Saturday, 30 January 2016

અંડર-૧૯ વર્લ્ડ કપ ઃ ભારત સતત બીજી જીત સાથે ક્વાર્ટર ફાઇનલમાં

મહિપાલ લોમરોરની પાંચ, અવેશ ખાનની ચાર વિકેટ

- ૨૫૯ના પડકાર સામે ન્યુઝીલેન્ડ૧૩૮માં ખખડયું

















રાહુલ દ્રવિડના માર્ગદર્શનમાં તૈયાર થયેલી ભારતની અંડર-૧૯ ક્રિકેટ ટીમે ન્યુઝીલેન્ડ સામેની વન ડેમાં ૧૨૦ રનથી ભવ્ય વિજય મેળવતા અંડર-૧૯ વર્લ્ડ કપની ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ મેળવી લીધો છે. સરફરાઝ ખાનના ૭૪ અને રિષભ પંતના ૫૭ની મદદથી ભારતે ૮ વિકેટે ૨૫૮ રન નોંધાવ્યા હતા.
 જવાબમાં ન્યુઝીલેન્ડની ટીમ માત્ર ૩૧.૩ ઓવરમાં ૧૩૮ રનમાં જ ખખડી ગઈ હતી.
 મહિપાલ લોમરોરે ૪૭ રનમાં પાંચ વિકેટ ઝડપી હતી. જ્યારે અવેશ ખાને ૩૨ રનમાં ચાર બેટ્સમેનને આઉટ કર્યા હતા, તેને મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો.
ભારતે અગાઉ આયર્લેન્ડ સામેની મેચમાં ૭૯ રનથી વિજય મેળવ્યો હતો. ભારતને ક્વાર્ટર ફાઈનલમાં બાંગ્લાદેશ કે સાઉથ આફ્રિકા  સામે રમવાનું આવી શકે છે.
મીરપુરના શેરે બાંગ્લા નેશનલ સ્ટેડિયમમાં રમાયેલી અંડર-૧૯ વર્લ્ડ કપની ગુ્રપ ડીની મેચમાં ન્યુઝીલેન્ડે ટોસ જીતીને ભારતને બેટીંગમાં ઉતાર્યું હતુ.  સરફરાઝ ખાને ૮૦ બોલમાં ૯ ચોગ્ગા સાથએ ૭૪ રન ફટકાર્યા હતા. જ્યારે રિષભ પંતે ૫૭ તેમજ અરમાન જાફરે ૪૬ અને મહિપાલ લોમરોરે ૪૨ બોલમાં ૪૫ રન ઝૂડયા હતા. ન્યુઝીલેન્ડ તરફથી ઝાક ગિબ્સનને ત્રણ વિકેટ ઝડપી હતી.
અવેશ ખાને સપાટો બોલાવતા ન્યુઝીલેન્ડનો સ્કોર પાંચ રનમાં ત્રણ વિકેટ થઈ ગયો હતો.
 આ પછી અવેશે કેપ્ટન ફિન્નીને આઉટ કરતાં ન્યુઝીલેન્ડની ટીમે ૧૦.૨ ઓવરમાં ૧૬ રનમાં ચોથી વિકેટ ગુમાવી હતી. ક્રિસ્ટીન લિઓપાર્ડે ૪૦ રન સાથે લડત આપવાનો પ્રયાસ કર્યો હતો, પણ તે ટીમને જીતાડી શક્યો નહતો. મહિપાલ લોમરોરે ૪૭ રનમાં પાંચ વિકેટ ઝડપી હતી.
નેપાળ, શ્રીલંકા અને પાકિસ્તાન પણ ક્વાર્ટર ફાઇનલમાં
ભારતની સાથે ગુ્રપ ડીમાંથી નેપાળે તેમજ ગુ્રપ બીમાંથી શ્રીલંકા અને પાકિસ્તાને અંડર-૧૯ વર્લ્ડ કપન ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ મેળવી લીધો છે.આજે રમાયેલી મેચમાં નેપાળે ૮ વિકેટથી આયર્લેન્ડને હરાવ્યું હતુ. નેપાળે અગાઉ ન્યુઝીલેન્ડ સામે વિજય મેળવ્યો હતો.
જ્યારે ગુ્રપ બીમાં શ્રીલંકાની ટીમે ૩૩ રનથી અફઘાનિસ્તાન સામે વિજય મેળવ્યો હતો. જેમાં શ્રીલંકાના કેપ્ટન ચરિત અસાલંકાએ ઓલરાઉન્ડ દેખાવ કર્યો હતો. પાકિસ્તાને ઝિશાન મલિકના અણનમ ૮૯ તેમજ હસન ખાને ઝડપેલી ત્રણ વિકેટની મદદથી કેનેડા સામે સાત વિકેટથી વિજય મેળવ્યો હતો.

આજે આખરી ટ્વેન્ટી-૨૦ ઃ ભારતને ઓસ્ટ્રેલિયાનો વ્હાઈટવોશ કરવાની તક

 ટીમ ઈન્ડિયા વિજય સાથે ઓસ્ટ્રેલિયા પ્રવાસનો અંત આણવા તૈયાર

- ઇજાગ્રસ્ત ફિન્ચના સ્થાને ખ્વાજાનો સમાવેશ ઃ વોટસન કેપ્ટન


બપોરે ૨.૦૦ વાગ્યાથી મેચ શરુ થશે




















ઓસ્ટ્રેલિયા સામેની વન ડે શ્રેણીની નિષ્ફળતાની યાદો ભૂંસી નાંખતાં ધોનીની કેપ્ટન્સીમાં ભારતની ટ્વેન્ટી-૨૦ ટીમે સળંગ બે વિજય મેળવતા હવે શ્રેણીમા યજમાનોનો વ્હાઈટવોશ કરવાનો તખ્તો ઘડી કાઢ્યો છે. સીડનીના ઐતિહાસિક ક્રિકેટ ગ્રાઉન્ડ પર આવતીકાલે ટ્વેન્ટી-૨૦ શ્રેણીનો ત્રીજો અને આખરી મુકાબલો ખેલાવાનો છે, ત્યારે ભારતીય ટીમ યજમાન ઓસ્ટ્રેલિયાને વ્હાઈટવોશ કરવાની સાથે ગૌરવભેર પ્રવાસ પુરો કરવાના ઇરાદા સાથે મેદાન પર ઉતરશે. જ્યારે ઓસ્ટ્રેલિયા તેના ઈન ફોર્મ કેપ્ટન આરોન ફિન્ચ વિના જ આવતીકાલે રમશે, કારણ કે તે ઇજાગ્રસ્ત બની ગયો છે.
ફિન્ચના સાથે ઓસ્ટ્રેલિયાની ટ્વેન્ટી-૨૦ની ટીમનું સુકાન ઓલરાઉન્ડર વોટસન સંભાળશે. જ્યારે ફિન્ચના સ્થાને ટીમમાં ખ્વાજાનો સમાવેશ કરવામાં આવ્યો છે. ભારતીય સમય પ્રમાણે સીડનીમાં રમાનારી ટ્વેન્ટી-૨૦ બપોરે ૨.૦૦ વાગ્યાથી શરુ થશે. ભારતીય ટીમ માટે સીડનીનું મેદાન યાદગાર સાબિત થયું છે. ઓસ્ટ્રેલિયાના વર્તમાન પ્રવાસમાં સળંગ ચાર મેચ હાર્યા બાદ ભારતે સીડની વન ડે જીતીને ઓસ્ટ્રેલિયા સામેની વ્હાઈટવોશની નાલેશીભરી હાર અટકાવી હતી અને આ જીત ટર્નિગ પોઈન્ટ સાબિત થઈ હતી, જે પછી ભારતે બંને ટ્વેન્ટી-૨૦ પણ જીતી લીધી હતી.
ભારતીય કેપ્ટન ધોની આવતીકાલની શ્રેણીની ત્રીજી અને આખરી ટ્વેન્ટી-૨૦માં બેટીંગ ઓર્ડરમાં યુવરાજ અને હાર્દિક પંડયા જેવા ખેલાડીઓને  અગ્રતા ક્રમ આપે તેવી શક્યતા છે. આ ઉપરાંત ઈન ફોર્મ સ્ટાર ખેલાડીઓને આવતીકાલે આરામ આપવામાં આવી શકે છે. ઓસ્ટ્રેલિયાના પ્રવાસમાં ગુજરાતના જસપ્રીત બુમરાહ, હાર્દિક પંડયા જેવા યુવા ખેલાડીઓએ ભારતની જીતમાં મહત્વનું યોગદાન આપ્યું છે. આ ઉપરાંત સરન, ગુરકિરાત તેમજ રિષી ધવન જેવા ખેલાડીઓએ પણ નોંધપાત્ર દેખાવ કર્યો છે. હવે જ્યારે ભારતીય પસંદગીકારો ટ્વેન્ટી-૨૦ વર્લ્ડ કપની ટીમની પસંદગી કરવા માટે મિટિંગ યોજશે, ત્યારે તેમાં બુમરાહ અને પંડયાના નામની ચર્ચા થશે જ.
છેલ્લા કેટલાક સમયથી મળી રહેલી નિષ્ફતાને કારણે ટીકાકારોનું નિશાન બનેલા ધોનીએ પણ ઓસ્ટ્રેલિયા સામેના સળંગ ત્રણ વિજય બાદ રાહત અનુભવી છે. હવે તે આખરી ટ્વેન્ટી-૨૦ મુકાબલો જીતીને ગૌરવભેર ઓસ્ટ્રેલિયાને ગુડબાય કહેવાની તૈયારી કરી રહ્યો છે. ઈન ફોર્મ કોહલીની સાથે ભારતીય ક્રિકેટ ટીમને રોહિત શર્મા તેમજ ધવનની શાનદાર ઈનિંગની આશા છે.
બીજી તરફ ઓસ્ટ્રેલિયાની ટીમ ઘણી બધી સમસ્યાઓથી ઘેરાયેલી છે. ઓસ્ટ્રેલિયાને ટ્વેન્ટી-૨૦ના ફોર્મેટમાં સંઘર્ષ કરવો પડી રહ્યો છે. કેપ્ટન આરોન ફિન્ચે સળંગ બે મેચમાં આક્રમક રમત દેખાડી છે. જો કે તે ઇજાગ્રસ્ત બનીને ખસી ગયો છે. તેના સ્થાને વોટસન કેપ્ટન્સી કરી રહ્યો છે.
ભારત (સંભવિત) ઃ ધવન, રોહિત શર્મા, કોહલી, ધોની (કેપ્ટન, વિ.કી.), રૈના, યુવરાજ, હાર્દિક પંડયા, રવિન્દ્ર જાડેજા, અશ્વિન, બુમરાહ, નેહરા.
ઓસ્ટ્રેલિયા (સંભવિત) ઃ શોન માર્શ, વોટસન (કેપ્ટન), લીન, મેક્સવેલ, ખ્વાજા, બેનક્રોફ્ટ (વિ.કી.), ફોકનર, ટાય, લાયન, બોલેન્ટ, ટૈટ.

બધું કર્મફળના સિદ્ધાંતથી જ બને છે

પૂર્વ જન્મોના કર્મફળ અનુસાર એ જ નિશ્ચિત કરાયેલું છે કે અમુક આત્માએ કયા દેશમાં, કયા કુટુંબમાં, કયા સ્તરનું , કેટલું જીવન જીવવાનું છે. એક જ દિવસે, એક જ સમયે જન્મ લેનારા બે બાળકોમાં એક કોઈ અમીરને ત્યાં જન્મે છે અને બીજો ગંદી ઝૂંપડીમાં. એક જન્મથી જ બુદ્ધિશાળી હોય છે તો બીજો મંદબુદ્ધિનો એક તંદુરસ્ત હોય છે અને બીજો હંમેશા રોગી હોય છે. એક દીર્ઘાયુ હોય છે અને બીજો અલ્પાયુ આ બધું કર્મફળના સિદ્ધાંતથી જ બને છે આપણે જીવનમાં જે પણ સારી-ખરાબ પરિસ્થિતિઓ આવે છે તે આપણા કર્મોનું ફળ છે. આ જન્મમાં જે જેવું કર્મ કરે છે. તેના પ્રમાણે આત્માના નવાજન્મની વ્યવસ્થા પણ થઈ જાય છે. પૂર્વ જન્મોના કર્મ પ્રમાણે જ આપણે આ જન્મમાં જુદી જુદી પરિસ્થિતિગત એનો સામનો કરવો પડે છે. કોઈ મનુષ્ય સારાં, સમૃદ્ધ, સંસ્કારી પરિવારમાં જન્મ લે છે તો કોઈ નિર્ધન કે દુરાચારી પરિવારમાં જન્મ લે છે. કોઈએ અનેક જાતની સુખ-સુવિધાઓ આસાનીથી મળી રહે છે તો કાયમ કોઈ અભાવ તથા દુઃખમાં જ રહે છે. પરમેશ્વર ક્યારેય કોઈના કર્મને નિષ્ફળ કરતા નથી અને કોઈ નિરપરાધીને દંડ દેતા નથી.
હજુ પણ જો આપણે ખરાબ કર્મો કરતા રહીશું તો આગળના જન્મામાં આપણે જીવજંતુઓની ન જાણે કેટકેટલી યોનિઓમાં રહીને કષ્ટ ભોગવવું પડશે અને પછી જો માનવ શરીર મળ્યું તો શક્ય છે કે તે વખતે વધારે વિકટ પરિસ્થિતિઓનો સામનો કરવો પડે અને જો સારા કર્મો કરીશું તો આગળના જીવનમાં વધારે સુખદ પરિસ્થિતિઓ પ્રાપ્ત થશે.
સુખ- દુઃખ એ કર્મના ફળ છે. કર્મના આધારે આ સૃષ્ટિ છે. કર્મયોગનું તાત્પર્ય છે કે બીજાઓને સુખ આપવું અને બદલામાં કંઈ પણ ન ચાહવું.

Friday, 29 January 2016

ISISના આતંકવાદીઓને તેમના ઘરમાં જઇને મારીશું: ઓબામા

કાર્યકાળ પુરો થવાના થોડા મહિના પહેલા ફરી એકવાર ISનો ખાત્મો બાલાવાની કસમ ખાધી

- સિક્યોરિટી ફોર્સિસને ઇસ્લામિક સ્ટેટની સામેના હુમલાને તેજ કરવા કહ્યું


અમેરિકાના રાષ્ટ્રપતિ બરાક ઓબામા જેમનો કાર્યકાળ પુરૂ થવામાં બસ હવે થોડા મહિનાનો જ સમય વધ્યાં ત્યાં તેમને ફરી એકવાર આતંકવાદી સંગઠનનો ખાત્મો બોલાવાની કસમ ખાધી છે.
રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ ઇસ્લામિક સ્ટેટના આતંકવાદીને ફરી એકવાર ચેતવણી આપતા કહ્યું છે કે,'આતંકવાદી ગમે તે દેશમાં હોય અમેરિકા તેને ત્યાં ઘૂસીને મારશે.' ઓબામાએ ગુરૂવારના રોજ નેશનલ સિક્યોરિટી કાઉન્સીલની એક મીટિંગમાં હાજરી આપી હતી. જેમાં તેઓએ સિક્યોરિટી ફોર્સિસને ઇસ્લામિક સ્ટેટની સામેના હુમલાને તેજ કરવા કહ્યું છે.
ઓબામાએ સ્પષ્ટ શબ્દોમાં કહી દિધુ કે આતંકવાદીઓ અને ઇસ્લામિક સ્ટેટના કાવતરાખોરો કોઇ પણ દેશમાં હોય, અમેરિકા આકરા પગલા લેતા અચકાશે નહી. વ્હાઇટ હાઉસ તરફથી બહાર પાડવામાં આવેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે રાષ્ટ્રપતિએ આ વાત પર ભાર મુક્યો છે કે અમેરિકા જ્યાં પણ જરૂર હશે ત્યાં કોઇ પણ દેશમાં ઇસ્લામિક સ્ટેટના આતંકવાદીઓ અને કાવતરાખોરોનો સામનો કરવાનું ચાલું રાખશે.
તેમને આ વાતનો પણ ઉલ્લેખ કર્યો કે ઇસ્લામિક સ્ટેટ સાથે જોડાયેલા સંગઠન અને અન્ય આતંકી આતંકવાદી તે વિસ્તારમાં આશ્રય મેળવવાના પ્રયત્ન કરી રહ્યાં જ્યાં કાયદો અને વ્યવસ્થા નબળી હોય. તેમણે સિક્યોરિટી ટીમને લીબિયા અને અન્ય દેશોમાં આતંકવાદને રોકવા માટે કરવામાં આવતા પ્રયત્નોને મજબુત કરવાના આદેશ આપ્યા છે, જ્યાં ઇસ્લામિક સ્ટેટ પોતાની પકડ મજબુત કરવાના પ્રયત્ન કરી રહ્યાં છે.
વ્હાઇટ હાઉસ અનુસાર ઇસ્લામિક સ્ટેટને કમજોર કરવા અને નાથવા માટે ગ્લોબલ પાર્ટનર્સની વચ્ચે મદદ અને એકતાની જરૂર છે.

સાંગડો- દક્ષિણ કોરિયાનું શહેર છે, જગતનું પ્રથમ સ્માર્ટ સિટી

 2015માં સાંગડો ખુલ્લું મૂકાયું છે

- દરિયાઈ ખાડી બૂરીને તૈયાર કરેલી જમીન પર શહે ઊભું છે

ભારતમાં સ્માર્ટ શહેર બનાવવા માટે સરકાર કટિબદ્ધ બની છે. જોકે જગતનું પ્રથમ સ્માર્ટ શહેર દક્ષિણ કોરિયાનું સાંગડો શહેર ગણાય છે. 2015માં જ સાંગડો કમ્પ્લિટ થઈને ખુલ્લું મુકાયું છે. દરિયાકાંઠે માટીનું પૂરાણ કરીને તૈયાર કરેલી જમીન પર શહેર ઉભું કરવામા આવ્યું છે.
600 હેક્ટરમાં ફેલાયેલું આ શહેર સાંગડો ઈન્ટરનેશનલ બિઝનેસ ડિસ્ટ્રીક તરીકે ઓળખાય છે. આ શહેર માટે દક્ષિણ કોરિયાએ 10 વર્ષમાં વિકાસ કરવા 40 અબજ ડોલર ફાળવ્યા હતાં. એ દુનિયાનો સૌથી મોટો ડેવલપમેન્ટ પ્રોજેક્ટ હતો.
શહેરમાં ટ્રાન્સપોર્ટ સુવિધા હેઠળ દરેક રસ્તા પર બાઈસિકલ પાથ અને ચાલવા માટેની અલગ જગ્યા રાખવામાં આવી છે. એ સિવાય મેટ્રો, બસો સહિતની સગવડ છે. શહેરમાં ઊર્જાનો વપરાશ, પ્રદૂષણ, વીજળી વગેરેના નિયંત્રણ માટે આધુનિક સિસ્ટમ દાખલ કરવામાં આવી છે.
પર્યાવરણ સંરક્ષણ માટે આ શહેરમાં ઠેર ઠેર ઈલેક્ટ્રીક કારના ચાર્જિંગ પોઈન્ટ રાખવામાં આવ્યા છે. જેથી લોકો ઈલેક્ટ્રિક કાર લઈને નીકળે તો તેમને ચાર્જિંગનો પ્રશ્ન નહીં રહે. રસોડામાંથી જ સીધો ઘરનો કચરો બહાર નીકળી શકે એવી ઓટોમેટિક સગવડ છે. જેથી કચરો વિણવાની કોઈ ગાડી આવતી નથી. કચરો સીધો જ અન્ડરગ્રાઉન્ડ સ્ટોરેજમાં જઈને ત્યાંથી નિકાલ પામે છે.
નોર્થ એશિયા ટ્રેડ ટાવર નામનું 65 માળ ઊંચુ બિલ્ડિંગ અહીં છે, જે દક્ષિણ કોરિયાનું સૌથી ઊંચુ બાંધકામ છે. ન્યુયોર્કના સેન્ટ્રલ પાર્કને ધ્યાનમાં રાખીને સાંગડોમાં પણ સેન્ટ્રલ પાર્ક એરિયા તૈયાર કરવામાં આવ્યો છે. શહેરની તમામ રચનામાં પર્યાવરણનું ધ્યાન રાખવામાં આવ્યુ છે. પરિણામે શહેર ઓછામાં ઓછુ કાર્બન પ્રદૂષણ કરશે.

પૃથ્વી થોડા વર્ષોમાં પ્લેનેટ ઓફ પ્લાસ્ટીક બનશે

- દર 3 વર્ષે 1 અબજ ટનથી વધારે પ્લાસ્ટીક પૃથ્વી પર ઠલવાય છે

- પ્લાસ્ટીકનું પડ દરિયા અને જમીનને ઘેરી વળશે

પૃથ્વી પર સતત પ્લાસ્ટીકનો વપરાશ વધી રહ્યો છે અને તેનું પ્રદૂષણ પણ વધી રહ્યું છે. પરિણામે આગામી વર્ષોમાં આખી પૃથ્વી પ્લાસ્ટીકમાં વિંટાળી હોય એવી બની જશે. સંશોધકોએ એ સ્થિતિને પ્લાનેટ ઓફ પ્લાસ્ટીક (પ્લાસ્ટીકનો ગ્રહ) નામ આપ્યું છે.
આગામી વર્ષોમાં પૃથ્વી પરથી માનવજીવન નષ્ટ થશે તો પણ પ્લાસ્ટીક યથાવત રહેશે. પ્લાસ્ટીકનું આયુષ્ય હજારો વર્ષનું હોય છે અને તેનો કુદરતી રીતે નાશ થતો નથી. એટલે પ્લાસ્ટીક ધરતીના પડ અને સમુદ્રની સપાટી પર જમાવટ કરી ગયું છે.
પ્લાસ્ટીકના વપરાશમાં ઘટાડો નથી થઈ રહ્યો. પરિણામે દર 3 વર્ષે પૃથ્વી પર 1 અબજ ટન કરતાં વધારે પ્લાસ્ટીકનો ઢગલો ખડકાય છે.

Tuesday, 26 January 2016

રીપબ્લિક ડેઃદેશની સૈન્ય તાકાતનુ પ્રદર્શન

દિલ્લીના રાજપથ પર યોજાયેલી પરેડની જુઓ તસવીરો

દેશભરમાં ગણતંત્ર દિવસની ઉજવણી થઈ રહી છે.આજે દિલ્લીની રાજપથ પર યોજાયેલી પરેડમાં ફરી એક વખત વિશ્વ  સમક્ષ ભારતે પોતાની તાકાતનુ પ્રદર્શન કર્યુ હતુ.
પરંપરાગત રીતે પરેડમાં ભારતીય સેનાની વિવિધ રેજીમેન્ટસે માર્ચ પાસ્ટ કરી હતી.આર્મી,એરફોર્સ અને નેવીના અત્યાધુનિક હથિયારોને પરેડમાં સામેલ કરાયા હતા.જુઓ તસવીરોમાં દેશની તાકાતને






















Sunday, 24 January 2016

સ્વામી વિવેકાનંદ - અમૃતવચન'...



- ગૃહસ્થનું મુખ્ય કર્તવ્ય ઇમાનદારીથી અર્થ ઉપાર્જન કરવાનું છે અને એ પણ યાદ રાખવાનું છે કે એનું જીવન ઇશ્વર સેવા તથા ગરીબોના માટે છે.
- જો કોઇ ખરાબ કર્મ કરૃ તો એનું ફળ મને ભોગવવું જ પડે, વિશ્વમાં એવી કોઇ તાકાત નથી. જે એને રોકી શકે એ જ રીતે હું કોઇ સત્કાર્ય કરૃ તો વિશ્વમાં એવી કોઇ શક્તિ નથી. જે એના શુભફળને રોકી શકે.
- ગીતાનું મૂળ સૂત્ર એ છે કે નિરન્તર કર્મ કરતાં રહો પરન્તુ એમાં આસક્ત ન થાઓ.
- અનાસક્ત થાવ. કાર્ય થવા દેતા રહો પણ મન પર પ્રભાવ ન નાખો. સંસારમાં એ પ્રકાર કર્મ કરો માનો તમે એક વિદેશી પથિક છો. બે દિવસ માટે અહી આવ્યો છો પોતાને બંધનમાં ન નાખો બંધન મોટું ભયાનક છે.
- આસક્તિ ત્યારે આવે છે જ્યારે આપણે બદલાની આશા રાખીએ છીએ.
- બીજાની સહાયતા કરવાનો  અર્થ છે. પોતાની જ સહાયતા કરવી.
- ભક્તિની સમગ્ર ઇમારત પવિત્રતાના ખડક ઉપર ઉભી છે. જે મનુષ્યનું હૃદય કોઇને પણ નુકસાન કરવાનો વિચાર સુધ્ધાં સેવતું નથી. તે જ માણસ ખરો ભક્ત છે યોગી છે.
- જે મનુષ્ય વિધવાઓ અને અનાથોને નિર્દયતાપૂર્વક છેતરે છે અને ધન ખાતર અધમમાં અધમ કૃત્યો કરે છે તે કોઇ પણ પશું કરતા પણ અધમ છે.
- કર્મયોગનો અર્થ છે મૃત્યુના મુખમાં પણ વગર તર્ક- વિતર્કથી બધાની સહાયતા કરવી.
- આપણી ચારે તરફ જે દુ:ખ, કલેશ જોઇએ છીએ એ બધાનું કારણ એક જ છે અજ્ઞાાન.
- જ્ઞાનદાન ભોજન તથા વસ્ત્ર દાનથી અનેકગણું શ્રેષ્ઠ છે કારણ કે અજ્ઞાાન જ મૃત્યુ છે અને જ્ઞાાન જ જીવન.
- કર્મફળની લાલસા આપણી આધ્યાત્મિક ઉન્નતિના માર્ગમાં બાધક છે.
- પોતાની આસપાસના લોકોની નિન્દા- સ્તુતિની બિલકુલ પરવાહ ન કરતા સર્વદા સત્કર્મમાં લાગ્યાં રહેવું વાસ્તવમાં સૌથી મોટો ત્યાગ છે.
- માનવજાતિનું ચરમ લક્ષ્ય જ્ઞાન પ્રાપ્તિ છે.
- નિ:સ્વાર્થતા અધિક ફળદાયી હોય છે. પણ લોકો ને આનો અભ્યાસ કરવાની ધીરજ નથી રહેતી.
- આપણી ઉન્નતિનું એકમાત્ર ઉપાય એ છે કે આપણે પહેલાં એ કર્તવ્ય કરીએ જે આપણાં હાથમાં છે.
- મનુષ્યની સહાયતા દ્વારા ઇશ્વરની ઉપાસના કરવી આપણું પરમ સૌભાગ્ય છે.
- આપણે એ ધ્યાન રાખવું જોઇએ કે આપણે જ સંસારના ઋણી છે. સંસાર  આપણું ઋણી નથી. ગરીબોને સહાય, બીમારોની સેવા અને અજ્ઞાાનને દૂર કરવું આપણું કર્તવ્ય છે

Thursday, 7 January 2016

તક મળે તો પાકિસ્તાની ફિલ્મ પણ કરીશ

ટોચની અભિનેત્રી પ્રિયંકા ચોપરા કહે છે

-કોની સાથે કામ કરવા ઉત્સુક છે એ ગુપ્ત રાખ્યું





















ટોચની અભિનેત્રી પ્રિયંકા ચોપરાએ કહ્યું હતું કે મને તક મળશે તો ભવિષ્યમાં હું પાકિસ્તાની ફિલ્મ કરીશ. એ ફિલ્મ કરવાનું મને ગમશે.
મેરી કોમ જેવી ફિલ્મ કરીને નેશનલ એવોર્ડ મેળવી
ગયેલી અને હાલ બાજીરાવ મસ્તાની જેવી હિટ ફિલ્મમાં બાજીરાવની પહેલી પત્ની કાશીબાઇનો રોલ કરી ચૂકેલી પ્રિયંકા હાલ અમેરિકી ટીવી સિરિયલ ક્વોન્ટિકો કરી રહી છે. તમને કયા પાકિસ્તાની અભિનેતા સાથે કામ કરવાનંુ ગમશે એવા સવાલના જવાબમાં એણે રમૂજમાં કહ્યું હતું કે તુમ મુઝે લડવાના ચાહતે હો ક્યા ? પછી તરત એણે ઉમેર્યું હતું કે મારી ફિલ્મો હીરો પર ચાલતી નથી. મારા અભિનય પર ચાલે છે. 'અલબત્ત, આમ કહીને હું કોઇ અભિનેતાને ઊતારી પાડવા માગતી નથી પરંતુ હું માત્ર મારા પાત્રને વફાદારીપૂર્વક રજૂ કરું છું. હીરો કોણ છે એ મારો સવાલ નથી. હું માત્ર આનંદ ખાતર ફિલ્મો કરું છું. હું એક એન્ટરટેઇનર (મનોરંજન પીરસતી કલાકાર) છું.'
હાલ એ પાકિસ્તાની અભિનેતા ફવાદ ખાન સાથે રીમા કાગતીની ફિલ્મ મિસ્ટર ચાલુ કરી રહી છે. તમે કેેવી પાકિસ્તાની ફિલ્મ કરવાનું પસંદ કરશો એવા સવાલના જવાબમાં એણે કહ્યું કે કેવી સ્ક્રીપ્ટ મારી સામે આવે છે અને એમાં મારો રોલ કેવો છે એના પર ઘણો આધાર રહે છે.

Wednesday, 6 January 2016

શ્રીમદ્ ભગવદ્ ગીતાનાં પ્રમુખ પાત્રોની ખાસ વિશેષતા

સંસ્કૃત ભાષામાં ૬૪ (ચોસઠ) અક્ષરોની વર્ણમાળા છે. ગુજરાતી ભાષામાં સોળ સ્વર અને છત્રીસ વ્યંજન મળી કુલ બાવન અક્ષરોની વર્ણમાળા છે. એક અક્ષર પણ એક જબરદસ્ત શબ્દનું નિર્માણ કરે છે. દા.ત. 'મા' અક્ષરો ભેગા મળી શબ્દો બને છે, શબ્દો ભેગા મળે એટલે વાક્ય બને છે,
પંક્તિ બને છે. વાક્યો કે પંક્તિઓ ભેગા મળે ત્યારે સાહિત્ય બને છે.
ગદ્ય સાહિત્યના ૩૩ પ્રકાર છે : નિબંધ, નવલિકા, નવલકથા, આત્મકથા વગેરે. એ જ રીતે ૩૩ પ્રકાર પદ્યના પણ છે : કવિતા, ગઝલ, છંદ, સોરઠા, દોહા, ચોપાઇ, મહાકાવ્ય વગેરે. આપણા ભારતનાં બે મહાકાવ્યો અતિ પ્રચલિત છે અને ઘર ઘર એનાથી પરિચિત છે. રામાયણ અને મહાભારત.
માણસે જીવનમાં શું કરવું એ રામાયણ શીખવે છે અને શું ન કરવું તે મહાભારત શીખવે છે. દૂધનો સાર ધી છે, ફૂલનો સાર મધ છે એ રીતે મહાભારતનો સાર શ્રીમદ્ ભગવદ્ ગીતા છે. છેલ્લાં ૫૧૧૭ વર્ષથી આપણી આ ભગવદ્ગીતાની જન્મજયંતી ઉજવાય છે.
એનાથી જ પ્રતિપાદિત થાય છે કે તે આજે પણ કેટલી પ્રસ્તુત છે ! જગતના મુખ્ય બાર ધર્મ છે જેમાં આ એક જ 'ગીતા' ધર્મગ્રંથ એવો છે જેની જન્મ જયંતિ ઉજવવામાં આવે છે. શ્રીમદ્ ભગવદ્ ગીતા વિશે માત્ર એકલા ભારતમાં  જ બસો પચાસ પુસ્તકો ઉપલબ્ધ છે. ગુજરાતી ભાષા ઉપરાંત અન્ય ભાષાનાં તો અલગ.
મહાત્મા ગાંધીજીએ અનાસક્તિ યોગ, ઇસ્કોન દ્વારા ગીતા તેના મૂળ રૃપે, પાંડુરંગ આઠવલે દ્વારા ગીતામૃતમ- વિનોબા ભાવે દ્વારા ગીતા પ્રવચનો, પંડિતો,વિદ્વાનો, વિવેકચો દ્વારા આ રીતે માત્ર ગીત ઉપર જ બસો પચાસ પુસ્તકો લખાયાં છે. શ્રીમદ્ ભગવદ્ ગીતા મૂળ તો મહાભારતના છઠ્ઠા પર્વમાં ભીષ્મપર્વમાં અધ્યાય  નંબર પચીસથી બેતાળીસ અધ્યાયમાં આવે છે,
જે શ્રીકૃષ્ણ દ્વારા કુરુક્ષેત્રના મેદાનમાં અર્જુનને સંબોધીને કહેવામાં આવી છે. જેને સંસ્કૃત ભાષામાં વેદવ્યાસે છંદબદ્ધ કરી કુલ અઢાર અધ્યાયના સાતસો શ્લોકોમાં વિશ્વ સમક્ષ રજૂ કરી છે. એ શ્રીકૃષ્ણ દ્યૈપાયન (બાદરાયણ)  વ્યાસજીને વંદન.
શ્રીમદ્ ભગવદ્ગીતાના ૯૪૧૧ શબ્દો છે, ૨૪૪૪૭ અક્ષરો છે. શ્રીકૃષ્ણ ભગવાન ૫૭૫ શ્લોક બોલ્યા છે. અર્જુન ૮૫ શ્લોક, સંજય ૩૯ શ્લોક અને ધૃતરાષ્ટ્ર એક શ્લોક બોલ્યા છે. શ્રીકૃષ્ણ ભગવાન ઉવાચ ૨૮ વખત, અર્જુન ઉવાચ ૨૧ વખત, સંજય ઉવાચ ૯ વખત અને એક વખત ધૃતરાષ્ટ્ર ઉવાચ મળી કુલ ૫૯ ઉવાચ આવે છે. સૌથી વધુ ૧૦૩ શ્લોકો ય અક્ષરથી શરૃ થાય છે, સૌથી વધુ ૧૩૬ વખત આત્મા શબ્દ આવે છે. અર્જુને કુલ ૨૭ પ્રશ્નો સમગ્ર ગીતામાં શ્રીકૃષ્ણને પૂછયા છે. ગીતામાં શ્રીકૃષ્ણનાં કુલ ૧૦૮ નામ આવે છે.
શ્રીમદ્ ભગવદ્ ગીતા જ્યારે વાંચો ત્યારે નવીન લાગે છે. તેના વાચ્યાર્થ, શબ્દાર્થ, ભાવાર્થ, ગૂઢાર્થ એટલા બધા છે કે તેનો કોઇ પાર નથી. ભગવદ્ ગીતાના એકથી અઢાર અધ્યાયમાં કુલ ૮૭ (સિત્યાસી) વ્યક્તિઓનો નામ સાથે ઉલ્લેખ થયો છે, જેમ કે : શંકર, શુક્રાચાર્ય, સહદેવ, અર્જુન, પ્રહલાદ, નારદ વગેરે. ગીતામાં આ જે વ્યક્તિઓના નામ આવે છે તેનો સીધો સંબંધ સમગ્ર માનવજાત સાથે છે.
તેના ખાસ આધ્યાત્મિક ગૂઢાર્થો છે આજે ગીતાજયંતિના અવસરે ભગવદ્ગીતાનાં કેટલાંક ખાસ પાત્રોના ગર્ભિત અર્થ, ગૂઢાર્થ અને રહસ્યો જાણવાનો ઉપક્રમ છે, જે સૌને ગમશે.
અ.નં.    વ્યક્તિ    ગીતાના સંદર્ભમાં વિશેષતા
૧. શ્રીકૃષ્ણ :   સ્વયં પરમકૃપાળુ પરમાત્મા, જીવ સાથે રહેતું શિવતત્વ. ખુદ ભગવાન છે, કર્મ ભક્તિ અને જ્ઞાનનું જીવંત પ્રતીક. આસુરી તત્વોનો નાશ, સજ્જનોનું રક્ષણ, સ્વધર્મનું પાલન કરવા કરાવવા  માટે અવતાર ધારણ કરનાર સાક્ષાત્ બ્રહ્મ.
૨. અર્જુન  :  પરમાત્માનો અંશ. જીવાત્મા. આપણા જેવા જ સામાન્ય માણસનો પ્રતિનિધિ. આપણા વતી ગીતામાં શ્રીકૃષ્ણને સત્તાવીસ પ્રશ્નો પૂછયા. સ્વધર્મથી વિમુખ. ઉપદેશ પછી જાગૃત. મિત્રની જીવતી જાગતી વ્યાખ્યા. એક લક્ષ્ય. કુટુંબ માટે ન્યોછાવર. નારી સન્માનના આગ્રહી. નર અને નારાયણની જોડી. પરાક્રમી શ્રેષ્ઠ શિષ્યનું ઉદાહરણ.
૩. યુધિષ્ઠિર : સત્ય અને ધર્મનું પ્રતીક. ધર્મના અવતાર. પરિવારમાં એક વડીલ હોવા જ જોઇએ. એ સાર્થક કરનાર. યક્ષના તમામ પ્રશ્નોના જવાબ આપ્યા. ન્યાયી, નિ:સ્વાર્થ, નિષ્પક્ષ તટસ્થના ગુણો ધારણ કરનાર, એક શ્વાન સ્વર્ગને પણ ઠોકર મારનાર ત્યાગની સાક્ષાત મૂર્તિ.
૪. સહદેવ  :  અતિજ્ઞાન હેઠળ પીડાતા મનોમંથન વેઠતા માણસનું પ્રતીક. અતિ સર્વત્ર વર્જયેત્નું જીવતું જાગતું ઉદાહરણ.
૫. નકુળ  :  સરળતા, પ્રિયતા, સમભાવ,  સંપ અને સહકારની ઉચ્ચ ભાવના સાથે પોતાના સ્વભાવ મુજબ શોખ પોષનાર આનંદી માણસનું પ્રતીક.
૬. ભીમ  :  શક્તિ, સામર્થ્ય, સ્ત્રીદાક્ષિણ્ય, કુટુંબ પ્રત્યે સાચી નિષ્ઠા, જેવા સાથે તેવા, અન્યાયનો તુરત પ્રતિકાર, ભોજનપ્રિય, બહારથી કઠોર પણ અંદરથી કોમળ, મનમોજી, બીજાના દુ:ખ દૂર કરવામાં મજા માણનાર જગતનાં બધા કુટુંબો માટે પ્રેરણારૃપ મહાન યોદ્ધા.
૭. ભીષ્મ  :   ટેક, બ્રહ્મચર્ય, પિતૃપ્રેમ, વીર યોદ્ધા, બાહોશ રાજકર્તા, પાંડવો અને કૌરવો રૃપી ઘંટીના બે પડ વચ્ચે સતત પીસાતા, જમાનાના ખાધેલ, જ્ઞાાનના ભંડાર હોવા છતાં નિયતિના પ્રહારો વેઠતા કિંકર્તવ્યમૂઢ માણસનું પ્રતીક.
૮. કુંતામાતા : પાંચ પાંચ પરાક્રમી પુત્રો હોવા છતાં પરિવાર માટે એક મા એક પણ સુખ મન મુજબ ન ભોગવી શકનાર, ન કહેવાય- ન સહેવાયની મનોદશામાં વ્યથિત છતાં ખુમારી, ખુદ્દારી, ખાનદાની સાચવી લેનાર એક દ્રઢ માનું સર્વશ્રેષ્ઠ ઉદાહરણ.
૯. ધૃતરાષ્ટ્ર : માયામાં અંધ. સ્વાર્થ, સત્તા, લોભ, લાલચ, ઇર્ષાથી માણસ એકની પ્રાપ્તિ માટે સર્વસ્વ ગુમાવી દે છે  તેનું જ્વલંત ઉદાહરણ. જર જમીનને જોરૃ- ત્રણેય કજિયાના છોરૃ કહેવત અહી બરાબર સાર્થક થાય છે.
૧૦. ગાંધારી : રાગ અને ત્યાગન વચ્ચે હૈયું એ ઝૂલતું હતું-ની વ્યથા ભોગવનાર, પતિ અને પુત્રની પીડા સહનાર, સો પુત્રો હોવા છતાં દુ:ખી દુ:ખી, નારીનું ગૌરવ સાચવવામાં પોતાનું બધું ગુમાવનાર એક કરુણ પાત્ર.
૧૧. દુર્યોધન : કામ, ક્રોધ, મદ, લોભ, મોહ, મત્સરનો સરવાળો કરો, જુગાર, અન્યાય, કપટ, દ્વેષ, વેર, અસત્ય, દગો- આ બધાનો ગુણાકાર કરો પછી જે સામે આવે તે દુર્યોધન. દુ:શાસન, શકુની- સંગ તેવો રંગ લાગે જ એના એક જનમાનસનું પ્રતીક છે. દુર્યોધન. ઉત્તમ યોદ્ધા તરીકે શ્રેષ્ઠ.
૧૨. કર્ણ : દાન, કાર્યનિષ્ઠા, મૈત્રી, પરાક્રમ, બાણાવળી, શૂરવીર, જેવા અસંખ્ય સદ્ગુણો હોવા છતાં પરાવલંબી અને ઉપકારના બોજા હેઠળ દબાયેલા માણસ ઉપર શું શું વીતી શકે છે એવા માણસનો માણસ પ્રિય માણસ.
૧૩. પાંડુ : અતિશય કામવાસના માણસના મોતનું પણ કારણ બની જાય છે. એનું આંખો ઉઘાડનારું દ્રષ્ટાંત.
૧૪. દ્રોણાચાર્ય : આચાર્યત્વનો પ્રબળ પ્રભાવ, વર્ણ પ્રાધાન્યથી એકલવ્યને નકારનાર, અન્નનું ઋણ સ્વીકારી અસ્વીકાર્ય બાબતો સ્વાર્થ માટે પરાણે કરનાર માનવ સહજ તમામ નબળાઇઓ વચ્ચે ઝઝૂમનાર માણસના પ્રતિનિધિ.
૧૫. વેદવ્યાસ : પાંડવો અને કૌરવોના દાદા. પરાશર- સત્યવતીના પુત્ર. પ્રખર પંડિત. વેદોનો વિસ્તાર કરનાર, મહાભારત લખનાર, ભારતના વંદનીય મહાન ઋષિ.
સ્થળ સંકોચના કારણે મર્યાદિત પાત્રોના ઉલ્લેખથી ક્ષમાપના. ગીતામાં ધર્મક્ષેત્ર પરમાત્મા છે, કુરુક્ષેત્ર એ આ પંચમહાભૂતોનું બનેલું શરીર છે, જીવાત્મા એનું પ્રતીક છે. આંખ, કાન, નાક, જીભ, ત્વચા, હાથ, પગ, ગુદા, લિંગ, વાણી અને મન થકી કામ, ક્રોધ, મદ, લોભ, મોહ, મત્સર, દ્વેષ, કપટ, હિંસા જેવા દુર્ગુણો એ કૌરવો છે.
ધૃતરાષ્ટ્ર એ મોહમાયા છે, દુર્ગુણો સામે માણસે યુદ્ધ કરવાનું છે, ત્યારે જ સંજય રૃપી દિવ્યદ્રષ્ટિ જેવા પરમાત્મા શ્રીકૃષ્ણના શરણે અર્જુન જેવા શિષ્ય બનીને જવાનું છે એવો શ્રીમદ્ ગીતાના પ્રથમ અધ્યાયનો પ્રથમ શ્લોક કેટલો યથાર્થ છે ?
ધર્મક્ષેત્રે કુરુક્ષેત્રે સમવેતા યુયુત્સવ:
મામકા: પાંડવાશ્વૈવ કિમકુર્વત સંજય ?
જ્યાં પરમાત્મા પરમબ્રહ્મ સાક્ષાત્ શ્રીકૃષ્ણ યોગેશ્વર ભગવાન છે અને જ્યાં આજ્ઞાાંકિત શિષ્ય  જીવાત્મા સ્વરૃપ સંસારના યુદ્ધમાં લડનાર શ્રેષ્ઠ ધનુર્ધર છે ત્યાં જ લક્ષ્મી. વિજય, ઐશ્વર્ય અને અવિચળ નીતિ છે. એવો સારરૃપ શ્લોક સમગ્ર ભગવદ્ ગીતાનો સાર આપણને કહી દે છે.
શ્રીમદ્ ભગવદ્ગીતાના પ્રથમ અધ્યાયનો પ્રથમ શબ્દ ધર્મક્ષેત્રે છે અને છેલ્લા અધ્યાયના છેલ્લા શ્લોકનો છેલ્લો શબ્દ મમ છે, અર્થાત્ મારું ધર્મક્ષેત્ર કયું ? જવાબ છે આ બે શબ્દો વચ્ચેની ૭૦૦ શ્લોકોની શ્રીમદ્ ભગવદ્ગીતા. છે ને બે શબ્દોની કમાલ !! એટલે જ કહ્યું છે કે :
ગીતાયા: પુસ્તકં યત્ર નિત્યં પાઠે પ્રવર્તતે
તત્ર સર્વાણિ તીર્થાનિ પ્રયાગા દીનિ ભૂતલે
'જ્યાં ગીતાનાં પુસ્તકનો નિત્ય પાઠ થયા કરે છે ત્યાં પૃથ્વી ઉપરનાં પ્રયાગાદિ બધાં તીર્થો વસે છે.
જય શ્રીકૃષ્ણ