Friday, 14 August 2015

સેન્સેક્સમાં ૫૧૮ પોઇન્ટનો ઊછાળો રૃપિયામાં મંદ ગતિએ સુધારો

ડોલર સામે રૃપિયો ૧૦ પૈસા વધીને ૬૫ ઃ માર્કેટ કેપ.માં રૃા. ૧.૮૦ લાખ કરોડનો વધારો


હોલસેલ ફુગાવાના નીચા આંક, જીએસટી બિલ માટે સરકારી કવાયત તેમજ સરકારી બેંકો માટે જાહેર કરાયેલી ખાસ યોજનાના અહેવાલો પાછળ મુંબઈ શેરબજાર ખાતે ચોમેરથી નીકળેલી નવી લેવાલીએ સેન્સેક્સમાં ૫૧૮ પોઇન્ટનો ઉછાળો નોંધાયો હતો તો બીજી તરફ અમેરિકન ડોલર સામે રૃપિયામાં ધીમો સુધારો નોંધાયો હતો.
સંસદનું ચોમાસુ સત્ર પૂર્ણ થયા પછી પણ જીએસટી બિલ મંજૂર કરવા સરકારે આપેલા સંકેતો, હોલસેલ ફુગાવો ઘટીને માઇનસ ૪.૦૫ ટકા રહેવાના અહેવાલો તેમજ આર્થિક સુધારાના ભાગરૃપે સરકાર દ્વારા જાહેર ક્ષેત્રની બેંકોના પુનરૃત્થાન માટે ખાસ યોજના જાહેર કર્યાના અહેવાલોની બજાર પર સાનુકૂળ અસર થવા પામી હતી.
મુંબઈ શેરબજાર ખાતે આજે કામકાજનો પ્રારંભ મક્કમ ટોને થયા બાદ ઉપરોક્ત અહેવાલો પાછળ નીકળેલી નવી લેવાલીએ સુધારાની ચાલ વેગીલી બની હતી અને કામકાજના અંતે સેન્સેક્સ ૫૧૭.૭૮ પોઇન્ટ ઉછળીને પુનઃ ૨૮૦૦૦ની સપાટી કુદાવીને ૨૮૦૬૭.૩૧ની સપાટીએ મજબૂત રહ્યો હતો.
બીજી તરફ એન.એસ.ઇ. ખાતે પણ નીકળેલ નવી લેવાલીના પગલે નિફ્ટી આંક પણ ૧૬૨.૭૦ પોઇન્ટ ઉછળીને ૮૫૧૮.૫૫ની સપાટીએ મજબૂત રહ્યો હતો. સેન્સેક્સના ઉછાળાના પગલે આજે બી.એસ.ઇ.ના માર્કેટ કેપિટલાઇઝેશનમાં રૃા. ૧.૮૦ લાખ કરોડનો વધારો થતા તે રૃા. ૧૦૪.૪૪ લાખ કરોડ રહ્યું હતું.
વિદેશી હુંડિયામણ બજારમાં આજે રૃપિયાની સાત દિવસની નરમાઈ તરફી ચાલમાં રૃકાવટ આવી હતી. ચીન દ્વારા યુઆનનું ડીવેલ્યુએશન અટકાવ્યાના અહેવાલો તેમજ બેંકો અને આયાતકારો દ્વારા ડોલરમાં હાથ ધરાયેલ વેચવાલીના દબાણે ડોલર સામે રૃા. ૧૦ પૈસા વધીને ૬૫.૦૦ના મથાળે બંધ રહ્યો હતો.

1 comment: