ગયા મહિને ૭.૯ના ભૂકંપમાં તબાહ થયેલા દેશ પર કુદરતનો કાળો કેર
૨૫ એપ્રિલે આવેલા ૭.૯ની તીવ્રતાના વિનાશકારી ભૂકંપમાં તબાહ થયેલા નેપાળ પર કુદરત ફરી રૃઠી હોય તેમ આજે બપોરે ૧૨.૩૫ કલાકે નેપાળમાં ૭.૩ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો આવ્યો હતો અને ત્યાર બાદ દોઢ કલાકમાં ૯ આફ્ટરશોક અનુભવાયા હતા. કુદરતની આ કારમી થપાટ બાદ નેપાળવાસીઓ ભયથી થર થર કાંપી રહ્યા છે.
ગયા મહિનાના ભૂકંપમાં સર્વસ્વ ગુમાવ્યા બાદ ખુલ્લા આકાશ નીચે રહેવા મજબૂર ઘણા અસરગ્રસ્તો આજના આંચકા બાદ રડી પડયા હતા. આજના ભૂકંપમાં ૭૦ જણાંનાં મોત થયા હતા અને ૧,૧૧૭ લોકો ઘાયલ થયા હતા. જાનમાલનું સૌથી વધુ નુકસાન કાઠમંડુની ઉત્તર-પૂર્વમાં આવેલા અંતરિયાળ પર્વતાળ જિલ્લાઓમાં થયું હતું. આ આંચકા ભારત, ચીન અને અફઘાનિસ્તાન જેવા ભારતીય ઉપખંડના અન્ય દેશોમાં પણ અનુભવાયા હતા.
યુએસ જિઓલોજિકલ સર્વે (યુએસજીએસ)ના જણાવ્યાનુસાર આજના ભૂકંપનું કેન્દ્રસ્થાન કાઠમંડુથી પૂર્વમાં ૮૩ કિ.મી. દૂર માઉન્ટ એવરેસ્ટ નજીક ૧૫ કિ.મી.ની ઊંડાઇએ હતું. એજન્સીએ અગાઉ ભૂકંપની તીવ્રતા ૭.૪ની જણાવી હતી પરંતુ બાદમાં સુધારીને ૭.૩ કરી હતી.
ગત મહિનાના ભૂકંપથી સૌથી વધુ અસરગ્રસ્ત દોલખા અને સિંધુપાલચોક જિલ્લાઓમાં આ વખતે પણ ભારે તારાજી સર્જાઇ છે. એકલા દોલખામાં જ ૧૯ મોત થયાના અહેવાલ છે જ્યારે કાઠમંડુમાં ૬ ઇમારતો ધરાશાયી થઇ હતી. ૭.૩ના આંચકાની ત્રીસેક મિનિટ બાદ ૬.૩નો આફ્ટરશોક અનુભવાતાં લોકોમાં ભારે ગભરાટ વ્યાપી ગયો હતો.
કાઠમંડુનું ત્રિભુવન ઇન્ટરનેશનલ એરપોર્ટ સત્તાવાળાઓએ થોડા સમય માટે બંધ કર્યું હતું અને કાઠમંડુની ફ્લાઇટ્સ ડાઇવર્ટ કરી હતી. દરમિયાન, ૨૫ એપ્રિલના ભૂકંપના ૧૦ દિવસ બાદ નેપાળે ભારત સહિત તમામ દેશોની રેસ્ક્યૂ ટીમોને પાછા ફરવા જણાવ્યું હોવાના કારણે આ વખતે ભારતે નેપાળ દ્વારા મદદ માગવામાં ન આવે ત્યાં સુધી કોઇ રેસ્ક્યૂ ટીમ નહીં મોકલવાનું નક્કી કર્યું છે.
નેપાળમાં દોઢ કલાકમાં ૯ આંચકા
નેપાળમાં મંગળવારે બપોરે ૧૨.૩૫ કલાકે ૭.૩ની તીવ્રતાના આંચકા બાદ દોઢ કલાકમાં ૯ આફ્ટરશોક અનુભવાયા હતા. ભારતીય હવામાન વિભાગના કહેવા મુજબ ૭.૩નો આંચકો નવો ભૂકંપ નહીં પણ ૨૫ એપ્રિલના ભૂકંપનો આફ્ટરશોક જ છે. આ આંચકા બાદ ૧.૦૪ કલાકે ૫.૪નો અને તેની ત્રણ મિનિટ બાદ ૬.૨નો આફ્ટરશોક આવ્યો હતો. ૨.૦૪ કલાક સુધીમાં બીજા ૬ આફ્ટરશોક અનુભવાયા હતા, જેમની રિક્ટર સ્કેલ પર તીવ્રતા ચારથી પાંચની વચ્ચે નોંધાઇ હતી.
ઉલ્લેખનીય છે કે નેપાળમાં ૨૫ એપ્રિલના ભૂકંપ બાદ અત્યાર સુધીમાં નાના-મોટા ૧૬૦થી પણ વધારે આફ્ટરશોક નોંધાયા છે.
૨૦૦૮માં ચીનમાં ૧૨મી મેના દિવસે જ ભૂકંપે તબાહી સર્જેલી
૧૨ મે, ૨૦૧૫ના દિવસે નેપાળ-ભારતમાં ભૂકંપથી જાનમાલના નુકસાનના બરાબર ૭ વર્ષ અગાઉ ૧૨ મે, ૨૦૦૮ના દિવસે ચીનના સિચુઆન પ્રાંતમાં ૭.૮ની તીવ્રતાના ભૂકંપ તબાહી મચાવી હતી. આ ભૂકંપમાં ૬૯,૧૯૭ લોકો માર્યા ગયા હતા અને ૧૮,૨૨૨ લાપતા થયા હતા. ૪૮ લાખ લોકો બેઘર બન્યા હતા.
એક વાર આવેલા શકિતશાળી ભૂકંપ પછી
ફરી મોટો ભૂકંપ ન આવે એ થિયરી નેપાળમાં ખોટી પડી
૭ ઉપરની તીવ્રતા ધરાવતા બે ભૂકંપ માત્ર ૧૭ દિવસમાં આવ્યા
૨૫ એપ્રિલના ૨૦૧૫ના રોજ ૭.૯ મેગ્નિટયૂડની તિવ્રતા ધરાવતા ભુક્ંપની કળ નેપાળવાસીઓને હજુ વળી નથી ત્યારે નવેસરથી આવેલા ૭.૪ની તિવ્રતાના ભુંકપે નેપાળને ફરી હલાવી દિધું છે. ભૂસ્તર શાસ્ત્રમાં સામાન્ય રીતે એમ માનવામાં આવે છે કે એક વાર શકિતશાળી વિનાશક ભૂકંપ આવે તે પછી એટલી જ તિવ્રતાનો ભૂકંપ ફરીથી આવતો નથી. જો કે પહેલા આવેલા ભુકંપની અસરના કારણે ૨ થી માંડીને ૪ની તિવ્રતાના આફટર શોક અમૂક દિવસો સુધી ચાલું રહે છે. આ આફટર શોક મુખ્ય ભુકંપ આવ્યા પછી પૃથ્વીના પેટાળમાં ચાલ્યા કરતી હલચલના કારણે આવતા હોય છે જે ખાસ જોખમી હોતા નથી.
નેપાળમાં પણ આવેલા શકિતશાળી ભૂકંપ આમ તો ૯૦ વર્ષ પછી આવ્યો હતો. પરંતુ આ વખતે દુનિયાના ભૂકંપની પેટર્ન હિમાલયની ગોદમાં વસેલા નેપાળ માટે ખોટી પડી છે.
૭ મેગ્નીટયૂડ ઉપરની તિવ્રતા ધરાવતા બે ભુકંપ માત્ર ૧૭ દિવસમાં ફરી આવતા ભુસ્તરશાસ્ત્રીઓ માટે પણ સંશોધનનો વિષય બન્યો છે.૧૨ મે ના રોજ બપોરે ૧૨.૩૫ વાગે ૭.૪ ની તિવ્રતાના આવેલા ભૂકંપે નેપાળ, હિમાલય પર્વતીય વિસ્તાર, ઉત્તર ભારત, પાકિસ્તાન, બાંગ્લાદેશ તથા ભૂટાનના વિસ્તારોને પણ આવરી લીધા છે. જેમાં ૬૦ થી પણ વધુ લોકોના મોત થયા છે.આ ભૂકંપનું ક્ેન્દ્ર બિંદુ કાઠમંડુથી ૮૩ કીમી દૂર ચીન સરહદનો ગ્રામીણ વિસ્તાર હતો. જયારે નેપાળમાં ૨૫ એપ્રિલના રોજ પહેલીવાર આવેલા હિમાલયન ભૂકંપનું એપી સેન્ટર નેપાળ કાઠમંડુથી ૮૦ કીમી દૂર આવેલું કોઠારી ગામ હતું.
No comments:
Post a Comment