ્ણાતોનું માનવું છે કે ગ્રીસના સંકટ ભારતીય બજાર પર છવાઈ ગયા છે. ગ્રીસ સંકટના કારણે વૈશ્વિક બજારોમાં જોરદાર ઘટાડો જોવાને મળી રહ્યો છે. સોમવારની સવારે ગ્રીસ સરકારે બધી બેન્કોને 6 જુલાઇ સુધી બંધ રાખવાનો આદેશ આપ્યો છે. બેન્કોની સાથે જ એટીએમમાંથી પૈસા ઉપાડવા પર પણ પ્રતિબંધ મુકી દિધો છે. ગ્રીસના સ્ટૉક એક્સચેન્જ આજે બંધ રહેશે. ઓનલાઇન બેન્કિંગ ચાલુ રહેશે, પણ વિદેશી ટ્રાન્સફર પર રોક મુકી દિધો છે.
બજારના કારોબારના આ સમય દરમિયાન બધા જ સેક્ટર ઘટાડાના લાલ નિશનામાં જોવામાં આવી રહ્યા છે. બજારમાં ઘટાડો પીએસયૂ બેન્ક લીડ કરી રહી છે અને બેન્કિંગ સેક્ટર 3.5% નીચે બનેલા છે. ફાઈનાન્સ, મીડિયા, ફાર્મા, ઑટો અને મેટલ શેરોમાં 2 થી 2.5% સુધીનો ઘટાડો દર્જ કરવામાં આવ્યો છે. ઈન્ફ્રા, આઈટી અને એફએમસીજી સેક્ટર પણ જોરદાર ઘટાડાની સાથે જોવામાં આવી રહ્યા છે.
આ સમાચાર લખાય છે ત્યાં સુધી ચાંદી 138 રૂપિયા ઘટીને 35,968 રૂપિયા પર હતી. વળી સોનું 39 વધીને 26,524 રૂપિયા પ્રતિ ગ્રામ પર કારોબાર કરી રહ્યો હતો. રૂપિયો પણ ડોલરની સરખાણીએ 23 પૈસા ઘટીને 63.865 પર બજારમાં ટક્યો છે.

Sunday, 28 June 2015

યાત્રાળુઓને પાવાગઢ ચડવો બનશે વધુ સરળ



ગુજરાતના ઐતિહાસિક પાવાગઢ ડુંગરની ટોચે મહાકાળી ભદ્રકાળીનાં દર્શને ચાલતા જતા યાત્રીકોના માર્ગને પહોળી કરીને સાત મીટરનો કરશે. પહેલા આ માર્ગ ત્રણ મીટરનો હતો. આના અમલ બાદ હવે યાત્રાળુઓ આરામથી પગથિયા ચડીને તેમની આસ્થા અને બાધા પુરી કરી શકશે. પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ હાલના 2200 પગથિયાને પણ બદલી કાઢશે. દર 10 પગથિયે વિસામા સાથેની ખાસ ડિઝાઈન મંજૂર કરાઇ છે. વર્ષ 2016ના આરંભથી રૃ.78 કરોડના ખર્ચે અપ-ડાઉન રૃટને રિનોવેટ કરવાનું કામ શરૃ થશે.
સોમનાથ, દ્વારકા, પાલિતણા, ડાકોર ડેવલપમેન્ટ પ્લાનનો અમલ અને અંબાજીના ગઢ ગબ્બર, ચોટીલા ડુંગર યાત્રાધામના રિનોવેશન કર્યા પછી હવે ગુજરાતના ઈતિહાસમાં ધાર્મિક, રાજકીય અને સામાજિક મહત્ત્વ ધરાવતા પાવાગઢના વિકાસ તરફ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. સત્તાવાર સૂત્રોમાંથી મળતી વિગતો મુજબ રાજ્ય સરકારે પાવાગઢ ડેવલપમેન્ટ પ્લાન માટે રૃ.300 કરોડનો ખર્ચ મંજૂર કર્યો છે. પહેલા તબક્કે રૃ.78 કરોડનો સ્ટેપવોક-વે તૈયાર કરવામાં આવશે. તળેટીથી માચી અને ત્યાંથી મહાકાળી માતાજીના સ્થાનક સુધી પહોંચાડતા પગથિયા ૬ ફૂટના અને સીધા ચઢાણના છે. હવે તેને ૨૧ ફૂટ પહોળા કરવામાં આવશે. બીજા તબક્કામાં ઐતિહાસિક દુધિયા અને છાશિયા તળાવને પથ્થરે મઢવાનું આયોજન છે. ઉલ્લેખનીય છે, પશ્ચિમ ભારતમાં સૌથી પહેલી રોપ-વે સુવિધા સાથે શ્રદ્ધાળુઓને દર્શાનાર્થે લઈ જનાર યાત્રાધામ તરીકે પણ પાવાગઢનું નામ લેવાય છે.
ગુજરાતના ઈતિહાસમાં પાવાગઢનું ઘણું મહત્ત્વ
ગુજરાતના ઈતિહાસમાં પાવાગઢનું ઘણું રાજકીય મહત્ત્વ રહેલું છે. રાજધાની પાટણના પતન પછી ગુજરાતમાં અમદાવાદને રાજધાની બનાવીને સલ્તનતકાળનો આરંભ થયો હતો. 14મી સદીના અંતભાગમાં જ્યારે ગુજરાત સલ્તનતમાં શાસકોને અમદાવાદનું તાપમાન ગરમ લાગ્યું ત્યારે સુલતાન મહંમદ બેગડાએ ઈસ 1984માં પાવાગઢ પર ચઢાઈ કરીને તેને જીતી લઈ ત્યાંના ઠંડા હવામાનમાં ચાંપાનેરને રાજધાની બનાવી હતી.
600 વર્ષ પુર્વે પતાઈ રાજાએ કંડારેલી કેડી પર એનઆરઆઇ પટેલે પથ્થર મઢાવ્યા
600 વર્ષ પૂર્વે 14મી સદીમાં પતાઈ રાજાએ પાવાગઢમાં મહાકાળી માતાજીની સમીપે ડૂંગર ઉપર જ વસવાટ કર્યો હતો. તે વખતે જ તેમણે ડૂંગર પર પહોંચવા નાનકડી કેડી બનાવી હતી. વર્ષો સુધી આ કેડી પર ટુકડે ટુકડે પથ્થરો મુકીને પગથિયા બનાવાયા હતા. છેલ્લે વર્ષ 1998માં મૂળ ખેડાના કવિથા ગામના એનઆરઆઈ પટેલે સવા કરોડના ખર્ચે ધાંગધ્રાના રેતિયા પથ્થરથી 1500 જેટલા પગથિયા મઢાવ્યા હતા.
આઠમ, પૂનમે 1 લાખથી વધારે શ્રધ્ધાળુનો પ્રવાહ
પાવાગઢની ટોચે બિરાજમાન મહાકાળી માતાજીના મંદિરે આઠમ અને પૂનમે એક લાખથી વધારે શ્રદ્ધાળુનો ધસારો હોય છે. ઈતિહાસકારોએ મહાકાળી માતાજીને ગુજરાતના કુળદેવી તરીકે વારંવાર ઉલ્લેખ્યા છે. અહીં, સતિ પાર્વતિનો અંગુઠો પડયો છે. અંબાજીમાં સતિનું હૃદય પડયું હતું.
ઈન્દુલાલ યાજ્ઞિકે પાવાગઢનું પતન ફિલ્મ બનાવી હતી
મહાગુજરાત ચળવળના પ્રણેતા ઈન્દુલાલ યાજ્ઞિાકે પાવાગઢનું પતન નામની ગુજરાતી ફિલ્મ બનાવી હતી. જેમાં પતાઈ રાજા અને સુલતાનનાં દ્શ્યો બાબતે તે વખતે વિવાદ વકર્યો હતો. આ વિવાદને શાંત કરવા ફિલમનું એડીટીંગ કરી તેને ફરી રીલીઝ કરવામાં આવી હતી. 

ડુંગળી મોંઘીદાટ બનીઃ છૂટક બજારમાં કિલોએ ૩૫ રૃપિયા ભાવ પહોંચ્યો

મે માસમાં ઓછુ ઉત્પાદન અને હલકી ગુણવત્તાના કારણે તંગી સર્જાઇ

ભાવ ઘટાડા માટે ઓક્ટોબરમાં નવો પાક બજારમાં ઠલવાય ત્યાં સુધી રાહ જોવી પડશે


અમદાવાદ શહેરમાં હાલ છૂટક બજારમાં ડુંગળી ૩૦થી ૩૫ રૃપિયે કિલો વેચાઇ રહી છે. મે માસમાં સંગહિત ડુંગળી સમગ્ર ચોમાસા દરમિયાન પુરી પડાતી હોય છે. આ વર્ષે ડુંગળીનો પાક ઉભો હતો ત્યારે વરસાદ પડતા મોટાભાગનો માલ બગડી ગયો હતો તેમજ તેની ગુણવત્તા કથળી જતા તે લાંબો સમય સુધી સંગ્રહી શકાય તેમ ન હોવાથી તે માલ કઢાઇ રહ્યો છે. વેપારીઓના જણાવ્યા મુજબ ઓગષ્ટ માસમાં ડુંગળીની ભારે તંગી સર્જાઇ શકે તેમ છે. નવો પાક છેક ત્રણ માસ બાદ એટલે કે ઓક્ટોબરમાં આવે પછી જ ગરીબોની કસ્તૂરી સસ્તી થાય અને લોકોની થાળીમાં જોવા મળે તેમ હોવાનું જાણકારોનું માનવું છે.
અમદાવાદ શહેરમાં રીટેલ માર્કેટમાં ડુંગળીના ભાવો સાંભળીને જ લોકો ચોંકી રહ્યા છે. જૂન માસમાં ૩૫ રૃપિયે કિલોનો ભાવ બોલાઇ રહ્યો છે તો આવનારા મહિનાઓમાં કેટલો ભાવ હશે ?. તે વિચારીને જ લોકો અત્યારથી જ ડુંગળી ખાવાનું લગભગ ટાળી રહ્યા છે. દર વર્ષે ડુંગળી શા માટે જુલાઇ, ઓગષ્ટ અને સપ્ટેમ્બર માસમાં મોંઘીદાટ થઇ જતી હોય છે. તે પ્રશ્ન લોકો માટે અત્યારથી જ માથાના દુખાવા સમાન બની ગયો છે.
ચોમાસાના અંતે નવરાત્રીમાં ઓક્ટોબરમાં મહારાષ્ટ્રના પૂના, ધુલીયા, અહમદનગર અને કોલ્હાપુર વિસ્તારમાંથી ડુંગળીનો નવો પાક આવશે. જે સમગ્ર દેશમાં પહોંચે છે. ત્યારબાદ નવેમ્બર માસમાં રાજસ્થાનના ખેરથલ અને અલ્વરનો પાક બજારમાં આવશે. ડિસેમ્બરમાં ગુજરાતના મહુવા, ભાવનગર, તળાજા અને મહારાષ્ટ્રના લાસલગાંવ, પીપલગાંવ તેમજ મધ્યપ્રદેશનો અમુક વિસ્તારમાંથી આવતો પાક છેક એપ્રિલ સુધી સમગ્ર દેશની ડુંગળીની જરૃરીયાતને સંતોષે છે. ડુંગળીના આ કુદરતી ચક્ર અંગે જાણકારોના જણાવ્યા મુજબ નવેમ્બરથી એપ્રિલ સુધીના સમયગાળામાં પાકતી ડુંગળીનું આયુષ્ય કુદરતી રીતે જ વધુમાં વધુ ૨૦ દિવસનું હોય છે. જેના કારણે આ ડુંગળી બજારમાં વેચી જ દેવી પડતી હોય છે.

ચીનની દાદાગીરી ઃ ભારતીય સીમામાંથી સબમરીન પાક. બંદરે

વડાપ્રધાન મોદીની ચીન મુલાકાત પછીના જ સપ્તાહે

અરબી સમુદ્રમાં ઉંદર-બિલાડીની રમતથી દેશની સુરક્ષા સામે ખતરાની નેવીને આશંકા


કરાચી પહોંચેલી ચીનની યુઆન ક્લાસ ૩૩૫ સબમરીન ટોર્પેડો, એન્ટિ-શિપ મિસાઇલોથી સજ્જ હતી
સરહદ વિવાદને લઇને ભારત-ચીન વચ્ચેના સંબંધો પહેલાથી જ તંગ છે ત્યારે અરબી સમુદ્રમાં તાજેતરના વર્ષોની સૌથી ભયજનક ઘટનામાં ચીને ફરી એકવાર ભારતની સુરક્ષા વ્યવસ્થામાં ગાબડું પાડયું છે.  ચીને ભારતની મંજૂરી વિના જ ભારતીય જળસીમામાં થઇને પોતાની યુઆન ક્લાસ ૩૩૫ સબમરીન ગત ૨૨ મેના રોજ કરાચી પહોંચાડી દીધી હોવાના અહેવાલોથી ચકચાર મચી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ચીનના પ્રવાસના એક જ અઠવાડિયા બાદ ચીને આ કરતૂત કર્યું હતું.
ચીન આગામી કેટલાક વર્ષો દરમિયાન પાકિસ્તાનને કુલ ૮ સબમરીનો વેચવાનું છે ત્યારે તે અંતર્ગત જ પહેલી સબમરીનને ભારતની જળસીમામાં થઇને કરાચી પહોંચાડી હોવાનું એક ખાનગી ન્યૂઝ ચેનલના અહેવાલમાં જણાવાયું હતું.
ચીનની આ હરકત બાદ ભારતીય નૌકાદળે એલર્ટ જારી કર્યું હતું. નૌકાદળને આશંકા છે કે સબમરીનથી અરબી સમુદ્રમાં શરૃ થયેલી ઉંદર-બિલાડીની રમતથી દેશની સુરક્ષા સામે મોટો ખતરો ઊભો થઇ શકે છે.  ટોર્પેડો, એન્ટિ-શિપ મિસાઇલોથી સજ્જ સબમરીન આ વર્ષે ૩૧ માર્ચે દક્ષિણ ચીન સમુદ્રના હૈનાન ટાપુ પરના બેઝ ખાતેથી રવાના થઇ હતી અને ૨૨ મેના રોજ કરાચી પહોંચી હતી. સબમરીનના ૬૫ ક્રૂ-મેમ્બર્સ કરાચીમાં એક અઠવાડિયા સુધી રોકાયા પણ હતા.
 

હાથીની લાદમાંથી બને છે દુનિયાની સૌથી મોંઘી કોફી પૈકીની એક

જાણો કેવી રીતે બનાવાય છે આઈવરી બ્લેન્ડ કોફી


દુનિયામાં કરોડો લોકો કોફી પીએ છે.મોંઘી કોફી તો મોભાનુ પ્રતિક છે.ઘણા માટે તે સ્ટેટસ સિમ્બોલ હોય છે.
જેના કારણે ચિત્ર વિચિત્ર પ્રકારની મોંઘી દાટ કોફી હવે બજારમાં ઉપલબ્ધ થવા માંડી છે.આવી જ એક કોફી જેમાંથી બને છે તે વાંચીને  તમે નાકનુ ટીચકુ ચઢાવી દેશો.દુનિયાની સૌથી મોંઘી પૈકીની એક કોફી હાથીની લાદમાંથી બને છે.


આ  કોફીનુ નામ છે આઈવરી બ્લેન્ડ અને એક કીલો કોફીની કિંમત 67000 રુપિયા થવા જાય છે.કોફી બનાવવા માટે પહેલા તો હાથીને 33 કીલો કોફી બિન્સ ખવડાવવામાં આવે છે અને એ પછી હાથી જે  લાદ પાડે છે તેમાંથી માત્ર એક કીલો કોફી બને છે.લાદમાંથી કોફીના બીજ વીણવાનુ કામ પણ ખાસ પ્રશિક્ષણ પામેલા લોકો જ કરે છે.
લાદમાંથી નીકળેલા બીજને સાફ કરીને તડકામાં સુકવવામાં આવે છે.તેમાંથી કોફી પાવડર બનાવવામાં આવે છે.તેની ખાસીયત એ છે કે તેમાં કડવાશ નથી હોતી.કારણકે પાચન ક્રિયા દરમ્યાન હાથીના શરીરમાં રહેતા તત્વો કોફીની પરંપરાગત કડવાશને ખતમ કરી નાંખી છે.આ સીવાય હાથીને કેળા શેરડી જેવા ફળો ખવડાવવામાં આવતા હોવાથી લાદમાં મળતા બીજમાં ફળોની સુગંધ પણ ભળી જતા હોવાથી કોફીને એક આગવી મહેક મળે છે.

Saturday, 27 June 2015

ભારત સામેની બીજી ટેસ્ટ બાદ સંગાકારા નિવૃત્તિ લેશે

આગામી ઓગસ્ટમાં ભારત શ્રીલંકાના પ્રવાસે

સંગાકારા વન ડેમાંથી સંન્યાસ લઈ ચૂક્યો છે


શ્રીલંકાના ક્રિકેટ ઇતિહાસના મહાન બેટસમેન અને થોડા દિવસો પહેલા ઓસ્ટ્રેલિયાની જાણીતી વેબસાઇટ દ્વારા ૨૧મી સદીના મહાન ટેસ્ટ ક્રિકેટરોમાં તેંડુલકર પછીના બીજા ક્રમે રહેનાર કુમાર સંગાકારાએ આજે જાહેરાત કરી હતી કે ઓગસ્ટમાં રમાનાર પ્રવાસી ભારત સામેની બીજી ટેસ્ટ તેની કારકિર્દીની આખરી ટેસ્ટ હશે અને તે પછી તે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લેશે.
સંગાકારા વનડેમાંથી તો નિવૃત્તિ લઇ જ ચૂકયો છે. તેને તેંડુલકરની જેમ ઘર આંગણે નિવૃત્ત થવાની તક તેમના ક્રિકેટ બોર્ડે આપી છે. જો કે શ્રીલંકા જ નહીં વિશ્વની કોઇપણ ટીમમાં સંગાકારા આજે પણ સ્થાન મેળવી શકે તેવી ફિટનેસ અને ફોર્મ સાથે તે રમે છે.
સંગાકારા ૧૩૧ ટેસ્ટમાં ૧૨૨૭૨ રન ૫૮.૪૨ની એવરેજથી બનાવી ચૂકયો છે. તેણે ૩૮ ટેસ્ટ સદી ફટકારી છે. હાલ તે પાકિસ્તાન સામેની બીજી ટેસ્ટ રમી રહ્યો છે પણ ત્રીજી અને આખરી ટેસ્ટમાં નથી રમવાનો.

હવે શ્રદ્ધા કપૂરને પણ ફાર્મ હાઉસ ખરીદવાની તાલાવેલી

અદાકારા ખેડૂત બની ''ઓર્ગેનિક ખેતી'' કરશે


અભિનય જીવનમાં સુપેરે વણાઇ ગયો હોવા છતાં હિંદી ફિલ્મોના ઘણા કલાકારો ખેતર ખરીદી તેમાં ખેતી કરતા હોવાના સમાચાર વારંવાર અખબારોમાં વાંચવા મળતા હોય છે. મનુષ્ય ગમે એટલો આકાશને આંબે પરંતુ તે જન્મજાત પોતાના માતૃભૂમિની માટી સાથે આજીવન જોડાયેલો રહેતો જ હોય છે એ વાક્ય યથાર્ય ઠરે છે.
શ્રદ્ધા કપૂરનું નામ આ બોલિવુડયા  ખેડૂતોની યાદીમાં ટૂંક સમયમાં ઉમેરાશે એવા વાવડ અખબારી જગતને મળ્યાં છે. શ્રદ્ધા મુંબઇની આસપાસ ખેતી લાયક જમીન ખરીદી પોતાનું ફાર્મ હાઉસ બનાવશે અને ત્યાં ઓર્ગેનિક ખેતી (ખાતર કે જંતુનાશક દવા વાપર્યા વગર કરાતી ખેતી) કરશે.
નવાઝુદ્દિન સિદ્દિકિ પણ શ્રદ્ધાના પગલે ચાલી ખેડૂત બનવા માગે છે એવા સમાચાર મળ્યા છે. તે ઉત્તર પ્રદેશના બુધાના (નવાઝનું ગામ) ખાતે જમીન ખરીદશે અથવા મુંબઇની આસપાસના કોઇ ગામડાંમાં ફાર્મ હાઉસ બનાવશે.
પોતાના ફાર્મ હાઉસ ધરાવતા કલાકારોમાં ઇરફાન ખાન નાસિક ખાતેના તેના ખેતરમાં ઓર્ગેનિક ફળો ઉગાડે છે. તેમજ મુંબઇમાં તેના ઘરની પાછળના ભાગમાં આવેલા એક નાનકડા ટુકડામાં જાતે શાકભાજી વાવે છે.
સલમાન ખાન પનવેલ ખાતેના તેના ફાર્મ હાઉસમાં બટેટા, ટમેટાં, કોળું તેમ જ અન્ય શાકભાજીઓ ઉગાડે છે અને તેના ઘરમાં રોજ પનવેલથી આ જ શાક મગાવવામાં આવે છે.
બોબી દેઓલ અને તેનું કુટુંબ ઘણા ખેતરો ધરાવે છે. તેઓ પંજાબમાં ઓર્ગેનિક વેજીટેબલ ઉગાડે છે.  પ્રકાશ રાજ તેના મહાબલિપુરમ ખાતેના અને હૈદ્રાબાદના ખેતરોમાં શાક તેમજ ફળોની વાવણી કરે છે.
નાના પાટેકર ખડડવાસલા પૂણે ખાતેના તેના ખેતરોમાં જાતે કામ કરે છે. તે અહીં ઘઉં અને ચણાની વાવણી કરે  છે તેને બજારમાં વેચી થતો નફો ગામના ખેડૂતો સાથે વહેંચી લે છે.

કોલંબિયાને પેનલ્ટી શૂટઆઉટમાં હરાવીને આર્જેન્ટીના સેમિ ફાઇનલમાં

આર્જેન્ટીનાનો ૫-૪થી રોમાંચક વિજય

સડન ડેથમાં કાર્લોસ તેવેઝે નિર્ણાયક પેનલ્ટીને ગોલમાં ફેરવી

આર્જેન્ટીનાએ હાઇવોલ્ટેજ ક્વાર્ટર ફાઇનલમાં કોલંબિયાને પેનલ્ટી શૂટઆઉટમાં ૫-૪થી હરાવીને કોપા અમેરિકા ૨૦૧૫ની સેમિ ફાઇનલમાં પ્રવેશ મેળવી લીધો છે. મેસી, તેવેઝ, માસ્કેરાન્હો, ડી મારિયા જેવા સુપરસ્ટાર્સ ધરાવતી આર્જેન્ટીનાની ટીમને કોલંબિયાના મજબુત ડિફેન્સે અટકાવી રાખી હતી. બંને ટીમોના હાઇક્વોલિટી ફૂટબોલ છતાં નિર્ધારિત સમય બાદ સ્કોર ૦-૦થી બરોબરી પર રહ્યો હતો. આખરે પેનલ્ટી શૂટઆઉટમાં આર્જેન્ટીનાએ ૫-૪થી દિલધડક વિજય મેળવ્યો હતો.
પેનલ્ટી શૂટઆઉટમાં પણ ભારે રોમાંચક તબક્કે પહોંચેલા મુકાબલામાં કોલંબિયાના જેસન મુરીલોએ ફટકારેલી પેનલ્ટી કીક પર બોલ ગોલ પોસ્ટની ઉપર થઇને જતો રહ્યો હતો. જ્યારે આ પછીનો બધો મદાર કાર્લોસ તેવેઝની પેનલ્ટી કીક પર હતો, તેવેઝ તનાવ વચ્ચે ગોલ ફટકારતાં આર્જેન્ટીનાને સેમિ ફાઇનલમાં પ્રવેશ અપાવ્યો હતો.આર્જેન્ટીના તરફથી ગોલકિપર રોમેરોએ શાનદાર દેખાવ કરતાં ટીમની જીતમાં પાયાની ભૂમિકા ભજવી હતી.
હવે આર્જેન્ટીનાની ટીમ બ્રાઝિલ અને પેરાગ્વે વચ્ચે રમાનારી બીજી સેમિ ફાઇનલમાં જીતનારી ટીમની સામે રમશે. આ મુકાબલો ૧લી જુલાઇે પરોઢે ૫.૦૦ વાગ્યાથી રમાશે. જો કે કોલંબિયાનો પરાજય ગોલકિપર ડેવિડ ઓસ્પીના માટે અત્યંત નિરાશાજનક રહ્યો હતો. જેણે આર્જેન્ટીનાના વર્લ્ડ ક્લાસ સ્ટ્રાઇકર્સ સામે એકલા હાથે લડત આપતાં સ્કોરશીટને ક્લિન રાખી હતી, પણ પેનલ્ટી શૂટઆઉટમાં તે ખાસ કમાલ દેખાડી શક્યો નહતો.
પેનલ્ટી શૂટઆઉટમાં આર્જેન્ટીનાના લુકાસ બીગ્લીયા અને માર્કોસ રોજોએ ગોલ ફટકારવાની તક ગુમાવી દીધી હતી. કોલંબિયાના સ્ટાર ખેલાડી જેમ્સ રોડ્રીગ્યુઝે પણ અસરકારક દેખાવ કરતાં આર્જેન્ટીનાના ડિફેન્ડરોને પરેશાન કર્યા હતા. જો કે મેક્સિકન રેફરીએ આર્જેન્ટીનાના ખેલાડીઓ તરફ સોફ્ટ વલણ દાખવ્યું હોવાનું જોઇ શકાતું હતુ.

પેનલ્ટી શૂટઆઉટ

મેક્સિકો(સ્કોર)આર્જેન્ટીના(સ્કોર)કુલ સ્કોર
રોડ્રીગ્યુઝ (૧)મેસી (૧)૧-૧
ફાલ્કાઓ (૧)ગેરાય (૧)૨-૨
ક્યુએડ્રાડો(૧)બાનેગા (૧)૩-૩
મુરીઇલ(૦)લાવેઝી (૧)૩-૪
કાર્ડોના (૧)બિલ્ગીયા (૦)૪-૪
ઝુનીગા (૦)રોજો (૦)૪-૪
મુરીલો (૦)તેવેઝ(૧)૪-૫

વિમ્બલ્ડનના ડ્રો જાહેર ઃ યોકોવિચ અને ફેડરરની રાહ મુશ્કેલ

ફેડરર, નડાલ અને મરે એક જ હાફમાં મુકાયા


સોમવારથી શરુ થઇ રહેલી વિમ્બલ્ડન ગ્રાન્ડ સ્લેમ ચેમ્પિયનશીપમાં યોકોવિચ અને ફેડરરને મુશ્કેલ ડ્રો મળ્યા છે. ગ્રાસ કોર્ટ પર રમાતી ગ્રાન્ડ સ્લેમ ચેમ્પિયનશીપમાં યોકોવિચને તેની પ્રથમ મેચમાં જ જર્મનીના કોલ્ચેઇબેરનો સામનો કરવો પડશે. જ્યારે બીજા રાઉન્ડમાં યોકોવિચનો સામનો ઓસ્ટ્રેલિયાના સિનિયર ખેલાડી હ્યુઇટ્ટની સામે થઇ શકે છે.
સ્વિસ લેજન્ડ ફેડરરની રાહ પણ મુશ્કેલ છે. ફેડરરના હાફમાં સ્પેનિશ સ્ટાર નડાલને તેમજ બ્રિટીશ ટેનિસ ખેલાડી એન્ડી મરેને સ્થાન આપવામાં આવ્યું છે, જેના કારણે આ ત્રણ ખેલાડીમાંથી સંભવતઃ કોઇ એક જ ફાઇનલ સુધી પહોંચી શકશે. ફેડરરે તેની પ્રથમ મેચમાં બોસ્નીયાના ડ્ઝુમહુર સામે રમવાનું આવશે. જ્યારે બ્રિટનના એન્ડી મરેને કઝાકિસ્તાનનો અપસેટ સર્જી શકે તેવો કુકુશ્કીન જેવો ખેલાડી પહેલા રાઉન્ડમાં મળ્યો છે.
બે વખતનો ભૂતપૂર્વ ચેમ્પિયન નડાલ ૧૦મો સીડ ધરાવે છે અને તેને બ્રાઝિલના બેલૂચી સામે પ્રથમ રાઉન્ડમાં રમવાનું આવ્યું છે. નડાલની ક્વાર્ટર ફાઇનલ સુધીની રાહમાં સોંગા તેમજ ફેરર જેવા ખેલાડીઓ આવી શકે છે. વિમેન્સ સિંગલ્સમાં સેરેના વિલિયમ્સના હાફમાં જ શારાપોવાને સ્થાન મળ્યું છે, જેના કારણે જો અપેસટ નહીં થાય તો બે દિગ્ગજ ખેલાડીઓ સેમિ ફાઇનલમાં આમને-સામને રમી શકે છે.

Friday, 26 June 2015

ભારે વરસાદથી ચારધામ યાત્રા સ્‍થગિતઃ ૧૪,૦૦૦ યાત્રિકો ફસાયા

ઉત્તરાખંડમાં આફતનો વરસાદ : રસ્‍તાઓ ધોવાઇ ગયા : પુલો તૂટી ગયા : નિર્જન પડાવોમાં યાત્રિકો ફસાયા : બદ્રીધામ - હેમકુંડની યાત્રા પણ અટકી : હાઇવે બંધ હોવાથી ગંગોત્રી યાત્રા પણ ઠપ્‍પ :
ઉત્તરાખંડમાં ભારે વરસાદ પડતા ચારધામ યાત્રા રોકી દેવામાં આવી છે. કુલ ૧૪,૦૦૦ યાત્રિકો ફસાયા છે. સાથોસાથ ગંગોત્રી, બદ્રીનાથ, હેમકુંડના તીર્થયાત્રિકોને પણ સલામત સ્‍થળોએ અટકાવી દેવામાં આવ્‍યા છે. કેદારનાથના ગૌરીકુંડ સુધી અલગ અલગ પડાવ પર ૭૬૦ યાત્રિકોને રોકી દેવાયા છે. બદ્રીનાથ ધામમાં ૩૦૦૦ અને હેમકુંડ યાત્રા પર જઇ રહેલા ૧૦૦૦ યાત્રિકોને ઘાઘરીયામાં જ રોકી દેવાયા છે.
કેદારનાથ ધામમાં બુધવાર રાતથી વરસાદ ચાલુ છે. ગઇકાલે જ યાત્રા અટકાવી દેવાઇ હતી. યાત્રિકોને સલામતીના કારણોસર ગુપ્‍તકાશી, ફાટા, સોતપ્રયાગ, ગૌરીકુંડ, લીનચૌલીમાં જ રોકી દેવાયા છે.
જાણવા મળતી વિગત મુજબ કેદારનાથથી ગૌરીકુંડ સુધી અલગ અલગ પડાવ પર ૭૬૦ યાત્રિકો છે. જેમાં કેદારનાથમાં ૪૬૯, લિનચૌલીમાં ૧૫૦, જંગલ ચટ્ટીમાં ૧૦૦ અને ગૌરીકુંડમાં ૫૦ યાત્રિકો છે. કેદારનાથમાં મંદાકીની નદીની સપાટી પણ ઝડપથી વધી રહી છે. નદીમાં ત્રણ ગણુ પાણી વધી ગયું છે.
બદ્રીનાથ હાઇવે લામબગડ, રડાંગ બેંડ, કંચન ગંગામાં બંધ હોવાથી તંત્રએ યાત્રિકોને બદ્રીનાથ - જોષીમઠમાં જ રોકી દીધા છે. બદ્રીનાથ ધામમાં ૩૦૦૦ યાત્રિકોને રોકી દેવાયા છે. ઘાઘરિયામાં ૧૩૦૦ને રોકી દેવાયા છે. મજુરો અને મશીનો બદ્રીનાથ હાઇવેને ખોલવામાં લાગ્‍યા છે. પણ એકધારા વરસાદને કારણે કામ થઇ શકતું નથી.
ગઇકાલે સવારે ૧૦ વાગ્‍યે રસ્‍તા પર શીલાઓ પડતા રસ્‍તો બંધ થઇ ગયો હતો. વરસાદને જોતા યાત્રિકોને રોકી દેવાયા છે.
હેમકુંડ માર્ગ પર લક્ષ્મણ ગંગાનું જળસ્‍તર વધતા માર્ગ પરના ૩ પુલ તૂટી ગયા છે. જેને કારણે ૪૪૦૦ શીખ યાત્રિકો ફસાયા છે.
વરસાદની અસર યમુનોત્રી અને ગંગોત્રી ધામની યાત્રા પર પણ પડી છે. સુક્કી નાલામાં હાઇવે બંધ કરાયો છે. વાહન વ્‍યવહાર ઠપ્‍પ થઇ ગયો છે.
જિલ્લા તંત્રના જણાવ્‍યા પ્રમાણે બદ્રીનાથ તરફ જઇ રહેલા ૧૪,૦૦૦ યાત્રિકો વરસાદમાં ફસાયા છે તેમને વચ્‍ચે રોકી દેવાયા છે. ચમોલીમાં વરસાદની ભારે અસર થઇ છે. આકાશ સ્‍વચ્‍છ થયે યાત્રિકોને આગળ શરૂ કરાશે. રાજ્‍યમાં ૧૨ કલાકથી વરસાદ ચાલુ છે. હેમકુંડ સાહિલ યાત્રાને પણ વરસાદ - ભૂસ્‍ખલનને કારણે રોકી દેવાઇ છે.
જુનાગઢ-ભાવનગર-સુરતના ૧૬ યાત્રાળુઓ ચારધામ યાત્રામાં ફસાયા
રાજકોટઃ ચાર ધામની પવિત્ર યાત્રામાં સૌરષ્‍ટ્ર-ગુજરાતના દોઢ ડઝન યાત્રાળુઓ ભારે વરસાદ વચ્‍ચે ફસાઇ ગયા છે. અમરનાથ યાત્રામંડળના સભ્‍ય જુનાગના બિપીનભાઇ જોષીએ અખબારોને જણાવેલ કે જુનાગઢના અને ભાવનગરના ૪-૪ યાત્રાળુઓ તેમની મોટરમાં ગયા છે અને સુરત તરફના આઠેક મુસાફરો છે ઓ બધાને ઉતરાખંડના ભારે વરસાદને લીધે જોષીમઠમાં રોકી દેવાયા છે અહી ગુજરાત સહિત દેશભરના હજારો ઉતારૂઓ ફસાઇ ગયા છ.ે
ત્‍યાં નજીકના ગામોમાં વિજળી નથી તેથી મોબાઇલ ચાર્જ થઇ નહિ શકતા સંપર્ક થતા નથી. લગભગ પ૦૦ બસ અને વાહનો રોકી દેવાયા છે. લોકોને આગળ વધવા મનાઇ ફરમાવાઇ છે.
અમોલી- જોષીમઠ નજીક રસ્‍તાઓ તુટી પડતા રસ્‍તા બંધ છે જે આજે ચાલુ થવા સંભવ છે.

સફળતા ડાન્સના કારણે નહીં, સ્ક્રીપ્ટના લીધે

એબીસીડી ટુ વિશે રેમો ડિસોઝા કહે છે

ડાન્સ તો ફિલ્મનો એક હિસ્સો ગણાય


ટોચના કોરિયોગ્રાફર કમ ફિલ્મ સર્જક રેમો ડિસોઝાએ કહ્યું હતું કે મારી ફિલ્મ એબીસીડી ટુ હિટ થવાનું કારણ ડાન્સ નથી, સબળ સ્ક્રીપ્ટ છે. ડાન્સ તો ફિલ્મનો એક અંશ માત્ર છે.
'એબીસીડી (એની બોડી કેન ડાન્સ) અને એબીસીડી ટુ- મારી બંને ફિલ્મો હિટ થવાનો યશ ફક્ત ડાન્સને આપી શકાય નહીં. માત્ર જુદા જુદા ડાન્સ કરવાથી ફિલ્મ હિટ ન થાય. મારી ફિલ્મો સફળ થવાનો યશ હુંં સબળ સ્ક્રીપ્ટને આપું છું. ચુસ્ત સ્ક્રીપ્ટ અને વાર્તાના કારણે દર્શકોને ફિલ્મો ગમી અને હિટ નીવડી. બાકી કોઇ ફિલ્મ માત્ર ડાન્સ પર ચાલે નહીં' એમ મિડિયા સાથે બોલતાં રેમોએ કહ્યું હતું.

તેમણે વધુમાં કહ્યું કે મેં ફિલ્મ ફાલતુથી ડાયરેક્ટર તરીકેની કારકિર્દી શરૃ કરી હતી. એ ફિલ્મ ડાન્સ આધારિત નહોતી. એટલે મને ડાન્સ ફિલ્મનો ડાયરેક્ટર કહી શકાય નહીં. કોરિયોગ્રાફી આવડતી હોય એટલે લોકોને એમ લાગે કે આ માણસ ડાન્સ આધારિત ફિલ્મ સહેલાઇથી બનાવી શકે. પરંતુ મારી પહેલી ફિલ્મ ડાન્સ આધારિત નહોતી.

ભારે વરસાદને લીધે સૌરાષ્ટ્રના ૧૪ ડેમો છલકાતાં એલર્ટ પર

એક દિવસમાં અમરેલી,ભાવનગર સહિતના ૨૦ ડેમો છલકાયા

વરસાદને લીધે ૩૫ ડેમોમાં પાણીની નવી આવક થઇ


, અરવલ્લી,કચ્છના ૨૨ ડેમો હજુયે ખાલીખમ
સૌરાષ્ટ્રમાં મેઘાએ ધમાકેદાર એન્ટ્રી કરતાં ખાલીખમ પડેલા ડેમો જાણે સજીવન થયાં છે. વરસાદી પાણીથી ડેમોમાં નવી આવકો થઇ છે. એટલું જ નહીં , ભારે વરસાદને પગલે સૌરાષ્ટ્રના ૧૪ ડેમો સંપૂર્ણપણે છલકાઇ ગયા છે જેથી આ ડેમો એલર્ટ પર મૂકાયાં છે.
અમરેલી, ભાવનગર,બોટાદ, ગીર સોમનાથ અને રાજકોટના ડેમો ચોમાસાના પ્રથમ રાઉન્ડમાં ભરાઇ ચૂક્યાં છે. સૌરાષ્ટ્રના ૨૦ ડેમો તો એક જ દિવસમાં ભરાઇ ગયાં હતાં. ચોમાસાના પ્રથમ ધમાકેદાર રાઉન્ડમાં ખાસ કરીને સૌરાષ્ટ્રના ડેમોમાં પાણીની નવી આવકો શરૃ થઇ ગઇ છે. છેલ્લાં ૨૪ કલાકથી સાંબેલાધાર વરસાદે સૌરાષ્ટ્રમાં એવી અતિવૃષ્ટિ સર્જી દીધી છે પરિણામે અમરેલીના ખોડિયાર, રાઇડી , સંકરોલી ,સૂરજવાડા ડેમોમાં તો સંપૂર્ણપણે ભરાઇ જતાં હાઇએલર્ટ પર મૂકાયાં છે. ભાવનગરના છ ડેમોમાં ક્ષમતા સમાન પાણી ભરાઇ જતાં હાઇએલર્ટ જારી કરાયું છે. ગીર સોમનાથમાં હિરણ-૨ અને રાજકોટમાં ભાદર ડેમમાં સંપૂર્ણપણે છલકાઇ જતાં એલર્ટ પર મૂકાયાં છે.
વરસાદને કારણે સૌરાષ્ટ્ર - દક્ષિણ ગુજરાતમાં કુલ ૩૫ ડેમોમાં પાણીની નવી આવકો શરૃ થઇ છે પરિણામે ડેમોમાં પાણીની સપાટી વધી છે. બીજી તરફ, કચ્છ, સાબરકાંઠા અને અરવલ્લીમાં હજુયે ૨૨ ડેમો એવા છેકે, જેમાં માત્ર ૧ ટકાથી ૪ ટકા જેટલું જ પાણી છે. ગુજરાતમાં હજુયે ૫૦થી વધુ ડેમોમાં પાણીનો સંગ્રહ માત્ર ૧૦ ટકાથી ઓછુ છે.
સૌરાષ્ટ્રના કયા ડેમો છલકાયા
ભાદર-૧ , ઉંડ ,સૂરવો , ડોડી, વેરી , ગોંડલી ,છાપરવાડી , મોતીસર, ભાદર- ૨, શેત્રુંજય ,ખારો , ખોડિયાર,હમીરપરા,વડી ,વડિયા , રાવત,સૂરજવડી, રતાવડ
રાજકોટનો ભાદર, ભાવનગરનો શેત્રુંજી ડેમ છલોછલ ભરાયા
સૌરાષ્ટ્રમાં ભારે વરસાદને પગલે તથા ઉપરવાસમાંથી પાણી આવતા સૌરાષ્ટ્રના બે મોટા ડેમ - રાજકોટનો ભાદર ડેમ અને ભાવનગરનો શેત્રુંજી ડેમ છલોછલ ભરાઈ જતાં હાઈ એલર્ટ ઉપર મૂકાયા છે. શેત્રુંજીમાં તેની ક્ષમતા ૩૦૯૦ લાખ ઘન મીટર સુધી અને ભાદરમાં તેની ક્ષમતા ૧૮૮૦ લાખ ઘન મીટર સુધી પાણી ભરાયું છે.
સૌરાષ્ટ્રના બીજાં ૨૪ નાના જળાશયો-ડેમો ૭૫ ટકાથી ૧૦૦ ટકા સુધી ભરાઈ ગયા છે, જેને કારણે, સતત વરસાદથી સૌથી વધુ અસરગ્રસ્ત અમરેલી જિલ્લાના વડિયા અને સંક્રોલી જળાશયો, ભાવનગરના હાણોલ અને રોજકી, જામનગરનો ફોફળ-૨ ડેમ તેમજ રાજકોટ જિલ્લાના વેરી, મોતીસર ડેમો અને કબીર સરોવર મળીને કુલ ૮ જળાશયો-ડેમો હાઇ એલર્ટ ઉપર મૂકાયા છે. જ્યારે અમરેલીનો ખોડિયાર ડેમ, ભાવનગરનો ખારો, લાખણકા અને પીંગળી તેમજ રાજકોટ જિલ્લાના ન્યારી-૧, લાલમરી તથા સરવો ડેમ વોર્નિંગ સ્ટેજ ઉપર મૂકાયા છે.

Wednesday, 24 June 2015

સૌરાષ્ટ્રમાં સાંબેલાધાર વરસાદ

http://vtvgujarati.com/news/rain-sk.jpg
 દિવના દરિયામાં સર્જાયેલા ડિપ ડિપ્રેશનના પગલે સૌરાષ્ટ્રમાં મેઘ તાંડવની સ્થિતિ સર્જાઈ અને રાજ્યમાં મંગળવાર રાત્રે વિધિવત ચોમાસુ શરૂ થઇ ગયું હોય તેમ સમગ્ર સૌરાષ્ટ્ર, દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ શરૂ થયો હતો. જેમાં બગસરામાં આભ ફાટ્યું હોય તેમ માત્ર છ કલાકમાં ૨૭ ઇંચ વરસાદ પડતા સમગ્ર પંથકમાં જળબંબાકાર સર્જાયો હતો. આ ઉપરાંત ધારીમાં ૨૨, ગીરમાં ૧૭ અને ઊનામાં ૧૫ ઇંચ વરસાદ પડતા અનેક નદીઓ બે કાંઠે વહેવા લાગી હતી. ભાદર ડેમ ઓવરફલો થતાં ૨૯ દરવાજા ખોલી દેવાયા હતા. જ્યારે લીલાખા બેટમાં ફેરવાઇ ગયું હતું.અમરેલી પંથકમાં મેઘતાંડવથી ર૩ના મોત થયાના અહેવાલ સાપડી રહ્યા છે. જ્યારે બગસરાના વાઘડીયામાં ૧૩ના મોત થયાનું બિનસત્તાવાર રીતે જાણવા મળ્યું છે. બગસરાથી પીથડીયા જતી બસ ખાબકતાં પાંચના મોત થયા હતાં. આમ કુલ મૃત્યુઆંક ૩૮ હોવાનું બિનસત્તાર રીતે જાણવા મળે છે.ભારે વરસાદથી અમરેલીના ૧૨ ગામો સંપર્ક વિહોણા થતા ફસાયેલા લોકોને બહાર કાઢવા બે હેલિકોપ્ટર મોકલાયા હતા. જ્યારે ગોંડલ તાલુકામાં બે ગામને જોડતો પુલ તૂટી પડતાં બે ગામ સુલતાનપુર અને રાણસીકી સંપર્ક વિહોણા થઇ ગયા હતા. વરસાદથી અનેક સ્થળે વીજપુરવઠો ખોરવાઇ ગયો હતો. જ્યારે ૬૦૦ જેટલા લોકો વરસાદી પાણીમાં ફસાઇ ગયા હતા.સૌરાષ્ટ્રના તમામ ૧૦ જિલ્લામાં સાર્વત્રિક નોંધપાત્ર વરસાદ થયો હતો. જેમાં ઊના તાલુકામાં ૧૫ ઇંચ, સૌરાષ્ટ્રના ચાર તાલુકામાં ૮ થી ૧૧ ઇંચ તેમજ દસ તાલુકામાં ૪ ઇંચથી વધ વરસાદ નોંધાયો હતો. સૌરાષ્ટ્રના ૮ તાલુકામાં ૩ ઇંચ, ૨૧ તાલુકામાં બે તથા ૫૨ જેટલા તાલુકામાં એક ઇંચથી વધુ વરસાદ થયો છે. આ લખાય છે ત્યારે પણ ધીમી ધારે વરસાદ ચાલુ રહ્યો છે.રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં મંગળવાર રાતથી સર્વત્ર જોરદાર વરસાદ પડતાં સૌરાષ્ટ્રમાં પડેલા પ્રથમ વરસાદે જ પાણી જ પાણી કરી દીધંુ છે. બગસરામાં ૬ કલાકમાં ૨૭ ઇંચ, ધારીમાં પણ ૨૨ ઇંચ વરસાદ ખાબકી ગયો હતો. રાજુલામાં ૧૦ ઇંચ, ગીરમાં ૧૭ ઇંચ, ઊનામાં ૧૫ ઇંચ, માળિયા હાટીનામાં ૧૨ ઇંચ વરસાદ ખાબક્યો છે. જ્યારે તાલાલા અને કોડીનારમાં ૯ ઇંચ, ખાંભા ૫ ઇંચ, માંગરોળ ૫ ઇંચ અને કેશોદ ૫ ઇંચ વરસાદ પડ્યો છે. સૌરાષ્ટ્રમાં સૌથી વધારે વરસાદ ઊના, તાલાલા અને માળિયા હાટીનામાં પડ્યો છે. વરસાદથી નદીઓમાં પાણી વહેતા થયા છે. અમરેલીની રાયડી અને ઠેબી નદીમાં ઘોડાપૂર આવ્યા છે. ખોડિયાર ડેમ ઓવરફલો થતાં તેનું પાણી અમરેલી પંથકના વિસ્તારમાં ફરી વળ્યું છે.શહેરભરના રાજમાર્ગો પર જાણે નદીઓ દોડતી થઇ ગઇ તેવા દ્રશ્યો સર્જાયા હતા. બીજી બાજુ વીજળીના કડાકા-ભડાકા વચ્ચે અનેક વિસ્તારોમાં વીજળી પણ ગૂલ થઇ ગઇ હતી. લાંબા સમય બાદ મેઘરાજા મનમૂકીને ગીર, ઊના, તાલાલા, કોડીનાર અને માંગરોળ પર વરસ્યા હતા. તોફાની પવનના કારણે અનેક સ્થળે ઝાડ પણ ધરાશાયી થયા હોવાનું જાણવા મળે છે. અનેક ગામડાઓમાં ભારે વરસાદના કારણે અંધારપટ સર્જાયો હતો. જ્યારે ટેલીફોન અને મોબાઈલ સેવાઓ પણ ખોરવાઈ જવા પામી હતી.આ ઉપરાંત ઠેર-ઠેર પાણી ભરાઈ જતાં બસ અને રેલ વ્યવહારને પણ અસર થઈ હતી. ભારે વરસાદથી દક્ષિણ ગુજરાતના પણ અનેક વિસ્તારોમાં જનજીવન ખોરવાઈ ગયું હતું. ભારે વરસાદના પગલે શાળા-કોલેજો બંધ રાખવાનો સત્તાવાળાઓએ આદેશ કર્યા હતા. જ્યારે ભાવનગર યુનિવર્સિટી તથા દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી પરીક્ષાઓ મોકુફ રાખવાની જાહેરાત કરી હતી. રાજ્યમંત્રી મંડળની આજે મળેલી બેઠકમાં ભારે વરસાદ તથા આગામી ૩૬ કલાકમાં વધુ ભારેથી અતિભારે વરસાદની આગાહી હોવાથી સ્થિતિની સમીક્ષા કરવામાં આવી હતી તથા તંત્રને સાબદુ કરી અધિકારીઓની રજાઓ રદ કરવામાં આવી હતી. આ ઉપરાંત તમામ મંત્રીઓને તેમના મત વિસ્તારમાં જ રહેવાની તાકીદ કરવામાં આવી હતી.
ગઈરાતથી શરૂ થયેલા ભારે વરસાદના કારણે સૌરાષ્ટ્રના મોટાભાગના ડેમ છલકાઈ ગયા હતા. રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશને હાઈએલર્ટ જાહેર કરી નાગરીકોને આગામી ૨૪ કલાક સુધી તેમના ઘરમાં રહેવા જ અપીલ કરી હતી. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં તોફાની પવનના કારણે તુટી પડેલા ભારેથી અતિભારે વરસાદના લીધે સેંકડો વૃક્ષો, હોર્ડિંગ્સ વગેરે ધરાશાયી થયા હતા. કરોડોની માલ-મિલકતને નુકશાન થયું હતું. ગોંડલમાં ભારે વરસાદથી બે વ્યક્તિઓના મોત થયા હોવાના અહેવાલો પ્રાપ્ત થયા છે. જ્યારે પાણીના ધસમસતા પ્રવાહના કારણે સુલ્તાનપુરનો બ્રીજ ભયજનક સ્થિતિમાં મુકાતા સ્થળ પર પહોંચેલા ગોંડલના મામલતદાર અને અન્ય અધિકારી પણ પાણીમાં ફસાતા તેમને બચાવવા જામનગર એરબેઈઝથી ભારતીય વાયુદળના હેલિકોપ્ટરને રવાના કરવામાં આવ્યા હતા. જેમણે આ બન્ને અધિકારીઓને હેમખેમ બચાવી લીધા હતા. એસ ટી બસના મુસાફરો અટવાયા
અમરેલીના કુકાવાવ પાસે ભારે વરસાદથી પાણીમાં એસટી બસ ફસાઇ હતી. જેમાં મુસાફરો મુશ્કેલીમાં મૂકાયા હતા. તે દરમિયાન એસટીના ડાયરેક્ટરે આ ઘટનાને સમર્થન આપ્યું હતું. ફસાયેલી એસટી બસને તંત્ર દ્વારા બચાવ કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી. કુકાવાવની આજુબાજુના વિસ્તારોમાં વરસાદના પાણી ઘરમાં ઘૂસી જતા ૬૦૦થી વધુ લોકો ફસાયા હતા.ટ્રેનને દેલવાડા અટકાવાઇ
સૌરાષ્ટ્રમાં પડેલા ભારે વરસાદથી તમામ માર્ગો બંધ થઇ જતા લોકોની અવર-જવર બંધ થઇ છે. તાલાલા અને ઊના વચ્ચેના રેલવે ટ્રેકનું ધોવાણ થતાં દેલવાડાથી જૂનાગઢ જતી ટ્રેનને દેલવાડા જ અટકાવી દેવાઇ છે. જ્યારે બીજી જગ્યાએ પણ ટ્રેન રોકવામાં આવી હતી. ગીરગઢડા અને વડવિયાળા વચ્ચે રેલવે ટ્રેકનું ધોવાણ થતાં ટ્રેકની નીચેથી પાણી વહી રહ્યા છે.અમરેલીના ૧૨ ગામો સંપર્ક વિહોણાઃ હેલિકોપ્ટરની મદદ લેવાઇ
સૌરાષ્ટ્રના તમામ ધારાસભ્યોને પોતાના મત વિસ્તારમાં પહોંચી પૂરની પરિસ્થિતિ અને રાહત બચાવની કામગીરીની સમીક્ષા કરી અહેવાલ રજૂ કરવા માટે મુખ્યમંત્રી કચેરી દ્વારા આદેશ થયા છે. તેમજ કાલે યોજાનારી ચિંતન શિબિરમાં પૂર અસરગ્રસ્ત વિસ્તારોના અધિકારીઓને મુક્તિ આપવામાં આવી છે. એટલું જ નહીં, અમરેલીમાં ભારે પૂરને પગલે અમદાવાદની ફાયરબ્રિગેડની ટીમ રેસ્ક્યુ માટે રવાના થઇ ગઇ છે. રાજ્યના સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં છેલ્લા ૨૪ કલાકમાં થયેલા અતિ ભારે વરસાદને કારણે અમરેલી જિલ્લાના ૧૨ ગામો સંપર્ક વિહોણા થઇ ગયા છે. ભારે વરસાદને કારણે નદી-નાળાઓમાં ભારે પૂરની પરિસ્થિતિ ઊભી થઇ છે. લોકોને નીચાણવાળા સ્થળે નહીં જવા સૂચના આપવામાં આવી છે. કલેક્ટર એચ.આર. સુથાર, ડીડીઓ સુજિતકુમાર સહિત જિલ્લાની ડિઝાસ્ટર ટીમ દ્વારા રાહત બચાવની કામગીરી થઇ રહી છે.જે ગામોમાં પાણી ભરાયા છે અને લોકો ફસાયા છે, ત્યાં હેલિકોપ્ટરની મદદ લેવા કલેક્ટર દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તમામ અધિકારીઓ અને કર્મચારીઓની રજાઓ રદ કરી દેવામાં આવી છે. એસઆરપીની ચાર ટૂકડી પણ રાહત કામગીરીમાં લાગી ગઇ છે.ભાદર ઓવર ફલો, લીલાખા બેટમાં ફેરવાયું
રાજકોટની જીવાદોરી સમાન ભાદર ડેમની સપાટી ૩૨ ફૂટને આંબી ગઇ છે. કુલ ૩૪ ફૂટ પહોંચતા ડેમ ઓવર ફલો થઇ ગયો છે. તંત્રના જણાવ્યા પ્રમાણે ભાદર ડેમના તમામે તમામ ૨૯ દરવાજા છ ફૂટ સુધી ખોલી દેવાયા છે. ડેમ હેઠળના ગામોમાં પાણી ઘૂસી ગયા છે. ગોંડલનું લીલાખા ગામ બેટમાં ફેરવાયું છે. ગોંડલના સુલતાનપુર ગામે રેસ્ક્યુ ઓપરશન માટે ટીમ સાથે ગયેલા ગોંડલના મામલતદાર આર. આર. બોળાદ અને નાયબ મામલતદાર મનિશ જોશી ફસાયા હોવાના સમાચાર મળી રહ્યા છે. હાલ તેમના રેસ્ક્યુ ઓપરેશન માટે જામનગરથી હેલિકોપ્ટર રવાના કરી દેવાયું છે. ગોંડલના દેવાળા ગામ પાસેથી પસાર થતા વોંકળામાં બે બાળકો ડૂબ્યા હોવાના અહેવાલ છે.ભાદર ડેમમાં છેલ્લા ૨૪ કલાકમાં ભારે વરસાદ પડતા ૮ ફૂટના નવા નીરની આવક થઇ છે. ચોમાસાના પ્રારંભે જ ભાદર ઓવરફલો થતાં તંત્રને પ્રજા માટે પાણીની ચિંતા હળવી બની છે. ભાદર ડેમના તમામ દરવાજા ખોલાતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાથી તંત્રએ લોકોને ચેતવણી આપી દીધી છે.ગોંડલના અનેક ગામોમાં વીજળી અને મોબાઇલ સેવા ઠપ
ગોંડલના ગોકુલેશ ગૌશાળામાં પાંચ ફૂટ સુધી પાણી ભરાતા ૨૦ પશુ તણાયા હોવાના સમાચાર છે. તેમજ ગોંડલના ઘોઘાવદર ગામમાં ૧૨ ઇંચ વરસાદથી ઘરોમાં પાણી ઘૂસ્યા છે. ગોંડલના દેરડી, મેતા ખંભાળિયા, રાણસિકી સહિત અનેક ગામોમાં પાણી ભરાયા છે. ગોંડલની ગોેંડલી નદી બે કાંઠે વહી રહી હોવાના અહેવાલ છે. ગોેંડલ શહેરના નીચાણવાળા વિસ્તારોમાં ઘરમાં ૫ ફૂટ પાણી ભરાતા લોકો હેરાન પરેશાન બની ગયા છે. તેમજ અનેક ગામોમાં વીજળી અને મોબાઇલ સેવા ઠપ થઇ ગઇ છે.પુલ તૂટી પડતાં બે ગામો સંપર્ક વિહોણા
ગોંડલ તાલુકાના સુલતાનપુર અને રાણસિકી ગામને જોડતો ૧૨ મીટર પુલ પાણીના ભારે દબાણથી ધરાશાયી થતા બંને ગામો સંપર્ક વિહોણા બન્યા છે. તેમજ ગોંડલ પંથકમાં વીંઝીવાડ ગામમાં પાણી ઘૂસી જતા અનેક પરિવારો છત પર આશરો બનાવ્યો છે. તેમજ મોટા સખપર, નાના સખપર સહિત ૧૦ ગામો સંપર્ક વિહોણા બન્યા છે.રાજ્યમાં અતિ ભારે વરસાદની આગાહી
મંગળવારે વહેલી સવારે અરબી સમુદ્રનાં ઉત્તર-પૂર્વ વિસ્તારમાં સર્જાયેલું ડીપ ડિપ્રેશન આગળ વધીને દક્ષિણ ગુજરાતનાં દરિયાકાંઠાની નજીક પહોંચ્યું છે. જેને કારણે આગામી ૨૪ કલાકમાં રાજ્યનાં દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા છે. જ્યારે રાજ્યનાં ઉત્તર અને મધ્ય ગુજરાતમાં વરસાદના છૂટાછવાયા ઝાપટાથી લઇને હળવા વરસાદની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે. ત્યાર બાદ બે દિવસો દરમિયાન દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર, દીવ-દમણ અને દાદરા નગર હવેલીમાં કેટલાક સ્થળોએ ધોધમાર વરસાદ પડવાની શક્યતા છે.ડેમ છલકાયા- રાજકોટનો ભાદર ડેમ ઓવરફ્લો- ન્યારી-૧માં સાડા આઠ ફુટ પાણી- આજી-૧માં સાડા છ ફુટ પાણી- ભાવનગર જિલ્લાના પાંચ ડેમ ઓવરફ્લો- ત્રણ ડેમમાં ૭૦ ટકાથી વધુ પાણીની આવક- બોરતળાવમાં ૩૫ ફુટ પાણી- ખોડીયાર તળાવમાં ૧૫ ફુટ પાણી- શેત્રુંજી ડેમમાં ૧૮.૬ ફુટ પાણી- ધારીનો ખોડીયાર ડેમ ઓવરફ્લો- ભાદર ડેમ ઓવરફ્લો થતા ૨૯ દરવાજા ખોલાયાવધારે અસરગ્રસ્ત ગામો
ખારીખીજડીયા, કમીગઢ, કેરાળા, ઢોલરવા, બાબાપુર, મોટીકુંકાવાવ, વડીયા કૃષ્ણપરા વિસ્તાર, ચારણપીપળી, હડાળા, જામકા, બગસરા માર્કેટિંગ યાર્ડ પાસે, પીઠળીયા પરબડીક્યાં કેટલો વરસાદ
સૌરાષ્ટ્રજગ્યા               વરસાદ (ઇંચમાં)
બગસરા               ૩૦
ધારી                       ૨૨
ગિર                       ૧૭
ઉના                       ૧૫
રાજકોટ               ૧૪
જેતપુર                 ૫
માળીયાહાટીના       ૧૨
તલાળા                 ૯
કોડીનાર                ૯
ખાંભા                        ૫
કેશોદ                        ૫
જગ્યા            વરસાદ (ઇંચમાં)
પોરબંદર          ૪
વંથલી          ૪
ભાવનગર          ૪
ભાવનગર     છ ઇંચથી વધુ
પાલીતાણા    નવ ઇંચથી વધુ
ઉમરાલા     છ ઇંચથી વધુ
જેસલ             સાત ઇંચથી વધુ
સિહોર            ચાર ઇંચથી વધુ
વલ્લભીપુર    છ ઇંચથી વધુ
માંગરોળ          ૪
દક્ષિણ ગુજરાત
સુરત૭