Friday, 28 August 2015

સાળંગપુર ના કષ્ટભંજન હનુમાન..

અમદાવાદ જિલ્લાના ધંધુકા તાલુકામાં સાળંગપુર ગામ આવેલું છે. આ ગામમાં કષ્ટભંજન હનુમાનજીની મૂર્તિ આવેલી છે,જે વિક્રમ સંવત ૧૯૦૬ માં (૧૮૫૦ એ.ડી.) સ્વામિનારાયણના સંત ગોપાલાનંદ સ્વામીએ સ્થાપેલી છે. 
         હનુમાનજી સમગ્ર દેશમાં પૂજનીય ભગવાન છે. દ્વાપર યુગથી જ ભગવાન રામના પરમ ભક્ત હનુમાનજીના ઘણાં ભક્તો તેમને નિયમિત ભજે છે. તેમને પવન દેવના પુત્ર તરીકે બધાં પૂજે છે.ચૈત્રી પૂર્ણિમાને દિવસે શિવજીના વરદાનથી અંજલિ માતાને પેટે અવતરેલા હનુમાનજીમાં અમાપ શકિત હતી. તેમણે વેદો,શાસ્ત્રો,લલિતકલાઓ,કંઠસ્થ કરી હતી. કિષ્કિંધા રાજયના રાજા સુગ્રીવના તે મુખ્ય સેનાપતિ હતા.હનુમાનજી વિજેતા રામ સાથે અયોધ્યા ગયા હતા અને ત્યાં જ તેમની ભક્તિ માટે રહી ગયા હતા.હનુમાનજી અગિયાર રુદ્રોમાંના એક છે,જે હંમેશા કથા અથવા તો રામાયણના પાઠ થાય તો હાજર હોય છે.તે રામાયણની કથા સરળતાથી, સહજતાથી, સારી રીતે પતે તે માટે પ્રયત્ન કરતા હોય છે.
         હનુમાનજી શારીરિક ક્ષમતા, વીરતા અને જોશ તથા ઉત્સાહનું પ્રતીક છે. તેઓનું પૌરુષ કે જોશ હંમેશાં સત્યના કામ માટે જ વપરાય છે. તેઓ શકિત,યુકિત અને ભકિતનું પ્રતીક છે. હનુમાનજી પૂર્ણ ભકિતનું સ્વરૂપ છે. હનુમાનજીને ગંભીરતાથી ભજવાથી સહેલાઈથી પ્રસન્ન થાય છે.દરેકે દરેક મંદિરમાં હનુમાનજીનું મંદિર જુદું હોય છે.આ ઉપરાંત વૈષ્ણવો, શૈવસંપ્રદાયના ભકતો,શકિત સંપ્રદાયના ભકતો,સ્વામિનારાયણ,જૈનો અને શીખો પણ હનુમાનજીને દર શનિવારે આકડાનાં ફૂલોની માળા અર્પણ કરીને ભજે છે.જીમ્નેસ્ટિક વ્યાયામનાં સ્થળોમાં હનુમાનજીની પૂજા કરીને રોજનાં કાર્યો શરૂ થાય છે. હનુમાનજીને ભુરખિયા,જાઝડિયા,રૂખડિયા,રોકડિયા,પંચમુખી,નવહાથા હનુમાન તરીકે ઓળખવામાં આવે છે.
        હનુમાનજીનાં બહુ જાણીતાં મંદિરોમાં સાળંગપુર હનુમાનજી ઉપરાંત નીચેનાં મંદિરો જાણીતાં છે. (1) ભાવનગરનું રોકડિયા હનુમાનજીનું મંદિર, (2) ભાવનગર જિલ્લાના અધેવડા ગામનું ઝારખીયા હનુમાનજીનું મંદિર, (3) અમરેલી જિલ્લાનું ભુરખિયા હનુમાનજીનું મંદિર, (4) પોરબંદર પાસેનું રોકડિયા હનુમાનજીનું મંદિર, (5) સાબરકાંઠાનું જિલ્લાનું કાંટાળુ હનુમાનજીનું મંદિર, (6) ખેડા જિલ્લાનું લાંભવેલ હનુમાનજીનું મંદિર, (7) ભરૂચ જિલ્લાનું ઊચેડિયામાં આવેલું ગુમાનદેવ હનુમાન મંદિર, (8) સુરતનું ભીમપોર મંદિર, (9) અમદાવાદ જિલ્લાનું ડભોડાનું હનુમાનજીનું મંદિર,હવે સાળંગપુર હનુમાનજીના મંદિરનો ઇતિહાસ તપાસીએ.
પાશ્વભૂમિકા : –
           સ્વામિનારાયણ સંપ્રદાયના સંતશ્રી સ્વામી સહજાનંદ ઘણુંખરું ગઢડામાં રહેતા હતા તેમણે સંપ્રદાયના વડા તરીકે નિયુકત કરેલા વડતાલના સ્વામી ગોપાલાનંદ વારંવાર વડતાલથી ગઢડા પ્રવાસ વખતે વચ્ચે સાળંગપુરમાં વિશ્વાસ કરતા.સાળંગપુરના સ્વામિનારાયણ ભક્ત દરબાર જીવા ખાચર હંમેશાં સાધુઓની સેવા કરતા,તેમની ભકિત કરતા. સમય જતાં જીવા ખાચર બાદ તેમના પુત્ર વાઘા ખાચરની આર્થિક પરિસ્થિતિ ખરાબ થઈ ગઈ.પરિણામે તે સાધુઓની સેવા કરી શકતા નહીં.સ્વામી ગોપાલાનંદે વાધાને સાળંગપુરાથી પથ્થર લાવવાનું કહ્યું. તેમાં કોલસાથી હનુમાનજીની મૂર્તિ દોરી આપી. વાધાને સ્વામીજીએ એક શિલ્પી બોલાવી લાવવા કહ્યું અને હનુમાનજીની મૂર્તિ કોતરી આપવાનું કહ્યું. સામાન્ય કારીગર પાસે મૂર્તિ કોતરાવી ત્યારબાદ સ્વામીજી મૂર્તિને સાળંગપુર લઈ ગયા. વિક્રમ સંવત 1906ને (1850 એ.ડી.) આસો સુદ પાંચમના રોજ વિદ્વાન બ્રાહ્મણોની મદદથી વ્યવસ્થિત પૂજાવિધિ સાથે આ મૂર્તિની સ્થાપના દરબાર વાધા ખાચરની જમીનમાં કરવામાં આવી. સ્વામી ગોપાલાનંદના મુખ્ય શિષ્ય શુકમુનિએ આરતી કરી. સ્વામી ગોપાલાનંદ મૂર્તિની આંખોમાં આંખો પરોવીને આરતી દરમ્યાન ઊભા રહ્યા.આરતીના પાંચમા રાઉન્ડ બાદ મૂર્તિ હલવા લાગી.લોકોને અને બધાને લાગ્યું કે ઈશ્વરનો આ મૂર્તિમાં વાસ થયો છે.ત્યાર બાદ સ્વામીજીએ તેજનું પ્રત્યાર્પણ કરવાનું બંધ કર્યું અને લોકો ભગવાન સાથે વાત કરી શકે તેવી શકિત પ્રદાન કરી.આમ લોકોનાં દુ:ખ-દર્દો દૂર થવા લાગ્યાં અને સાળંગપુરના ભગવાનનું નામ કષ્ટભંજન પડી ગયું. સ્વામીજીની કુપાથી નાની જગ્યામાં શરૂ થયેલા મંદિરનું વ્યવસ્થિત બાંધકામ વિક્રમ સંવત 1956માં (ઈ.સ. 1900માં ) શરૂ થયું.
 મંદિર :-
           આ મંદિરમાં 25 ફૂટ પહોળો સભામંડપ છે. જેને આરસના પથ્થરથી જડવામાં આવ્યું છે. હનુમાનજીની મૂર્તિ ત્યાં રૂમમાં પ્રસ્થાપિત કરવામાં આવી છે. આ રૂમના બારણા ચાંદીના છે. મૂર્તિની પૂજા બ્રહ્મચારી બ્રાહ્મણ દ્વારા જ કરવામાં આવે છે. મંદિરના ગર્ભગૃહમાં આચાર્ય કે કોઠારીને પ્રવેશ નથી. મંદિરની આસપાસ ખુલ્લી જગ્યા છે. સવારની મંગળા આરતીથી દર્શન શરૂ થાય છે જે બપોરના બાર વાગ્યા સુધી ખુલ્લા રહે છે. ત્યારબાદ બપોરે 4 વાગે આ મંદિર ખૂલે છે અને સાંજે સંધ્યા આરતી બાદ મંદિર બંધ થાય છે.
           બધી જ જાતિના અને ધર્મના લોકો અહીં દર્શન કરવા આવે છે. દેશના જુદા જુદા વિભાગોમાંથી અને રાજયોમાંથી આવેલા ભક્તોની મનની મુરાદ અહીં પૂરી થાય છે. એવું કહેવાય છે કે દુષ્ટાત્માઓ કે પ્રેતાત્માઓથી પીડાતા ભક્તોનો પણ અહીં આવી દર્શન કરવાથી છુટકારો થાય છે. પ્રેતાત્માવાળી વ્યકિત મંદિરના પરિસરમાં પ્રવેશતાં જ મંદિર ધ્રૂજવા લાગે છે. ભગવાનની મૂર્તિ સામે આવતાં જ અને ધૂપનો ધુમાડો તેના શ્વાસમાં જતાં તેમજ હનુમાનજીના મંત્રો ભણતાં જ પ્રેતાત્મા નાસી જાય છે.
           મંદિરની પાસે જ ધર્મશાળા આવેલી છે, જેમાં 50 રૂમો છે. ત્યાં રહેનાર ભક્તોને મફત જમાડવામાં આવે છે. ભક્તોને જે ઈચ્છા હોય તે ભગવાનને આપે. મંદિરના સ્થાનક પાસે જ ગૌશાળાછે. મંદિરની વ્યવસ્થા- કમિટી પાસે 600 એકર જમીન ઈનામમાં મેળલી છે. જેમાં 200 એકરમાં મંદિર તરફથી વાવણી કરી અનાજ ઉગાડવામાં આવે છે.
           સાળંગપુર હનુમાનજીના મંદિર પાસે સ્વામિનારાયણ મંદિર આવેલું છે. આ મંદિર અક્ષર પુરુષોત્તમ સેવા સંસ્થાનનું મંદિર છે.તેમાં સ્વામી સહજાનંદ,સ્વામી યજ્ઞ પુરુષદાસજીની પ્રતિમાઓ છે. સ્વામી સહજાનંદ સ્વામીનાં પગલાં છે.અને અન્ય મંદિર રાધાકૃષ્ણનું મંદિર છે. આમ સાળંગપુર હનુમાનજીના મંદિરનું ઘણું મોટું મહત્વ છે.

Monday, 17 August 2015

ઘાયલ ધવન ટેસ્ટશ્રેણીમાંથી આઉટ

જમણા હાથમાં ફ્રેક્ચરને લીધે છ સપ્તાહ માટે આરામની સલાહ


શ્રીલંકા પ્રવાસે ત્રણ ટેસ્ટની શ્રેણી રમવા ગયેલી ભારતીય ક્રિકેટ ટીમ માટે પડતા પર પાટુ જેવી સ્થિતિ સર્જાઇ છે. ભારતીય ટીમ પ્રથમ ટેસ્ટમાં થયેલા નાટયાત્મક પરાજયમાંથી બેઠી પણ થઇ નહોતી ત્યાં હવે શિખર ધવન ઈજાને લીધે ટેસ્ટશ્રેણીમાંથી ખસી જતા ફટકો પડયો છે. ધવનને જમણા હાથમાં ફ્રેક્ચર થતાં તે શ્રીલંકા સામે બાકીની બંને ટેસ્ટમાં રમી શકશે નહીં. ગોલ ખાતે રમાયેલી શ્રેણીની પ્રથમ ટેસ્ટ દરમિયાન ધવનને આ ઈજા થઇ હતી. ધવનનો આજે એમઆરઆઇ સ્કેન કરાવવામાં આવ્યો હતો, જેમાં તેને જમણા હાથમાં હેરલાઇન ફ્રેક્ચર થયું હોવાનું સામે આવ્યું છે. ધવનને છ સપ્તાહ માટે આરામની સલાહ આપવામાં આવી છે. આ ઈજાને લીધે જ ધવન બીજી ઇનિંગ્સમાં ફિલ્ડિંગ માટે પણ ઊતરી શક્યો નહોતો. પ્રથમ ટેસ્ટમાં ધવને પ્રભાવશાળી દેખાવ કર્યો હતો અને પ્રથમ ઇનિંગ્સમાં ૧૩૪ જ્યારે બીજી ઇનિંગ્સમાં ૨૮ રન નોંધાવ્યા હતા.  શ્રીલંકા બોર્ડ પ્રેસિડેન્ટ ઇલેવન સામેની વોર્મ અપ મેચમાં ધવને ૬૨ રનની ઇનિંગ્સ રમી હતી. આ ઉપરાંત બાંગલાદેશ સામેની ટેસ્ટશ્રેણીમાં ૧૭૩ રન નોંધાવ્યા હતા. ભારતીય ટીમને ધવનની ખોટ પડશે એ નિશ્ચિત છે. ધવને કુલ ૧૫ ટેસ્ટની ૨૬ ઇનિંગ્સમાં ૪૪.૫૩ની એવરેજથી ૧૧૫૮ રન નોંધાવ્યા છે. ધવનને સ્થાને કોનો સમાવેશ કરવો તે અંગે હજુ સુધી નિર્ણય લેવામાં આવ્યો નથી.
દરમિયાન સૂત્રોના જણાવ્યા અનુસાર ભારતીય ટીમના પ્લેયરોએ પ્રથમ ટેસ્ટમાં પરાજય બાદ હોટેલમાં જ પૂરાઇ રહી હતી. આ વિષે ટીમ મેનેજમેન્ટના એક સભ્યે જણાવ્યું હતું કે 'આ પરાજયથી ટીમનો દરેક સભ્ય ખૂબ જ નિરાશ છે. રવિ શાસ્ત્રીએ આ પરાજયમાંથી બેઠા થવા દરેક સભ્યોને બે દિવસનો બ્રેક આપવાનો નિર્ણય લીધો છે. મંગળવારથી ભારતીય ટીમ પ્રેક્ટિસનો પ્રારંભ કરશે. ' ભારત અને શ્રીલંકાની બીજી ટેસ્ટનો ૨૦ ઓગસ્ટથી પ્રારંભ થશે. મુરલી વિજય પ્રથમ ટેસ્ટમાં ઈજાને લીધે રમી શક્યો નહોતો. પરંતુ હવે તે સંપૂર્ણ ફિટનેસ મેળવવામાં છે અને બીજી ટેસ્ટમાં રમે તેવી પૂરી સંભાવના છે. આ સ્થિતિમાં ધવનનું સ્થાન મુરલી વિજય લેશે જ્યારે લોકેશ રાહુલને કંગાળ દેખાવ છતાં ઓપનર તરીકે યથાવત્ રાખવામાં આવશે. એક સંભાવના એવી પણ છે કે લોકેશ રાહુલને પડતો મૂકી તેના સ્થાને ચેતેશ્વર પૂજારાને ઓપનિંગમાં ઉતારવામાં આવે. પૂજારાએ અગાઉ કેટલીક ટેસ્ટમાં ઓપનર તરીકે કામગીરી અદા કરી છે.
હરભજનને સ્થાને બિન્નીના સમાવેશની સંભાવના
કોલંબો ખાતે રમાનારી બીજી ટેસ્ટ માટે ભારતીય ટીમમાં હરભજનને સ્થાને સ્ટુઅર્ટ બિન્નીને સામેલ કરવામાં આવે તેવી પૂરી સંભાવના છે. હરભજને પ્રથમ ટેસ્ટમાં કંગાળ દેખાવ કર્યો હતો અને તેણે કુલ ૨૫ ઓવરમાં ૯૦ રન આપી માત્ર ૧ વિકેટ ખેરવી હતી. બીજી તરફ અશ્વિન-અમિત મિશ્રાએ કુલ ૧૫ વિકેટ ખેરવી હતી. બિન્નીને શાસ્ત્રીના સૂચનથી ટીમમાં સ્થાન આપવામાં આવ્યું છે. ૩૧ વર્ષીય બિન્નીએ અગાઉ ૩ ટેસ્ટની ૬ ઇનિંગ્સમાં ૧૧૮ રન નોંધાવ્યા છે પરંતુ તે હજુ સુધી એકપણ વિકેટ ખેરવી શક્યો નથી. રવિ શાસ્ત્રીએ પ્રથમ ટેસ્ટ બાદ જ સંકેત આપી દીધા હતા કે બીજી ટેસ્ટમાં પણ ભારત પાંચ બોલર્સની રણનીતિ જારી રાખશે.
શાસ્ત્રી ફક્ત મોટી-મોટી વાતો કરવામાં જ નિષ્ણાત
ભૂતપૂર્વ ટેસ્ટ ક્રિકેટર કિર્તી આઝાદે જણાવ્યું હતું કે 'શાસ્ત્રી ફક્ત મોટી-મોટી વાતો કરી જાણે છે પણ માત્ર વાતો કરવાથી મેચ જીતી શકાતી નથી. ભારતીય ટીમને હવે રાહુલ દ્રવિડ જેવા કોચની જરૃર છે. દ્રવિડ પાસેથી ટીમના યુવા ક્રિકેટર શિસ્તના પાઠ ભણશે એ અલગ. મને તો એ જ સમજાતું નથી કે ભારતીય ટીમનો નવા કોચની પસંદગી માટે આટલો વિલંબ શા માટે કરવામાં આવી રહ્યો છે. કોચ પસંદ કરવા માટે રચવામાં આવેલી સચિન તેંડુલકર-સૌરવ ગાંગુલી-લક્ષ્મણની સમિતિની બેઠક માત્ર એકવાર મળી છે. આ સમિતિ આખરે કરી શું રહી છે તેની બીસીસીઆઇએ તપાસ કરવી જોઇએ. શાસ્ત્રી ટીમ ડિરેક્ટર કે કોચની કામગીરી માટે યોગ્ય નથી  તેવું મારું સ્પષ્ટ માનવું છે.'

ભારત માલામાલ ઃ યુએઇ રૃા.પાંચ લાખ કરોડનું રોકાણ કરશે

ત્રાસવાદને ઉત્તેજન આપતા પાક. જેવા દેશોની ભારત-યુએઇએ સખત ઝાટકણી કાઢી

બન્ને દેશો પાંચ વર્ષમાં વ્યાપાર ૬૦ ટકા સુધી વધારશે


અબુ ધાબીમાં મોદીની યુએઇના શહેજાદા સાથે મંત્રણા બાદ ૩૧ મુદ્દાનું જોઇન્ટ સ્ટેટમેન્ટ જારી કરાયું
મંત્રણા દરમિયાન દાઉદનો મુદ્દો ચર્ચાયો હતો કે કેમ તે અંગે કંઇ કહેવાનું વિદેશ સચિવે ટાળ્યું

દ્વિપક્ષી સંબંધોને વ્યૂહાત્મક ભાગીદારીની કક્ષાએ લઇ જતાં ભારત અને યુએઇએ અન્ય દેશો વિરુદ્ધ ત્રાસવાદી પ્રવૃત્તિઓને ઉત્તેજન આપતા પાકિસ્તાન જેવા દેશોની સખત ઝાટકણી કાઢી હતી અને ત્રાસવાદના તમામ સ્વરૃપોને વખોડયા હતા. બન્ને દેશોએ પાકિસ્તાન જેવા તમામ દેશોને અન્ય દેશો વિરુદ્ધની ત્રાસવાદી પ્રવૃત્તિઓ બંધ કરવા અને ત્રાસવાદી માળખા નષ્ટ કરી ત્રાસવાદીઓનો સફાયો કરવા આહ્વાન કર્યું હતું.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની યુએઇના શહેજાદા શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહ્યાન સાથે મંત્રણા બાદ ૩૧ મુદ્દાનું જોઇન્ટ સ્ટેટમેન્ટ જારી કરાયું હતું, જેમાં ત્રાસવાદ ઉપરાંત ભારત-યુએઇ વચ્ચે વ્યાપાર સંબંધો વધુ ગાઢ બનાવવા પર પણ ભાર મુકાયો હતો. યુએઇ ભારતમાં તેના રોકાણો વધારીને ૭૫ અબજ ડોલર (પાંચ લાખ કરોડ રૃપિયા)ની સપાટીએ લઇ જવા સંમત થયું હતું. બન્ને દેશો આગામી પાંચ વર્ષમાં દ્વિપક્ષી વ્યાપાર પણ ૬૦ ટકા સુધી વધારશે.
નોંધનીય છે કે ભારત-યુએઇ વચ્ચે ૧૯૭૦ના દાયકામાં વાર્ષિક ૧૮ કરોડ ડોલરનો દ્વિપક્ષી વ્યાપાર થતો હતો, જે આજે વધીને ૬૦ અબજ ડોલરની સપાટીએ પહોંચ્યો છે. ચીન અને અમેરિકા બાદ ભારતનો ત્રીજો સૌથી મોટો વ્યાપાર સાથી યુએઇ છે. ભારત-યુએઇ ત્રાસવાદ-વિરોધી અભિયાનોમાં સહકાર વધારવા, ગુપ્તચર માહિતીનું આદાન-પ્રદાન કરવા તથા કટ્ટરવાદ ડામવા પણ સંમત થયા હતા. યુએઇના શહેજાદા સાથેની મોદીની મંત્રણા દરમિયાન અન્ડરવર્લ્ડ ડોન દાઉદની યુએઇમાં આવેલી સંપત્તિઓનો મુદ્દો ચર્ચાયો હતો કે કેમ? તેવા પ્રશ્નનો સીધો જવાબ આપવાનું વિદેશ સચિવ એસ. જયશંકરે ટાળ્યું હતું.
મોદીએ યુએઇના શહેજાદા સાથે અબુ ધાબીમાં મંત્રણા બાદ યુએઇના વડાપ્રધાન શેખ મોહમ્મદ બિન રાશીદ અલ મક્તુમ સાથે પણ દુબઇમાં વાટાઘાટો કરી હતી.
યુએઇના શહેજાદા સાથેની મોદીની મંત્રણાની સાથે સાથે...
- ભારતમાં ડિફેન્સ ઇક્વિપમેન્ટ્સના ઉત્પાદનમાં સહકાર માટે યુએઇ સંમત.
- બન્ને દેશોના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારો અને રાષ્ટ્રીય સુરક્ષા પરિષદો વચ્ચે સંવાદનો સેતુ ઊભો કરાશે.
- બન્ને દેશોના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારો વચ્ચે દર ૬ મહિને બેઠક યોજાશે.
- યુએઇ-ઇન્ડિયા ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્વેસ્ટમેન્ટ ફંડ થકી યુએઇ ભારતમાં રોકાણો વધારશે.
- શિક્ષણ, વિજ્ઞાાન-ટેક્નોલોજી, અક્ષય ઊર્જા, કૃષિ, ડેઝર્ટ ઇકોલોજી, શહેરી વિકાસ, એડવાન્સ્ડ હેલ્થકેર તથા સ્પેસ ક્ષેત્રે પણ દ્વિપક્ષી સહકાર વધારાશે.
- અબુ ધાબીમાં મંદિરના નિર્માણ માટે જમીન ફાળવવા બદલ તથા સંયુક્ત રાષ્ટ્રોની સલામતી પરિષદના કાયમી સભ્યપદ માટેની ભારતની ઉમેદવારીને સમર્થન બદલ મોદીએ યુએઇના શહેજાદાનો આભાર માન્યો.

આજે શ્રાવણિયો સોમવાર શિવભક્તોમાં અનેરો ઉત્સાહ

- શિવમંદિરમાં હોમાત્મક-પાઠાત્મક રૃદ્રી, મહામૃત્યુંજય જાપના વિશેષ આયોજનો


જપ-તપ-વ્રતના સંગમ સમાન શ્રાવણ મહિનાનો શનિવારથી પ્રારંભ થઇ ગયો છે. આવતીકાલે શ્રાવણ મહિનાનો પ્રથમ સોમવાર હોવાથી તેને લઇને ભક્તોમાં વિશેષ ઉત્સાહ છે. સોમવારે વહેલી સવારથી જ શિવમંદિરોમાં ભક્તોનું ઘોડાપુર ઉમટી પડશે. જેમાં ભક્તો જળ-દૂધ-ઘી-મધ-શેરડીના રસ-પંચામૃત દ્વારા શિવલિંગ પર અભિષેક કરી ભગવાન શિવ પ્રત્યે પોતાની આસ્થા દર્શાવશે. આવતીકાલે શિવમંદિરોમાં હોમાત્મક-પાઠાત્મક રૃદ્રીના તેમજ મહામૃત્યંજપના જાપનું વિશેષ આયોજન પણ કરવામાં આવ્યું છે.અમદાવાદમાં આવેલા કર્ણમુક્તેશ્વેર મહાદેવ, ભીમમાથ મહાદેવ, શિવાનંદ આશ્રમ, ચકલેશ્વર મહાદેવ, ચકુડિયા મહાદેવ, સમર્થેશ્વર મહાદેવ સહિતના શિવમંદિરમાં ભક્તો ઉમટી પડશે. શિવલિંગ પર બિલ્વપત્ર ચઢાવવાનો મહિમા છે. અલબત્ત, આ વખતે ગત વર્ષની સરખામણીએ બિલ્વપત્રની કિંમતમાં ૧૦થી ૧૫ ટકાનો વધારો નોંધાયો છે. શ્રાવણ મહિના દરમિયાન ખેડાથી ટ્રક ભરીને બિલ્વપત્ર લાવવામાં આવતા હોય છે. શ્રાવણિયો સોમવાર હોય ત્યારે બે ટ્રક ભરીને બિલ્વપત્ર લાવવામાં આવે છે. ગત વર્ષે ૧.૨૫ લાખ બિલ્વની કિંમત રૃપિયા ૧૦ હજાર હતી, જે આ વર્ષે વધીને રૃપિયા ૧૫ હજારે પહોંચી ગઇ છે. શ્રાવણ મહિનાના  સોમવારે ઉપવાસ-એકટાણા રાખવાનો મહિમા છે.  શહેરના પ્રાચિન કર્ણમુક્તેશ્વર મહાદેવ ખાતે આરતી દરમિયાન શરણાઇ સહિતના વિવિધ પારંપરિક વાદ્યોનો ઉપયોગ કરવામાં આવશે.પ્રાપ્ત થયેલી માહિતી અનુસાર આરતી દરમિયાન પારંપરિક વાદ્યોનો ઉપયોગ ભારતમાં સંભવતઃ માત્ર કાશીમાં જ કરવમાં આવે છે.

પાટીદાર સમાજની રેલી પહેલા પોલીસે અડાજણ-અઠવાને જોડતો બ્રિજ બંધ કરી દિધો

- સુરતની જીવાદોરી સમાન સરદાર બ્રિજ બંધ કરી દેતા લોકોની મુશ્કેલી વધી

- પીક અવર્સમાં દરમિયાન સરદાર બ્રિજ પર લાખો વાહનો પસાર થાય છે


સુરતમાં પાટીદાર સમાજની રેલીના બંદોબસ્ત માટે સુરત પોલીસે અડાજણ-અઠવાઇન્સને જોડતો સરદાર બ્રિજ વાહન વ્યવહાર માટે બંધ કરાવી દીધો હતો. પીક અવર્સ દરમિયાન લાખો વાહનો અવર-જવર થાય છે તેવો બ્રિજ બંધ કરાવી દેતા લોકોની હાલત કફોડી થઈ ગઈ હતી. સરદાર બ્રિજનો ટ્રાફિક વિવેકાનંદ બ્રિજ પર ડાઇવર્ટ કરાતા કોઇ દિવસ જામ ન થતો વિવેકાનંદ બ્રિજ પણ જામ થઈ ગયો હતો.
સુરતમાં આજે પાટીદાર સમાજની રેલી પહેલા પોલીસે કરેલી ગોઠવણના કારણે સુરતના અનેક લોકોની હાલત કફોડી થઈ ગઈ હતી. સુરત પોલીસે રેલી પહેલા અડાજણથી અઠવાલાઇન્સ તરફ જતો તાપી નદી પરનો સરદાર બ્રિજ વાહન વ્યવહાર માટે બંધ કરાવી દીધો હતો. સુરતનો આ સરદાર બ્રિજ પર સવારે 9 વાગ્યેથી12 વાગ્યા સુધીના પીક અવર્સમાં લાખોની સંખ્યામાં વાહનો પસાર થાય છે. આ સમય દરમિયાન સતત ટ્રાફિકથી ધમધમતો બ્રિજના છેડે પોલીસ વાહનોની આડસ કરીને બ્રિજ બંધ કરાવી દીધો હતો. સુરતના અડાજણ-રાંદેર વિસ્તારમાં રહેતા મોટાભાગના નોકરિયાતો આ બ્રિજનો ઉપયોગ કરી નોકરી-ધંધા માટે જાય છે. પરંતુ આજે તેઓ નોકરી માટે જવા નિકળ્યા ત્યારે ખબર પડી હતી કે બ્રિજ વાહન વ્યવહાર માટે બંધ કરી દેવાયો છે. પોલીસ કર્માચારીઓ બ્રિજના છેડે ઉભા રહીને વાહન ચાલકોને વિવેકાનંદ(લો લેવલ બ્રિજ) તરફ વાળતાં હતા. સવારમાં જ લોકો અચાનક જ વાળવામાં આવતા તમામ વાહન ચાલકો લો લેવલ બ્રિજ તરફ જતા ત્યાં ટ્રાફિક જામ થઇ ગયો હતો.
સુરતનો વિવેકાનંદ બ્રિજ પર શનિવાર સિવાય ક્યારેય પણ ટ્રાફિક જામ ન થતો હતો. પરંતુ આજે પોલીસે સરદાર બ્રિજ બંધ કરાવી દેકા આ બ્રિજ આખો જામ થઇ ગયો હતો. સરદાર બ્રિજ પર પિક અવર્સમાં લાખો વાહનો પસાર થતા હોવા છતા પોલીસે આ બ્રિજ બંધ કરાવી દેતા લોકોની હાલત કફોડી થઇ ગઇ હતી. લોકો પોલીસ અને તંત્રની આવી કામગીરી સામે રોષ વ્યક્ત કરતા જોવા મળ્યા હતા.

સપ્તાહનાં પ્રારંભે શેરબજારમાં કડાકો

- સેન્સેક્સ 300 પોઈન્ટ ગગડ્યો


સપ્તાહના પ્રારંભે શેરબજારમાં ભારે ઘટાડો થયો છે. સેન્સેક્સ અને નિફ્ટીમાં સરેરાશ 1%થી વધારાનો ઘટાડો નોંધાયો છે. સેન્સેક્સ 27,800ની નીચે ગગડ્યો છે જ્યારે નિફ્ટી પણ 8450ની સપાટી તોડી દીધી છે. મિડકેપ અને સ્મોલકેપ શેરોમાં પણ ઘટાડો થયો છે. સીએનએક્સ મિડકેપ ઈન્ડેક્સ 0.3%ના ઘટાડા સાથે 13,900ની નીચે આવી ગયા છે, જ્યારે એ 13,975 સુધી પહોંચ્યા હતા. જે બીએસઈના સ્મોલકેપ ઈન્ડેક્સ 0.5% તૂટીને 11,700ની બહુજ નજીક આવી ગયા છે.
સેન્સેક્સમાં થયેલા ઘટાડાનાં કારણે બીએસઈના બધા સેક્ટર ઈન્ડેક્સ લાલ નિશાનમાં આવી ગયા છે. આ લખાય છે ત્યારે બીએસઈના 30 શેરોવાળા પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ 248.87 પોઈન્ટ ઘટીને 27818.44ની સપાટી કારોબાર કરી રહ્યો છે જ્યારે એનએસઈના 50 શેરોવાળા પ્રમુખ ઈન્ડેક્સ નિફ્ટી 63.35 પોઈન્ટ ઘટીને 84.55ની સપાટીએ કારોબાર કરી રહ્યો છે.

Friday, 14 August 2015

સેન્સેક્સમાં ૫૧૮ પોઇન્ટનો ઊછાળો રૃપિયામાં મંદ ગતિએ સુધારો

ડોલર સામે રૃપિયો ૧૦ પૈસા વધીને ૬૫ ઃ માર્કેટ કેપ.માં રૃા. ૧.૮૦ લાખ કરોડનો વધારો


હોલસેલ ફુગાવાના નીચા આંક, જીએસટી બિલ માટે સરકારી કવાયત તેમજ સરકારી બેંકો માટે જાહેર કરાયેલી ખાસ યોજનાના અહેવાલો પાછળ મુંબઈ શેરબજાર ખાતે ચોમેરથી નીકળેલી નવી લેવાલીએ સેન્સેક્સમાં ૫૧૮ પોઇન્ટનો ઉછાળો નોંધાયો હતો તો બીજી તરફ અમેરિકન ડોલર સામે રૃપિયામાં ધીમો સુધારો નોંધાયો હતો.
સંસદનું ચોમાસુ સત્ર પૂર્ણ થયા પછી પણ જીએસટી બિલ મંજૂર કરવા સરકારે આપેલા સંકેતો, હોલસેલ ફુગાવો ઘટીને માઇનસ ૪.૦૫ ટકા રહેવાના અહેવાલો તેમજ આર્થિક સુધારાના ભાગરૃપે સરકાર દ્વારા જાહેર ક્ષેત્રની બેંકોના પુનરૃત્થાન માટે ખાસ યોજના જાહેર કર્યાના અહેવાલોની બજાર પર સાનુકૂળ અસર થવા પામી હતી.
મુંબઈ શેરબજાર ખાતે આજે કામકાજનો પ્રારંભ મક્કમ ટોને થયા બાદ ઉપરોક્ત અહેવાલો પાછળ નીકળેલી નવી લેવાલીએ સુધારાની ચાલ વેગીલી બની હતી અને કામકાજના અંતે સેન્સેક્સ ૫૧૭.૭૮ પોઇન્ટ ઉછળીને પુનઃ ૨૮૦૦૦ની સપાટી કુદાવીને ૨૮૦૬૭.૩૧ની સપાટીએ મજબૂત રહ્યો હતો.
બીજી તરફ એન.એસ.ઇ. ખાતે પણ નીકળેલ નવી લેવાલીના પગલે નિફ્ટી આંક પણ ૧૬૨.૭૦ પોઇન્ટ ઉછળીને ૮૫૧૮.૫૫ની સપાટીએ મજબૂત રહ્યો હતો. સેન્સેક્સના ઉછાળાના પગલે આજે બી.એસ.ઇ.ના માર્કેટ કેપિટલાઇઝેશનમાં રૃા. ૧.૮૦ લાખ કરોડનો વધારો થતા તે રૃા. ૧૦૪.૪૪ લાખ કરોડ રહ્યું હતું.
વિદેશી હુંડિયામણ બજારમાં આજે રૃપિયાની સાત દિવસની નરમાઈ તરફી ચાલમાં રૃકાવટ આવી હતી. ચીન દ્વારા યુઆનનું ડીવેલ્યુએશન અટકાવ્યાના અહેવાલો તેમજ બેંકો અને આયાતકારો દ્વારા ડોલરમાં હાથ ધરાયેલ વેચવાલીના દબાણે ડોલર સામે રૃા. ૧૦ પૈસા વધીને ૬૫.૦૦ના મથાળે બંધ રહ્યો હતો.

પેટ્રોલના ભાવમાં લીટરે ૧.૨૭ અને ડિઝલમાં ૧.૧૭નો ઘટાડો

ક્રૂડ ઓઈલના વૈશ્વિક ભાવ ઘટતાં

નવા ભાવ મધરાતથી અમલી બનશે

આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે ક્રૂડ ઓઈલના ભાવ ઘટવાને પગલે દેશની સરકારી ઓઈલ કંપનીઓએ પેટ્રોલના ભાવમાં લીટર દીઠ રૃપિયા ૧.૨૭ અને ડિઝલના ભાવમાં લીટર દીઠ રૃપિયા ૧.૧૭નો ઘટાડો કર્યો હતો. ઉલ્લેખનીય છે કે સરકારી ઓઈલ કંપનીઓ આંતરરાષ્ટ્રીય ક્રૂડના ભાવ અને ડોલર સાથે રૃપિયાના ભાવમાં થતી વધઘટને ધ્યાનમાં રાખી દર ૧૫ દિવસે પેટ્રોલ અને ડિઝલના ભાવની સમીક્ષા કરી વધારો કે ઘટાડો જાહેર કરે છે. ઉલ્લેખનીય છે કે સરકારી ઓઈલ કંપનીઓ ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન, ભારત પેટ્રોલિયમ અને  હિન્દુસ્તાન પેટ્રોલિયમે ૧લી ઓગસ્ટે પેટ્રોલમાં ૨.૪૩ અને ડિઝલમાં રૃા. ૩.૬૦નો ઘટાડો કર્યો હતો.
રાજ્યના પ્રમુખ શહેરોમાં અંદાજીત નવા ભાવ
શહેરપેટ્રોલડીઝલ
અમદાવાદ૬૩.૨૩૪૭.૫૫
વડોદરા૬૨.૪૬૪૭.૨૬
સુરત૬૩.૨૬૪૭.૫૩
રાજકોટ૬૨.૬૦૪૭.૪૧

આઝાદીની ઉજવણીમાં સ્વતંત્રતા સંગ્રામનો નાયક જ હતો ગેરહાજર

- આખો દેશ જ્યારે આઝાદીની ઉજવણી કરી રહ્યો હતો તે દરમ્યાન ક્યા હતા ગાંધીજી?

- જાણો, કેમ પાકિસ્તાન એક દિવસ વહેલા આઝાદ થયું?






15 ઓગસ્ટ, 1947ના એ દિવસે જ્યારે આખો દેશ ઉજવણી કરી રહ્યો હતો ત્યારે આઝાદીની લડતમાં સિંહફાળો આપનાર મહાત્મા ગાંધી ઉજવણીથી દૂર પશ્ચિમ બંગાળના એક ગામમાં ઉપવાસ કરી રહ્યા હતા, તેઓ હિંદુઓ અને મુસલમાનો વચ્ચેના લોહિયાળ કોમી રમખાણોના વિરોધમાં ઉપવાસ કરી રહ્યા હતા.
કેમ પાકિસ્તાન એક દિવસ વહેલા આઝાદ થયું?
બ્રિટિશ શાસનના છેલ્લા વાઈસરોય લોર્ડ માઉન્ટબેટનને આઝાદી દિનની કરાંચી અને નવી દિલ્હી બન્ને સ્થળે થનાર ઉજવણીમાં ભાગ લેવો પડે એમ હતો, અને બન્ને સ્થળે એક જ દિવસે હાજર રહી શકાય એમ નહીં હોવાથી કરાંચીમાં આગલા દિવસે એટલે કે 14મી ઓગસ્ટે સ્વતંત્રતા દિવસ ઉજવવામાં આવ્યો હતો, બસ ત્યારથી જ પાકિસ્તાન દર વર્ષે આ તારીકે આઝાદી દિન મનાવે છે.

ભારત 'એ' ૩૪ રનથી જીત્યું ઃ ૩૭૨ના પડકાર સામે સાઉથ આફ્રિકા 'એ'ના ૩૩૭/૬

અગરવાલના ૧૭૬, પાંડેના ૧૦૮* ઃ અક્ષર પટેલની ૩ વિકેટ

ડી કોકના લડાયક ૧૧૩ ઃ હવે ભારત 'એ' ઓસ્ટ્રેલિયા 'એ' વચ્ચે ફાઇનલ

ભારતની 'એ' ટીમે સાઉથ આફ્રિકાની 'એ' ટીમને ૩૪ રનથી હરાવીને ત્રિકોણીય જંગની ફાઇનલમાં પ્રવેશ મેળવ્યો છે. હવે ભારત 'એ' અને ઓસ્ટ્રેલિયા 'એ' વચ્ચે ફાઇનલ રમાશે.ભારત 'એ'ના ઓપનર મનોજ અગરવાલે ૧૩૩ બોલમાં ૧૭૬ રન ૨૦ ચોગ્ગા અને પાંચ છગ્ગા સાથે નોંધાવ્યા હતા. અગરવાલ અને મનિષ પાંડેએ (૮૫ બોલમાં ૮ ચોગ્ગા અને બે છગ્ગા સાથે ૧૦૮*) બીજી વિકેટની ૨૦૩ રનની ભાગીદારી ૨૪ ઓવરોમાં ખડકી હતી. કેપ્ટન ઉન્મુક્ત ચંદે પણ ૮૪ રનનું યોગદાન આપ્યું હતું.
૩૭૨ રનનો જંગી પડકાર છતાં સાઉથ આફ્રિકાની 'એ' ટીમે લડત આપી જીતવાનું સ્વપ્ન સેવ્યું હતું. ઓપનર ડી કોક (૧૧૩) અને હેન્ડરિકે (૭૬) બીજી વિકેટની ૧૨૮ રનની ભાગીદારી નોંધાવી તે પછી ઝોન્ડોએ ૬૦ બોલમાં ૮૬ રન ઝૂડયા હતા. અક્ષર પટેલે ત્રણ વિકેટ ઝડપતા સાઉથ આફ્રિકા પર બ્રેક લાગી હતી. તેઓએ ૩૩૭/૬ રન કર્યા હતા.
સ્કોરકાર્ડ
ભારત- 'એ'
-રનબોલ
અગરવાલ કો. મહારાજ બો. સોત્સોબે૧૭૬૧૩૩૨૦
ચંદ લેગબિફોર મહારાજ૬૪૭૭
પાંડે અણનમ૧૦૮૮૫
નાયર રનઆઇટ૧૦
મનદીપસિંઘ   અણનમ
વધારાના (લેગ બાય-૩, વાઇડ- ૮, નોબોલ-૧)૧૨
(૩ વિકેટે ૫૦ ઓવરોમાં)૩૭૧
વિકેટનો ક્રમ ઃ ૧/૧૦૬ (ચંદ, ૨૧.૪) ૨/૩૦૯ (અગરવાલ, ૪૫.૫), ૩/૩૬૦ (નાયર ૪૯.૩)
બોલિંગ ઃ સોત્શોબે ૧૦-૦-૬૧-૧, માર્નેલા ૧૦-૦-૭૯-૦, શ્લેઝ ૧૦-૦-૬૫-૦, મહારાજ ૧૦-૦-૬૨-૧, ડેલપોર્ટ ૫-૦-૩૯-૦, ઝોન્ડો ૧-૦૧-૧૬-૦, બુ્રયન ૪-૦-૪૦-૦
સાઉથ આફ્રિકા 'એ'
-રનબોલ
ડી'કોક કો. સેમસન બો. પટેલ૧૧૩૮૬૧૦
ડેલપોર્ટ બો. કાલરિયા૩૪૧૮
હેન્ડરિક્સ કો. નાયબર બો. સિંઘ૭૬૧૦૯
બુ્રયન કો. ચંદ બો. પટેલ
ચેરી રનઆઉટ
ઝોન્ડો બો. પટેલ૮૬૬૦
વિલાસ અણનમ૧૩
પર્નેલ અણનમ
વધારાના (લેગ બાય ૮, વાઇડ- ૧૦)૧૮
(૬ વિકેટે ૫૦ ઓવરોમાં)૩૩૭
વિકેટનો ક્રમ ઃ ૧/૫૩ (ડેલપોર્ટ, ૫.૩), ૨/૧૮૧ (ડીકોક ૨૫.૩), ૩/૧૮૩ (બુ્રયન ૨૮.૪), ૪/૧૮૪ (ચેરી ૨૯.૨), ૫/૨૭૯ (હેન્ડરિક ૪૪), ૬/૩૩૩ (ઝોન્ડો, ૪૯.૨)
બોલિંગ ઃ ધવન - ૭-૦-૫૦-૦, કાલરિયા ૭-૦-૫૦-૧, ગુરકિશનસિંઘ ૧૦-૦-૬૨-૧, અક્ષર પટેલ ૮-૧-૩૨-૩, કરણ શર્મા ૮-૦-૬૭-૦, નાયર ૪-૦-૧૯-૦

આલિયા ભટ્ટ આગામી ફિલ્મમાં બિકીની દ્રશ્ય ભજવવા તૈયાર


સખત કસરત કરી 'બિકીની બોડી' મેળવી


બોલિવુડ અભિનેત્રી આલિયા ભટ્ટ તેની માસુમિયત માટે જાણીતી છે. ફિલ્મ 'શાનદાર'માં આલિયા દર્શકોને બિકીની સૂટ પહેરેલી જોવા મળશે. સૂત્રોએ જણાવ્યું હતું કે આ દ્રશ્ય માટે અભિનેત્રીએ ખાસ કસરતની તાલીમ લઈ બિકીનીને ઉપયુક્ત ફિગર મેળવ્યું છે. તેણે ખાસ્સું એવું ડાયેટિંગ પણ કર્યું હતું. એક અઠવાડિયા સુધી આલિયા ફક્ત ફળાહાર અને ફળોના રસ પર રહી હતી. 'શાનદાર'માં આલિયા અને શાહિદની જોડી છે. ફિલ્મનું ટ્રેલર હાલમાં જ લોન્ચ કરાયું છે. જેના છેલ્લા દ્રશ્યમાં આલિયા ભટ્ટ ગુલાબી રંગની બિકીની પહેરેલી દ્રશ્યમાન થાય છે.

Thursday, 13 August 2015

કાલથી શ્રાવણ માસ, મંદિરો 'હર હર મહાદેવ'થી ગૂંજી ઉઠશે

૨૯ ઓગસ્ટે રક્ષાબંધન, ૫ સપ્ટેમ્બરે જન્માષ્ટમીની ઉજવણી

અમદાવાદ સહિત રાજ્યભરનાં શિવમંદિરોમાં જપ-તપ, રૃદ્રાભિષેકનાં વિશેષ આયોજનો


જપ, તપ અને વ્રતનો તહેવાર એટલે શ્રાવણ માસ. હિંદુઓ માટે અત્યંત પાવન શ્રાવણ માસનો ૧૫ ઓગસ્ટથી પ્રારંભ થવા જઇ રહ્યો છે. શ્રાવણ માસનો પ્રારંભ થવા જઇ રહ્યો છે ત્યારે શિવભક્તોમાં ભગવાન શિવને રિઝવવા માટે અનેરો થનગનાટ જોવા મળી રહ્યો છે. અમદાવાદ સહિત રાજ્યભરના શિવ મંદિરમાં શ્રાવણ માસ નિમિત્તે જપ-તપ, રૃદ્રાભિષેક, મહાપૂજાના વિશિષ્ટ આયોજન કરવામાં આવ્યા છે. આમ, શ્રાવણ માસ સાથે સર્વત્ર ભક્તિમય માહોલ જોવા મળશે.
શ્રાવણ માસમાં ભગવાન શિવની ઉપાસના કરવાથી અનેકગણું ફળ પ્રાપ્ત થતું હોય છે. ભગવાન શિવને બિલ્વપત્ર ખૂબ જ પ્રિય છે. ભાવિકો ભગવાન શંકરની આગામી એક માસ સુધી આરાધના કરી બિલ્વપત્ર, દૂધ, કાળા તલ ચઢાવીને પૂજન કરે છે. અમદાવાદ શહેરના અત્યંત પ્રાચિન કર્ણમુક્તેશ્વર મહાદેવ, કામનાથ મહાદેવ,  કોટેશ્વર મહાદેવ, શિવાનંદ આશ્રમ, સમર્થેશ્વર મહાદેવ, મણિકણિશ્વર, અમરનાથ મહાદેવમાં શિવ મહાપુરાણ, હોમાત્મક, જપાત્મક લઘુરુદ્રનું આયોજન કરવામાં આવ્યું છે. આમ, શ્રાવણ માસમાં શિવ મંદિરો 'બમ બમ ભોલે..', 'હર હર મહાદેવ'થી ગૂંજી ઉઠશે. જ્યોતિષશાસ્ત્રી મહેન્દ્ર પંડયાએ જણાવ્યું હતું કે 'શિવ પૂજામાં જળનું ખૂબ જ મહત્વ છે. હાલ સિંહસ્થ ગુરુ હોવાથી શિવનો જળ તેમજ ઔષધી દ્વારા અભિષેક વધુ લાભદાયી પુરવાર થાય છે. જેમકે, મનોકામના પૂરી થાય માટે ભગવાન શિવનો શેરડીના રસ દ્વારા અભિષેક કરવો જોઇએ.'
સ્વામિનારાયણ મંદિર-કુમકુમ-મણિનગર ખાતે શ્રાવણ માસ દરમિયાન વિશેષ આયોજન કરવામાં આવ્યા છે. આ વિષે સાધુ પ્રેમવત્સલદાસજીએ જણાવ્યું હતું કે '૧૫ ઓગસ્ટે સ્વાતંત્ર દિન છે અને એ જ દિવસથી શ્રાવણ માસનો પ્રારંભ થવા જઇ રહ્યો છે. આ પ્રસંગે ભગવાન સ્વામિનારાયણને સફેદ, લીલો, કેસરી એમ તિરંગાથી વિશેષ રીતે તૈયાર કરાયેલા શણગાર સજાવવામાં આવશે. જેના દર્શન માટે સવારે ૮ઃ૦૦થી બપોરે ૧૨ઃ૦૦ અને સાંજે ૪ઃ૦૦થી ૮ઃ૩૦નો સમય રહેશે. સ્વામિનારાયણ ભગવાનના હિંડોળા પણ ત્રિરંગા ફુગ્ગાથી શણગારાશે.'
શ્રાવણ માસ દરમિયાન વિવિધ તહેવારોની પણ ઉજવણી કરાશે. જેમાં ૨૯ ઓગસ્ટે રક્ષાબંધન, ૫ સપ્ટેમ્બરે જન્માષ્ટમીનો સમાવેશ થાય છે. ૧૩ સપ્ટેમ્બર રવિવારના શ્રાવણ માસની પૂર્ણાહૂતિ થશે.
ભગવાન શિવને કયા અભિષેકથી શું ફળ મળે?
શેરડીના રસ દ્વારા અભિષેક કરવાથી મનોકામના સિદ્ધિ તેમજ દરેક કામનાની પૂર્તિ થાય છે. સમુદ્ર ફિણ કે લવણયુક્ત જળ દ્વારા અભિષેક કોર્ટ-કચેરીના કેસ કે કાવાદાવામાંથી મુક્તિ અપાવે છે. ઉત્તમ વિદ્યા અભ્યાસ તેમજ અભ્યાસમાં ધારી સફળતા પ્રાપ્ત થાય માટે સફેદ તલયુક્ત દૂધથી વિદ્યાર્થીઓએ અભિષેક કરવો જોઇએ. લાંબા આયુષ્ય-સારા આરોગ્ય માટે કાળા તલ, બિલ્વપત્રના અર્ક દ્વારા તૈયાર કરાયેલી ઔષધીથી, પરદેશગમન-જમીન-મકાન-મિલકત રોકાણ માટે સાર, ખાંડ નાખેલા પાણી દ્વારા, કૌટુમ્બિક સુખ -દામ્પત્યજીવનમાં ખટરાગ દૂર કરવા, લગ્નોત્સુક માટે જળમાં પુષ્પ નાખી અભિષેક કરવો જોઇએ.

વિશ્વના આ ૧૦ દેશો પોર્ન જોવામાં છે સૌથી મોખરે

હાલમાં પોર્ન વિષે ખુબ ચર્ચા ચાલી રહી છે કારણ કે સરકાર દ્વારા પોર્નોગ્રાફી વેબસાઇટ્સ પર પ્રતિબંધ લગાવવાનો આદેશ જારી કર્યો હતો, જોકે બાદમાં આ નિર્ણય પર વિચાર કાર્ય બાદ પ્રતિબંધ હટાવવો પડ્યો હતો. પરંતુ નોંધનીય વાતતો એ છે કે ઇંટરનેટ પર કોઇપણ વસ્તુ પર પ્રતિબંધ લગાવવો ખૂબ જ મુશ્કેલ છે, જ્યારે ઇંટરનેટ પર હજારો-લાખોની સંખ્યામાં પોર્ન સાઇટ્સ આવેલી છે. પોર્ન ઇંડસ્ટ્રીનો કારોબાર ખુબ મોટા પાયે વિશ્વભરમાં ફેલાયલો છે. હજારોની સંખ્યામાં લોકો તેનાથી જોડાયેલા છે. પોર્ન પર પ્રતિબંધ લગાવીને સરકારનો ઉદ્દેશ્ય તેને ફેલાવાથી રોકવાનો હતો પરંતુ બન્યું તેનાથી બિલકૂલ વિપરીત. જે લોકો પોર્ન વિષે ન્હોતાં જાણતું તે પણ તેને જાણવા લાગ્યા છે. જોકે પ્રતિબંધના નિર્ણયથી સરકાર એક હદ સુધી ફરી ગઇ છે અને એવી સ્પષ્ટતા કરી છે કે માત્ર ચાઇલ્ડ પ્રોર્નોગ્રાફીને જ પ્રોત્સાહન આપનાર વેબસાઇટ પર પ્રતિબંધ લગાવવામાં આવશે. બાકી પરથી બેન હટાવી લેવામાં આવશે. પ્રતિબંધ ગમે તેટલો હોય પરંતુ પોર્નોગ્રાફીનો ધંધો ક્યારેય મંદો નહીં થાય. એવું એટલા માટે કારણ કે ઘણા એવા દેશ છે જ્યાં ઇંટરનેટ પર સૌથી વધારે પોર્ન સર્ચ કરવામાં આવે છે અને જોવામાં પણ આવે છે. હા, દુનિયામાં સૌથી વધારે પોર્ન પડોશી દેશ પાકિસ્તાન અને ચીનમાં જોવામાં આવે છે. સર્ચ એન્જીન ગૂગલની માનીએ તો ઇંટરનેટ પર પોર્ન સર્ચ કરનાર દેશોમાં પાકિસ્તાન સૌથી આગળ છે. ત્યાં પોર્ન માટે પ્રાણીઓ, જેવા કે ભૂંડ, ગધેડા, અન કૂતરાને સૌથી વધારે સર્ચ કરવામાં આવે છે. તો આવો તસવીરો થકી જાણીએ વિશ્વના એવા દેશો વિષે જ્યાં સૌથી વધારે પોર્નોગ્રાફીને જોવામાં આવે છે.

મારા અંગત ફોટા પ્રસિદ્ધ કરવાનો માધ્યમોને અધિકાર નથીઃ રાધે મા

 કુંભમેળામાં મારા પ્રવેશ પર કોઈ પ્રતિબંધ નથી

- રાધે માએ પહેલી વાર મોઢું ખોલીને વાત કરી, જાણો શું કહ્યું ઈન્ટરવ્યુમાં...


દહેજ  માટે અત્યાચાર તથા અશ્લીલતાના  આરોપોનો સામનો કરી રહેલી રાધે માએ પહેલી વાર મોઢું ખોલીને વાત કરી છે. એક અંગ્રેજી દૈનિકને આપેલા ઈન્ટરવ્યુમાં એણે પોતાના વિશે ફેલાવાતી વાતોથી માંડીને પોતાને ફરિયાદી નિક્કી ગુપ્તાને મળી પણ ન હોવાનો દાવો કરવા સુધીની વાતો કરી છે. રાધે મા પોતે કોઈ સાથે વાત નથી કરતી, પણ પોતાના શિષ્ય સંજીવ ગુપ્તાના માધ્યમથી વાત કરી છે. પ્રસ્તુત છે આ ઈન્ટરવ્યૂના કેટલાંક અંશઃ
નિક્કી ગુપ્તાએ આરોપ કર્યો છે કે તમારા કહેવાથી એને દહેજ માટે સાસરિયા સતાવતા હતા. શું કહો છો?
આ આરોપ તદ્દન પાયાવિહીન છે. હું આ મહિલાને જાણતી જ નથી. મને આ કેસની ખબર નથી અને એ પણ જાણ નથી કે એ શરૃ ક્યારે થયો. હું સ્પષ્ટપણે કહું છું કે આમાં મારી કોઈ ભૂમિકા નથી.
તો તમે એન્ટીસિપેટરી જામીન મેળવવા અરજી કરી છે?
તમે આ વિશે મારા વકીલ સાથે વાત કરી શકો છો. (આ વાતચીત દરમ્યાન રાધે માનોશિષ્ય સંજીવ ગુપ્તા હાજર હતો. એણે કહ્યું કે રાધે માને જામીન મેળવવાની જરૃર નથી. આમ છતાં, અમે ગિરીશ કેડિયા અને હર્ષદ પાંડાનો સંપર્ક કરી રહ્યા છીએ.)
તમને આધ્યાત્મિકતામાં ક્યારે રસ પડયો? મુંબઈ કેવી રીતે પહોંચ્યા?
મને ૨૫ વર્ષથી ભક્તિમાં રસ જાગ્યો છે. એ સમયે હું ઈશ્વરની ભક્ત હતી અને આજેય છું. વાત પુરી.
તમારો એમએમ મીઠાઈવાલા ગુપ્તા પરિવાર સાથે શો સંબંધ છે?
(સંજીવ ગુપ્તા વચ્ચે બોલે છે) હું રાધે માને ૧૩ વર્ષ પહેલાં મળ્યો હતો. ત્યારથી હું એમનો ભક્ત છું. જેમ લોકોને ગુરુ હોય છે એવી જ રીતે રાધે મા મારા ગુરુ છે. આ સિવાય અમારી વચ્ચે બીજો કોઈ સંબંધ નથી.
તમારા સેલિબ્રિટી ભક્તો કોણ છે?
હું પોતે સેલિબ્રિટી છું. બાકી, હું મારા બધા ભક્તોને એકસમાન ગણું છું. મારી પાસે જે કોઈ આવે છે એ માત્ર ભક્ત હોય છે, નાના કે મોટા નથી હોતા. તમામ એકસરખા છે મારા દરબારમાં.
ભક્તો તમને દુર્ગાદેવીનો અવતાર માને છે. તમે શા માટે દુર્ગા દેવી જેવા કપડાં અને હાથમાં ત્રિશૂળ શા માટે ધારણ કરો છો?
ત્રિશૂળ હિન્દુની ઓળખ છે. હું હિન્દુ ધર્મમાં માનું છું એટલે એ ધારણ કરું છું. મારા શણગારમાં પણ કંઈ વાંધાજનક નથી. દુર્ગા માતાના વસ્ત્રો સાથે એને સરખાવી ન શકાય. મારા ભક્તો મને જે પહેરાવે છે-શણગાર કરે છે એ હું ધારણ કરું છું.
સમાધિ અવસ્થામાં હો ત્યારે તમારા મગજમાં શું ચાલતું હોય છે?
આવા સમયે હું દુનિયાથી દૂર ધ્યાનમાં સરી પડું છું. આવી અવસ્થામાં મારા મગજમાં માત્ર ને માત્ર ઈશ્વર હોય છે.
ભક્તો તમને શા માટે ઊંચકે છે?
કોણે કહ્યું કે ભક્તો મને ઊંચકે છે? એક વખત હું ખૂબ થાકી ગયેલી ત્યારે મારા પુત્રે મને ઊંચકી હતી. મા થાકી જાય છે પ્રવચન કર્યાં બાદ.
તમારા પર કુંભના મેળામાં જવા પર પ્રતિબંધ મૂકાયો છે?
કોઈ પ્રતિબંધ નથી. હું ગમે ત્યારે કુંભના મેળામાં જઈ શકું છું. કુંભના મેળાના આયોજકોએ આમ કર્યું હોવાની મને જાણ નથી. તમારી પાસે કોઈ પુુરાવો હોય તો મને દેખાડો.
તમને ૨૦૧૨માં મહામંડલેશ્વરના પદ નિયુક્ત કરાયા ત્યારથી આનો વિવાદ શરૃ થયો છે
આવો કોઈ વિવાદ છે જ નહીં. ભૂતકાળમાં અનેક કુંભમેળામાં હું હાજર રહી હતી. હું હિન્દુ છું એટલે દરેક હિન્દુને કુંભમાં જવાનો અધિકાર છે.
તમારી ખર્ચાળ જીવનશૈલીનો સાધુઓ વિરોધ કરી રહ્યા છે?
ખર્ચાળ જીવનશૈલી એટલે શું? મારી પાસે તો સારું કહી શકાય એવું બૅન્ક બૅલેન્સ પણ નથી. મારા અકાઉન્ટમાં ૮થી ૧૦ લાખ રૃપિયા છે. તમે આની સીબીઆઈ દ્વારા તપાસ કરાવી શકો છો. મને ખાતરી છે કે એમને આ સિવાય કંઈ જ નહીં મળે. તમે મારા પોશાકની વાત કરો છો તો હું એટલું કહીશ કે ભક્તો મને જેવા કપડા પહેરાવે છે એ પહેરું છું. મને આમાં કંઈ ખોટું નથી લાગતું.
તમારા પર આરોપ છે કે તમે સન્યાસ દીક્ષા નથી લીધી કે વિજય હોમ પણ નથી કર્યો
મેં સન્યાસ દીક્ષા લીધી છે. જ્યાં સુધી મારા પૂર્વના જીવન વિશેની વાત છે તો કહીશ કે હું આજેય મારા પરિવારના સંપર્કમાં છું. આમાં ખોટું શું છે?
ઈન્ટરનેટ પર તમારા ટૂંકા સ્કર્ટવાળા ફોટા ફરી રહ્યા છે એ વિશે શું કહો છો?
હું મારા ભક્તોના પરિવાર સાથે એક ટ્રીપ પર ગઈ હતી, જે મારી બહુ જ નજીક છે. એમણે મને આ કપડા આપ્યા હતા અને હું એ પહેરું એવો આગ્રહ કર્યો હતો. આ કપડામાં કંઈ જ ખોટું નથી અને એ જરાય અશ્લીલ નથી. તમને કોણે કહ્યું કે સાધુ અને સાધ્વીએ આવા કપડા ન પહેરવા જોઈએ? હું મારા ભક્તોનું સાંભળું છું. એ ખુશ તો હું ખુશ.
તમારા આ ફોટા લીક કેવી રીતે થયા?
મને ખબર નથી. કદાચ કોઈ મારી છબી ખરાબ કરવા માગે છે. એમણે પ્રસારમાધ્યમોમાં જાણી જોઈને આ ફોટાઓ મોકલ્યા છે. આ મારા અંગત ફોટા છે. આથી પ્રસારમાધ્યમોને એ પ્રગટ કરવાનો અધિકાર નથી. એમણે આ બહું ખોટું કર્યું છે. એમની આવી વર્તણૂકથી  હું ખૂબ અપમાનીત થઈ છું.
રાધે માના બેન્ક ખાતામાં માત્ર ૧૦ લાખ રૃપિયા છે!
કરોડો-અબજો નહીં, માત્ર કેટલાંક લાખની સંપત્તિ હોવાનો દાવો  કપડાં અને મેક-અપ પણ ભક્તો આપતા હોવાનું જણાવ્યું

દહેજ અને અશ્લીલ આરોપનો સામનો કરી રહેલી રાધે મા પાસે કરોડો-અબજો રૃપિયાની સંપત્તિ હોવાની ચર્ચા છે. જો કે ખુદ રાધે માએ જણાવ્યું છે કે એના બૅન્કના ખાતામાં ૧૦ લાખથી વધુ રૃપિયા નથી. સીબીઆઈ પણ આની તપાસ કરી શકે છે. રાધે માને મોંઘા કપડા પહેરવાનો જબરો શોખ હોવાનું કહેવાય છે. આ કપડાં પોતાના ભક્તો આપતા હોવાનું એણે જણાવ્યું છે.
રાધે મા છેલ્લાં ત્રણ દિવસથી મુંબઈના ધનાઢ્ય વિસ્તાર વાલકેશ્વરમાં આવેલા પોતાના એક ભક્તના ફ્લૅટમાં છે. પોતાની પાસે કરોડો-અબજો રૃપિયાની સંપત્તિ હોવાની વાતો થઈ રહી છે. જે ઉપજાવી કાઢેલી હોવાનું રાધે માએ કહ્યું હતું. પોતાની છબીને નુકસાન પહોંચાડવા માટે કેટલાંક લોકો આવું કરી રહ્યા છે.
રાધે માએ જણાવ્યું હતું કે પોતે કરોડો કે અબજો રૃપિયાની નહીં, પણ માત્ર કેટલાંક લાખો રૃપિયાની માલિક છે. આ સિવાય પોતાની પાસે કોઈ સંપત્તિ નથી. મારા બૅન્કના ખાતામાં ૧૦ લાખથી વધારે રૃપિયા નહીં હોય. મુંબઈ, મહારાષ્ટ્ર કે કોઈ પણ રાજ્યની પોલીસની સાથે સીબીઆઈ પણ આની ચકાસણી કરી શકે છે.
રૃપિયાની સાથે રાધે મા કાયમ મોંઘા કપડામાં દેખાતી હોવાથી આટલા રૃપિયા એની પાસે આવે છે ક્યાંથી એવો સવાલ લોકો પૂછી રહ્યા છે.
આ સવાલના જવાબમાં રાધે માએ જણાવ્યું હતું કે હું ક્યારેય મારા કપડા ખરીદતી નથી. મારા ભક્તો જ મને કપડા ભેંટ આપે છે, જે હું ખુશી ખુશી પહેરું છું.
રાધે માએ એમ પણ જણાવ્યું હતું કે એનો મેક-અપ શુદ્ધાં ભક્તો પ્રેમથી કરી આપે છે એટલે આ શૃંગાર પાછળ પણ પોતાને એકેય રૃપિયાનો ખર્ચ નથી કરવો પડતો.
 

Wednesday, 12 August 2015

સંગાકારાને કારકિર્દી દરમ્યાન શ્રીલંકા વર્લ્ડકપ ના જીતી શક્યું તેનો વસવસો

સંગાકારા વિદેશમાં વધુ સફળતા ઇચ્છતો હતો

ગયા વર્ષે ઇંગ્લેન્ડને તેઓની ભૂમિ પર હરાવ્યું તે યાદગાર પળ


શ્રીલંકાનો સ્ટાર બેટ્સમેન સંગાકારા પ્રવાસી ભારત સામેની બે ટેસ્ટ રમ્યા પછી ટેસ્ટ ક્રિકેટમાંથી પણ નિવૃત્તિ લઈ લેવાનો છે. સંગાકારાએ કહ્યું કે તેની લગભગ દોઢ દાયકાની કારકિર્દી તેને ખૂબ જ સંતોષ છે પણ તે તેની કારકિર્દી દરમ્યાન તે શ્રીલંકાને વન-ડેની વર્લ્ડકપ ચેમ્પિયન ટીમ બનતા જ જોઈ શક્યો તેનો તેને રંજ છે.
સંગાકારાએ યાદ કર્યું હતું કે બે વખત શ્રીલંકાને વર્લ્ડ ચેમ્પિયન બનવાની તક હતી પણ તેઓ તેમ નહતા કરી શક્યા. શ્રીલંકા એક જ વખત ૧૯૯૬માં વર્લ્ડ ચેમ્પિયન બન્યું હતું ત્યારે સંગાકારા શ્રીલંકાની ટીમમાં નહતો.
સંગાકારાને ભારત અને ઓસ્ટ્રેલિયામાં ટેસ્ટ ઝડપી નથી જીતી શક્યા તેનો રંજ છે. તે માને છે કે શ્રીલંકાએ વિદેશની ભૂમિ પર વધુને વધુ જીતવું જોઈએ.
ઇંગ્લેન્ડને તેની ગયા વર્ષે સૌપ્રથમ વખત ૧-૦થી ટેસ્ટ શ્રેણીમાં હરાવ્યું તેને તેની કારકિર્દીની શ્રેષ્ઠ પળ માને છે.
૨૦૦૬ના ઇંગ્લેન્ડના પ્રવાસમાં શ્રીલંકાએ ૧-૧થી ટેસ્ટ શ્રેણી ડ્રો કરીને વન-ડે શ્રેણી ૫-૦થી જીતી હતી તે પણ ગૌરવપ્રદ પળ ગણે છે.
સંગાકારાએ જણાવ્યું કે તે તો ઓસ્ટ્રેલિયામાં રમાયેલા વર્લ્ડ કપ બાદ તરત જ ટેસ્ટ ક્રિકેટમાંથી પણ સાથે સાથે જ નિવૃત્તિ જાહેર કરવાનો હતો પણ શ્રીલંકન બોર્ડે તેને કારકિર્દિ લંબાવવા વિનંતી કરી હતી. સંગાકારાએ ટેસ્ટ અને વન-ડેમાં ૨૮૦૦૦થી વધુ રન અને કુલ ૬૩ સદી ફટકારી છે.

બ્રેડમેનને રમતા જોયા નથી, પણ સંગાકારાએ પ્રેરણા આપી

શ્રીલંકન કેપ્ટન મેથ્યૂસે સંગાકારાના વખાણ કર્યા


ભારત સામેની શરુઆતની બે ટેસ્ટ રમીને નિવૃત્તિ લેવા જઇ રહેલા શ્રીલંકાના લેજન્ડરી બેટ્સમેન સંગાકારાના વર્તમાન ટેસ્ટ કેપ્ટન મેથ્યૂસે ભારોભાર વખાણ કરતાં તેની તુલના ક્રિકેટ ઇતિહાસના મહાનતમ બેટ્સમેન સર ડોન બ્રેડમેન સાથે કરી હતી. મેથ્યૂસે કહ્યું હતુ કે, સર ડોન બ્રેડમેનને મેં બેટીંગ કરતાં જોયા નથી, પણ સંગાકારાની રમતે મને સતત પ્રેરણા આપી છે. તેના જેવો સાતત્યભર્યો દેખાવ કરનારો કોઇ બેટ્સમેન મેં મારી કારકિર્દી દરમિયાન જોયો નથી.
શ્રીલંકાના ટેસ્ટ કેપ્ટન મેથ્યૂસે કહ્યું કે, છેલ્લા ૧૫ વર્ષથી સંગાકારાએ જે પ્રકારે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પર્ફોમન્સ આપતાં શ્રીલંકાને ગૌરવ અપાવ્યું છે, તે માટે અમે તેનો આભાર માનીએ તેટલો ઓછો છે. મેં જોયેલા સાતત્યભર્યા બેટ્સમેનોમાં તે સૌથી મોખરે છે. મને તેની પાસેથી ઘણું બધુ શીખવા મળ્યું છે. તે હંમેશા મારા જેવા યુવા ક્રિકેટરોને સલાહ-સૂચન આપવા તેમજ મદદ કરવા માટે તૈયાર જ રહેતો હોય છે. તેની હાજરીથી અમને બધાને ખુબ જ પ્રેરણા મળી છે.
મેથ્યૂસે કહ્યું કે, અમે બધા ભારત સામેની શ્રેણીમાં યાદગાર દેખાવ કરીને સંગાકારાને વિદાય વેળાએ વિજયની ભેટ આપવા માટે ઉત્સક છું. અમારી ટીમની આજે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં જે કોઇ શાખ છે તેના પાયામાં સંગાકારા, જયવર્દને, સમરવીરા અને દિલશાન જેવા ખેલાડીઓનું પર્ફોમેન્સ રહેલું છે. હવે અમારે શ્રીલંકન ક્રિકેટની ગરીમા જાળવવાની છે અને તેને આગળ ધપાવવાની છે.

આજથી ભારત અને શ્રીલંકા વચ્ચે પ્રથમ ટેસ્ટ

સંગાકારાને ફેરવેલ સિરિઝમાં વિજયની ભેટ આપવા શ્રીલંકા ઉત્સુક

પાંચ બોલરોની વ્યુહરચના અપનાવવા ભારત કેમ્પની વિચારણા


સવારે ૧૦.૦૦ વાગ્યાથી મેચ શરુ થશે
આવતીકાલથી ભારત અને શ્રીલંકા વચ્ચે ત્રણ ટેસ્ટની શ્રેણીનો પ્રથમ મુકાબલો શરુ થશે, ત્યારે બધાની નજર વિદાય લઈ રહેલા શ્રીલંકાના લેજન્ડરી બેટ્સમેન સંગાકારા પર રહેશે. યુવા કેપ્ટન કોહલીના માર્ગદર્શન હેઠળ ભારતીય ક્રિકેટ ટીમ વિજય મેળવવા માટે કમર કસી રહ્યું છે. ત્યારે બીજી તરફ શ્રીલંકાની ટીમ તેના લેજન્ડરી બેટ્સમેન સંગાકારાને વિજય સાથે વિદાય આપવા માટે ઉત્સુક છે. ભારતીય સમય પ્રમાણે સવારે ૧૦.૦૦ વાગ્યાથી કોલંબોમાં પ્રથમ ટેસ્ટ મુકાબલો શરુ થશે.
કેપ્ટન કોહલીની આગેવાની હેઠળની ભારતીય ક્રિકેટ ટીમ આવતીકાલની ટેસ્ટમાં પાંચ બોલરોની વ્યુહરચના સાથે રમવા ઉતરશે તે લગભગ નિશ્ચિત મનાય છે. અત્યાર સુધી મોટાભાગે ટીમ ઇન્ડિયાની ટેસ્ટ પ્લેઈંગ ઇલેવનમાં ચાર સ્પેશિયાલીસ્ટ બોલરો જોવા મળતા હતા, પણ કોહલી સહિતનું ટીમ મેનેજમેન્ટ પાંચ સ્પેશિયાલિસ્ટ બોલરોને ટીમમાં સમાવવાની તરફેણમાં છે.
ભારતીય ઓપનર મુરલી વિજય સ્નાયુ ખેંચાઇ જતાં સાઇડલાઇન થઇ ગયો છે, જેના કારણે ઓપનર તરીકે લોકેશ રાહુલની ટીમમાં એન્ટ્રી નિશ્ચિત બની ગઇ છે. લોકેશ રાહુલે ઓસ્ટ્રેલિયા પ્રવાસમાં સદી ફટકારતાં તેની પ્રતિભાનો પરચો દેખાડયો હતો. આ જ કારણે હવે તે અને શિખર ધવન ઓપનિંગ કરશે.
 રોહિત શર્મા ટેસ્ટમાં પોતાની પ્રતિભાને ખાસ ન્યાય આપી શક્યો નથી, પણ તે વન ડેમાં શ્રીલંકાના બોલરો પર હાવી રહી ચૂક્યો છે અને આવી સ્થિતિમાં આવતીકાલે તેને ત્રીજા ક્રમે બેટીંગમાં ઉતારવા પસંદ કરવામાં આવી શકે છે.
ત્યાર બાદ કેપ્ટન કોહલી અને રહાણેનું સ્થાન નિશ્ચિત લાગી રહ્યું છે, આવી સ્થિતિમાં સૌરાષ્ટ્રના ધરખમ બેટ્સમેન પૂજારાને કમબેક માટે હજુ પણ રાહ જોવી પડી શકે છે. ભારતીય બેટીંગલાઇનઅપ શ્રીલંકાના ઓછા અનુભવી બોલરો પર પ્રભુત્વ જમાવશે તે લગભગ નિશ્ચિત મનાય છે.
શ્રીલંકાને તાજેતરમાં જ ઘરઆંગણે પાકિસ્તાન સામે નાલેશીભરી શ્રેણીની હારનો સામનો કરવો પડયો છે, જેના કારણે ભારતની ટીમ પણ જીત મેળવવા માટે અતિ ઉત્સાહિત છે.
 હરભજન અને અશ્વિનની જોડી સ્પિન ડિપાર્ટમેન્ટમાં નિશ્ચિત જ મનાય છે. જ્યારે ફાસ્ટ બોલરોમાં ઇશાંતની સાથે સાથે ઉમેશ યાદવ પણ નક્કી જેવો જ છે. જો કે આરોન અને ભુવનેશ્વર કુમાર વચ્ચે ટીમમા સ્થાન મેળવવા માટેની સ્પર્ધા ચાલી રહી છે.
બીજી તરફ શ્રીલંકાની ટીમ પાકિસ્તાન સામેની હાર બાદ ફરી બેઠી થવાની તૈયારીમાં છે. શ્રીલંકાના સિનિયર બેટ્સમેન સંગાકારાની આ ફેરવેલ સિરિઝ છે, જેના કારણે કેપ્ટન મેથ્યૂસ સહિતના ખેલાડીઓ તેને વિજયની ભેટ આપવા માટે ઉત્સુક બન્યા છે. શ્રીલંકાની ટીમ  બેટ્સમેનોના કંગાળ પર્ફોમન્સને કારણે પરેશાન છે. આવતીકાલની મેચમાં કુશલ સિલ્વાની સાથે કરુણારત્ને ઓપનિંગ કરશે તે લગભગ નક્કી મનાય છે, તેની સાથે સાથે થારંગા, ચાંદીમલ અને જેહાન મુબારક પણ ટીમમાં સ્થાન મેળવવા માટેના દાવેદાર છે.
ભારત (સંભવિત) ઃ એલ.રાહુલ, ધવન, રોહિત સર્મા, કોહલી (કેપ્ટન), રહાણે, સહા (વિકેટકિપર), આર.અશ્વિન, હરભજન, ઇશાંત શર્મા, આરોન, યાદવ.
શ્રીલંકા (સંભવિત) ઃ કે.સિલ્વા, કરુણારત્ને, સંગાકારા, થારંગા, મેથ્યૂસ (કેપ્ટન), ચાંદિમલ (વિકેટકિપર), મુબારક, ડી.પ્રસાદ, ટી.કુશલ, હેરાથ, એન.પ્રદિપ.
ભારતને ૨૨ વર્ષ બાદ શ્રીલંકાની ભૂમિ પર પ્રથમ ટેસ્ટ શ્રેણી વિજયની તલાશ
કોહલીની કેપ્ટન્સી હેઠળની ભારતીય ક્રિકેટ ટીમને શ્રીલંકાની ભૂમિ પર ૨૨ વર્ષ બાદ દ્વિપક્ષિય ટેસ્ટ શ્રેણી જીતવાની તક છે. નોંધપાત્ર છે કે ટીમ ઈન્ડિયા છેલ્લે શ્રીલંકાની ભૂમિ પર ૧૯૯૩માં દ્વિપક્ષિય ટેસ્ટ શ્રેણી જીતવામાં સફળ રહી હતી.
૧૯૯૩માં ભારતે શ્રીલંકાના પ્રવાસમાં ત્રણ ટેસ્ટની શ્રેણીમાં ૧-૦થી જીત મેળવી હતી. મોહમ્મદ અઝહરુદ્દિનની કેપ્ટન્સી હેઠળની ભારતીય ટીમે ૨૭ જુલાઇથી ૧ ઓગસ્ટ દરમિયાન રમાયેલી શ્રેણીની બીજી ટેસ્ટમાં ૨૩૫ રનથી શ્રીલંકાને કચડયું હતુ, જેમાં વિનોદ કામ્બલી (૧૨૫)એ પ્રથમ ઇનિંગમાં અને નવજોત સિધ્ધુ (૧૦૪) અને સચિન તેંડુલકરે (૧૦૪*) બીજી ઇનિંગમાં સદીઓ ફટકારી હતી. બીજી ઇનિંગમાં ઓપનિંગમાં આવેલો મનોજ પ્રભાકર પાંચ રન માટે સદી ચૂક્યો હતો. જ્યારે કુમ્બલેએ પ્રથમ ઈનિંગમાં પાંચની સાથે મેચમાં કુલ ૮ વિકેટ ઝડપી હતી.
જો કે ત્યાર બાદ ૧૯૯૭માં યોજાયેલા ભારતના શ્રીલંકા પ્રવાસમાં બંને ટેસ્ટ ડ્રો રહી હતી.
૨૦૦૧માં અને ૨૦૦૮માં રમાયેલી ત્રણ ટેસ્ટની શ્રેણીઓને શ્રીલંકાને ૨-૧ના માર્જીનથી જીતી લીધી હતી. છેલ્લે ૨૦૧૦માં ભારતીય ટેસ્ટ ટીમ શ્રીલંકા ગઇ ત્યારે રમાયેલી ત્રણ ટેસ્ટની શ્રેણી ૧-૧થી ડ્રો રહી હતી.
વરસાદની શક્યતા
શ્રીલંકામાં હાલ વરસાદી મૌસમ ચાલી રહી છે. ગોલમાં આવતીકાલે રમાનારી ટેસ્ટમાં પણ વરસાદની શક્યતા છે. જો કે હવામાન ખાતાએ કરેલી આગાહી અનુસાર છુટો છવાયો વરસાદ થઇ શકે છે, જેના કારણે આખા દિવસની રમતમાં વિધ્ન આવે તેવી શક્યતા ખુબ જ ઓછી છે. ગોલની પીચ પરંપરાગત છે અને જેમ જેમ મેચ આગળ વધશે તેમ તેમ તે સ્પિનરોને વધુ મદદગાર બનતી જશે તેમ મનાય છે.

ચાલુ વર્ષે ૨૬ જુલાઇ સુધીમાં પાક.નો જમ્મુ-કાશ્મીર સરહદે ૧૯૨ વખત શસ્ત્રવિરામ ભંગ

- માર્યા જતા લોકોના પરિવારોને રાજ્યની સહાય ઉપરાંત રૃા. પાંચ લાખ આપવા વિચારણા

- ૨૦૧૩માં શસ્ત્રવિરામના ભંગની ૧૪૮ જ્યારે ૨૦૧૨માં માત્ર ૨૧ ઘટનાઓ બની હતી


સીમા પારના ગોળીબારમાં માર્યા જતા લોકોના પરિવારોને રાજ્યની સહાય ઉપરાંત રૃા. પાંચ લાખ આપવા વિચારણા
પાકિસ્તાને ચાલુ વર્ષે ૨૬ જુલાઇ સુધીમાં જમ્મુ-કાશ્મીરમાં આંતરરાષ્ટ્રીય સરહદે ૧૯૨ વખત શસ્ત્રવિરામનો ભંગ કર્યો હોવાનું સરકારે આજે લોકસભામાં જણાવ્યું હતું.  કેન્દ્રીય ગૃહ રાજ્યપ્રધાન હરિભાઇ ચૌધરીએ એક પ્રશ્નના લેખિત ઉત્તરમાં એમ પણ કહ્યું હતું કે સીમા પારના ગોળીબારમાં માર્યા જતા લોકોના પરિવારોને રાજ્ય સરકાર દ્વારા અપાતી સહાય ઉપરાંત પાંચ લાખ રૃપિયાની સહાય આપવાની કેન્દ્ર સરકારની વિચારણા છે.  આ વર્ષે ૨૬ જુલાઇ સુધીમાં પાકિસ્તાને ૧૯૨ વખત કરેલા શસ્ત્રવિરામ ભંગમાં ત્રણ નાગરિકોનું તથા બીએસએફના એક જવાનનું મોત થયું હતું જ્યારે અન્ય ૨૨ જણાં ઇજાગ્રસ્ત થયા હતા. તદુપરાંત, ૭,૧૧૦ લોકો હંગામી ધોરણે અસરગ્રસ્ત થયા હતા જ્યારે ૫૦ ઘરોને નુકસાન પહોંચ્યું હતું.  હરિભાઇએ ઉમેર્યું હતું કે ગત વર્ષે પાકિસ્તાને ૪૩૦ વખત શસ્ત્રવિરામનો ભંગ કર્યો હતો, જેમાં ૧૨ નાગરિકો અને બીએસએફના બે જવાન મળીને કુલ ૧૪ જણાં માર્યા ગયા હતા તથા ૨.૦૮ લાખ લોકો અસરગ્રસ્ત થયા હતા. ૨૦૧૩માં શસ્ત્રવિરામના ભંગની ૧૪૮ જ્યારે ૨૦૧૨માં માત્ર ૨૧ ઘટનાઓ બની હતી.

કરોડો રૂપિયાનો માલ ભરેલી એક માલગાડી 17 દિવસથી ગુમ, ક્યા છે કોઈને ખબર નથી

 27 જુલાઈએ આ માલગાડી મુદ્રા પોર્ટ માટે જોધપુરથી રવાના થઈ હતી

- એક એક્સપોર્ટરની ફરિયાદ બાદ માલગાડીને શોધવાનું કામ શરુ થયું


સૂર્યનગરીથી રવાના થયેલી એક માલગાડી છેલ્લા 17 દિવસથી ગાયબ છે. આ માલગાડીમાં 90 કંટેનર છે, જેમાં અંદાજે 9 કરોડ રૂપિયાનો માલ છે. જોધપુરથી આ માલગાડી 27 જુલાઈએ મુદ્રા પોર્ટ માટે રવાના થઈ હતી, જે ત્રણ દિવસ બાદ પહોંચવાની હતી. પરંતુ હજુ સુધી એ જાણ થઈ નથી કે આ માલગાડી ક્યા છે. હાલ બે ઓગસ્ટે ઓનલાઈન સ્ટેટસમાં એ જાણ થઈ છે કે ટ્રેન અમદાવાદમાં છે.
જોધપુરનાં એક્સપોર્ટરે 14 જુલાઈએ કંટેનર નોંધાયું હતું. જેને 27 જુલાઈની ટ્રેનથી રવાના કરવામાં આવ્યું. 30 જુલાઈ સુધી કંટેનર ન પહોંચ્યુ તો તેઓએ કોનકોર ડેપોમાં ફરિયાદ કરી. ત્યા જાણ થઈ કે દસ દિવસથી ટ્રેનનું સ્ટેટસ અમદાવાદ જ છે, પરંતુ જાણ થઈ છે કે ટ્રેન ત્યા પણ નથી.
ત્યારે એક્રપોર્ટરની ફરિયાદ બાદ માલગાડીને શોધવાનું કામ શરુ થયું. અધિકારીઓનું કહેવું છે કે, વરસાદનાં કારણે ટ્રેન લેટ થઈ છે. સામાન્ય રીતે 12 કલાક બાદ માલગાડીનો ડ્રાઈવર બદલાય છે પરંતુ જે ચાલક આ ટ્રેનને લઈને ગયો હતો, તે પણ પાછો આવી ગયો છે. તેનું કહેવું છે કે, તેણે માલગાડીને બીજા જોનનાં ડ્રાઈવરનાં હવાલે કરી દીધી હતી.

Monday, 10 August 2015

સપ્તાહનાં પ્રારંભે શેરબજારમાં તેજીનો માહોલ

 સેન્સેક્સ 138ના વધારા સાથે 28372ની સપાટીએ


ભારતીય શેરબજારમાં સપ્તાહનાં પ્રથમ કામકાજનાં દિવસે સારી તેજી જોવા મળી રહી છે. દેશનો પ્રમુખ ઈન્ડેક્સ સેનસેક્સ અને નિફ્ટીમાં 0.50 ટકાનો ઉછાળો જોવા મળ્યો છે. પહેલા કલાકનાં કામકાજ દરમ્યાન સેનસેક્સ 156નાં વધારા સાથે 28392ની સપાટીએ કારોબાર કરી રહ્યો હતો. જ્યારે  નિફ્ટી 49 અંકોનાં વધારા સાથે 8614ની સપાટીએ કારોબાર કરી રહ્યો હતો.
આ લખાય છે ત્યારે બીએસઈના 30 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ 138.59 અંક મતલબ 0.48%ની મજબૂતી સાથે 28372.98ની સપાટી પર કારોબાર કરી રહ્યો છે. જ્યારે બીજી તરફ એનએસઈના 50 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ નિફ્ટી 44.85 અંક એટલે કે 0.52%ના વધારા સાથે 8609.45ની સપાટી પર કારોબાર કરી રહ્યા છે.
સવારે 10 વાગ્યે કામકાજ દરમ્યાન બંન્ને મિડકેપ અને સ્મોલકેપ શેરોમાં સારી ખરીદારી જોવા મળી છે. સીએનએક્સ મિડકેપ ઈંડેક્સ 0.84 ટકા વધારા સાથે કારોબાર કરી રહ્યો છે. આ ઉપરાંત બીએસઈ સ્મોલકેપ ઈંડેક્સ 82 અંકોનાં વધારા સાથે 12186ની સપાટીએ છે અને મિડકેપ ઈંડેક્સ 103ના વધારા સાથે 11660ની સપાટીએ કારોબાર કરી રહ્યો છે.

Saturday, 8 August 2015

બ્રહ્મોસ 2 મિસાઈલને ડો.કલામનુ નામ અપાશે

મિસાઈલમેનને સાચા અર્થમાં શ્રધ્ધાંજલિ હશે


ભારત સાચા અર્થમાં પોતાના મિસાઈલમેન અને સ્વર્ગસ્થ પૂર્વ રાષ્ટ્રપતિ ડો.કલામને શ્રધ્ધાંજલિ આપવા માટે જઈ રહ્યુ છે.
ભારત અને રશિયા દ્વારા વિકસાવવામાં આવી રહેલા હાઈપરસોનિક ક્રુઝ મિસાઈલ બ્રહમોસ 2ને ડો.કલામનુ નામ આપવામાં આવશે.આ મિસાઈલ ટેકનોલોજી હાલમાં રશિયા અમેરિકા અને ચીન પાસે જ છે.આ મિસાઈલની ઝડપ અવાજ કરતા પાંચ ગણી હશે અને તે જમીનની અંદર બનાવાયેલા મજબૂત બંકરને પણ તબાહ કરવા માટે સક્ષમ હશે.
હાયપર સોનિક મિસાઈલ અબ્દુલ કલામનુ સ્વપ્ન હતુ.હાલમાં વિકસીત કરાઈ રહેલુ બ્રહ્મોસ 2 ચાર પાંચ વર્ષમાં રેડી થઈ જશે.
હાલમાં સેનામાં જે બ્રહ્મોસ શામેલ છે તેની ઝડપ પ્રતિ કલાક 290 કીલોમીટર છે.જ્યારે બ્રહમોસ 2 મિસાઈલ પ્રતિ કલાક 6125 કીલોમીટરની ઝડપ સાથે દુશ્મનને તબાહ કરવા લોન્ચ થઈ શકશે.
ડો.કલામ જ્યારે ડીઆરડીઓ પ્રમુખ હતા ત્યારે જ ભારત અને રશિયા વચ્ચે બ્રહ્મોસ મિસાઈલનુ નિર્માણ કરવા માટેના કરાર થયા હતા.