Thursday, 13 August 2015

મારા અંગત ફોટા પ્રસિદ્ધ કરવાનો માધ્યમોને અધિકાર નથીઃ રાધે મા

 કુંભમેળામાં મારા પ્રવેશ પર કોઈ પ્રતિબંધ નથી

- રાધે માએ પહેલી વાર મોઢું ખોલીને વાત કરી, જાણો શું કહ્યું ઈન્ટરવ્યુમાં...


દહેજ  માટે અત્યાચાર તથા અશ્લીલતાના  આરોપોનો સામનો કરી રહેલી રાધે માએ પહેલી વાર મોઢું ખોલીને વાત કરી છે. એક અંગ્રેજી દૈનિકને આપેલા ઈન્ટરવ્યુમાં એણે પોતાના વિશે ફેલાવાતી વાતોથી માંડીને પોતાને ફરિયાદી નિક્કી ગુપ્તાને મળી પણ ન હોવાનો દાવો કરવા સુધીની વાતો કરી છે. રાધે મા પોતે કોઈ સાથે વાત નથી કરતી, પણ પોતાના શિષ્ય સંજીવ ગુપ્તાના માધ્યમથી વાત કરી છે. પ્રસ્તુત છે આ ઈન્ટરવ્યૂના કેટલાંક અંશઃ
નિક્કી ગુપ્તાએ આરોપ કર્યો છે કે તમારા કહેવાથી એને દહેજ માટે સાસરિયા સતાવતા હતા. શું કહો છો?
આ આરોપ તદ્દન પાયાવિહીન છે. હું આ મહિલાને જાણતી જ નથી. મને આ કેસની ખબર નથી અને એ પણ જાણ નથી કે એ શરૃ ક્યારે થયો. હું સ્પષ્ટપણે કહું છું કે આમાં મારી કોઈ ભૂમિકા નથી.
તો તમે એન્ટીસિપેટરી જામીન મેળવવા અરજી કરી છે?
તમે આ વિશે મારા વકીલ સાથે વાત કરી શકો છો. (આ વાતચીત દરમ્યાન રાધે માનોશિષ્ય સંજીવ ગુપ્તા હાજર હતો. એણે કહ્યું કે રાધે માને જામીન મેળવવાની જરૃર નથી. આમ છતાં, અમે ગિરીશ કેડિયા અને હર્ષદ પાંડાનો સંપર્ક કરી રહ્યા છીએ.)
તમને આધ્યાત્મિકતામાં ક્યારે રસ પડયો? મુંબઈ કેવી રીતે પહોંચ્યા?
મને ૨૫ વર્ષથી ભક્તિમાં રસ જાગ્યો છે. એ સમયે હું ઈશ્વરની ભક્ત હતી અને આજેય છું. વાત પુરી.
તમારો એમએમ મીઠાઈવાલા ગુપ્તા પરિવાર સાથે શો સંબંધ છે?
(સંજીવ ગુપ્તા વચ્ચે બોલે છે) હું રાધે માને ૧૩ વર્ષ પહેલાં મળ્યો હતો. ત્યારથી હું એમનો ભક્ત છું. જેમ લોકોને ગુરુ હોય છે એવી જ રીતે રાધે મા મારા ગુરુ છે. આ સિવાય અમારી વચ્ચે બીજો કોઈ સંબંધ નથી.
તમારા સેલિબ્રિટી ભક્તો કોણ છે?
હું પોતે સેલિબ્રિટી છું. બાકી, હું મારા બધા ભક્તોને એકસમાન ગણું છું. મારી પાસે જે કોઈ આવે છે એ માત્ર ભક્ત હોય છે, નાના કે મોટા નથી હોતા. તમામ એકસરખા છે મારા દરબારમાં.
ભક્તો તમને દુર્ગાદેવીનો અવતાર માને છે. તમે શા માટે દુર્ગા દેવી જેવા કપડાં અને હાથમાં ત્રિશૂળ શા માટે ધારણ કરો છો?
ત્રિશૂળ હિન્દુની ઓળખ છે. હું હિન્દુ ધર્મમાં માનું છું એટલે એ ધારણ કરું છું. મારા શણગારમાં પણ કંઈ વાંધાજનક નથી. દુર્ગા માતાના વસ્ત્રો સાથે એને સરખાવી ન શકાય. મારા ભક્તો મને જે પહેરાવે છે-શણગાર કરે છે એ હું ધારણ કરું છું.
સમાધિ અવસ્થામાં હો ત્યારે તમારા મગજમાં શું ચાલતું હોય છે?
આવા સમયે હું દુનિયાથી દૂર ધ્યાનમાં સરી પડું છું. આવી અવસ્થામાં મારા મગજમાં માત્ર ને માત્ર ઈશ્વર હોય છે.
ભક્તો તમને શા માટે ઊંચકે છે?
કોણે કહ્યું કે ભક્તો મને ઊંચકે છે? એક વખત હું ખૂબ થાકી ગયેલી ત્યારે મારા પુત્રે મને ઊંચકી હતી. મા થાકી જાય છે પ્રવચન કર્યાં બાદ.
તમારા પર કુંભના મેળામાં જવા પર પ્રતિબંધ મૂકાયો છે?
કોઈ પ્રતિબંધ નથી. હું ગમે ત્યારે કુંભના મેળામાં જઈ શકું છું. કુંભના મેળાના આયોજકોએ આમ કર્યું હોવાની મને જાણ નથી. તમારી પાસે કોઈ પુુરાવો હોય તો મને દેખાડો.
તમને ૨૦૧૨માં મહામંડલેશ્વરના પદ નિયુક્ત કરાયા ત્યારથી આનો વિવાદ શરૃ થયો છે
આવો કોઈ વિવાદ છે જ નહીં. ભૂતકાળમાં અનેક કુંભમેળામાં હું હાજર રહી હતી. હું હિન્દુ છું એટલે દરેક હિન્દુને કુંભમાં જવાનો અધિકાર છે.
તમારી ખર્ચાળ જીવનશૈલીનો સાધુઓ વિરોધ કરી રહ્યા છે?
ખર્ચાળ જીવનશૈલી એટલે શું? મારી પાસે તો સારું કહી શકાય એવું બૅન્ક બૅલેન્સ પણ નથી. મારા અકાઉન્ટમાં ૮થી ૧૦ લાખ રૃપિયા છે. તમે આની સીબીઆઈ દ્વારા તપાસ કરાવી શકો છો. મને ખાતરી છે કે એમને આ સિવાય કંઈ જ નહીં મળે. તમે મારા પોશાકની વાત કરો છો તો હું એટલું કહીશ કે ભક્તો મને જેવા કપડા પહેરાવે છે એ પહેરું છું. મને આમાં કંઈ ખોટું નથી લાગતું.
તમારા પર આરોપ છે કે તમે સન્યાસ દીક્ષા નથી લીધી કે વિજય હોમ પણ નથી કર્યો
મેં સન્યાસ દીક્ષા લીધી છે. જ્યાં સુધી મારા પૂર્વના જીવન વિશેની વાત છે તો કહીશ કે હું આજેય મારા પરિવારના સંપર્કમાં છું. આમાં ખોટું શું છે?
ઈન્ટરનેટ પર તમારા ટૂંકા સ્કર્ટવાળા ફોટા ફરી રહ્યા છે એ વિશે શું કહો છો?
હું મારા ભક્તોના પરિવાર સાથે એક ટ્રીપ પર ગઈ હતી, જે મારી બહુ જ નજીક છે. એમણે મને આ કપડા આપ્યા હતા અને હું એ પહેરું એવો આગ્રહ કર્યો હતો. આ કપડામાં કંઈ જ ખોટું નથી અને એ જરાય અશ્લીલ નથી. તમને કોણે કહ્યું કે સાધુ અને સાધ્વીએ આવા કપડા ન પહેરવા જોઈએ? હું મારા ભક્તોનું સાંભળું છું. એ ખુશ તો હું ખુશ.
તમારા આ ફોટા લીક કેવી રીતે થયા?
મને ખબર નથી. કદાચ કોઈ મારી છબી ખરાબ કરવા માગે છે. એમણે પ્રસારમાધ્યમોમાં જાણી જોઈને આ ફોટાઓ મોકલ્યા છે. આ મારા અંગત ફોટા છે. આથી પ્રસારમાધ્યમોને એ પ્રગટ કરવાનો અધિકાર નથી. એમણે આ બહું ખોટું કર્યું છે. એમની આવી વર્તણૂકથી  હું ખૂબ અપમાનીત થઈ છું.
રાધે માના બેન્ક ખાતામાં માત્ર ૧૦ લાખ રૃપિયા છે!
કરોડો-અબજો નહીં, માત્ર કેટલાંક લાખની સંપત્તિ હોવાનો દાવો  કપડાં અને મેક-અપ પણ ભક્તો આપતા હોવાનું જણાવ્યું

દહેજ અને અશ્લીલ આરોપનો સામનો કરી રહેલી રાધે મા પાસે કરોડો-અબજો રૃપિયાની સંપત્તિ હોવાની ચર્ચા છે. જો કે ખુદ રાધે માએ જણાવ્યું છે કે એના બૅન્કના ખાતામાં ૧૦ લાખથી વધુ રૃપિયા નથી. સીબીઆઈ પણ આની તપાસ કરી શકે છે. રાધે માને મોંઘા કપડા પહેરવાનો જબરો શોખ હોવાનું કહેવાય છે. આ કપડાં પોતાના ભક્તો આપતા હોવાનું એણે જણાવ્યું છે.
રાધે મા છેલ્લાં ત્રણ દિવસથી મુંબઈના ધનાઢ્ય વિસ્તાર વાલકેશ્વરમાં આવેલા પોતાના એક ભક્તના ફ્લૅટમાં છે. પોતાની પાસે કરોડો-અબજો રૃપિયાની સંપત્તિ હોવાની વાતો થઈ રહી છે. જે ઉપજાવી કાઢેલી હોવાનું રાધે માએ કહ્યું હતું. પોતાની છબીને નુકસાન પહોંચાડવા માટે કેટલાંક લોકો આવું કરી રહ્યા છે.
રાધે માએ જણાવ્યું હતું કે પોતે કરોડો કે અબજો રૃપિયાની નહીં, પણ માત્ર કેટલાંક લાખો રૃપિયાની માલિક છે. આ સિવાય પોતાની પાસે કોઈ સંપત્તિ નથી. મારા બૅન્કના ખાતામાં ૧૦ લાખથી વધારે રૃપિયા નહીં હોય. મુંબઈ, મહારાષ્ટ્ર કે કોઈ પણ રાજ્યની પોલીસની સાથે સીબીઆઈ પણ આની ચકાસણી કરી શકે છે.
રૃપિયાની સાથે રાધે મા કાયમ મોંઘા કપડામાં દેખાતી હોવાથી આટલા રૃપિયા એની પાસે આવે છે ક્યાંથી એવો સવાલ લોકો પૂછી રહ્યા છે.
આ સવાલના જવાબમાં રાધે માએ જણાવ્યું હતું કે હું ક્યારેય મારા કપડા ખરીદતી નથી. મારા ભક્તો જ મને કપડા ભેંટ આપે છે, જે હું ખુશી ખુશી પહેરું છું.
રાધે માએ એમ પણ જણાવ્યું હતું કે એનો મેક-અપ શુદ્ધાં ભક્તો પ્રેમથી કરી આપે છે એટલે આ શૃંગાર પાછળ પણ પોતાને એકેય રૃપિયાનો ખર્ચ નથી કરવો પડતો.
 

No comments:

Post a Comment