ત્રાસવાદને ઉત્તેજન આપતા પાક. જેવા દેશોની ભારત-યુએઇએ સખત ઝાટકણી કાઢી
બન્ને દેશો પાંચ વર્ષમાં વ્યાપાર ૬૦ ટકા સુધી વધારશે
મંત્રણા દરમિયાન દાઉદનો મુદ્દો ચર્ચાયો હતો કે કેમ તે અંગે કંઇ કહેવાનું વિદેશ સચિવે ટાળ્યું
દ્વિપક્ષી સંબંધોને વ્યૂહાત્મક ભાગીદારીની કક્ષાએ લઇ જતાં ભારત અને યુએઇએ અન્ય દેશો વિરુદ્ધ ત્રાસવાદી પ્રવૃત્તિઓને ઉત્તેજન આપતા પાકિસ્તાન જેવા દેશોની સખત ઝાટકણી કાઢી હતી અને ત્રાસવાદના તમામ સ્વરૃપોને વખોડયા હતા. બન્ને દેશોએ પાકિસ્તાન જેવા તમામ દેશોને અન્ય દેશો વિરુદ્ધની ત્રાસવાદી પ્રવૃત્તિઓ બંધ કરવા અને ત્રાસવાદી માળખા નષ્ટ કરી ત્રાસવાદીઓનો સફાયો કરવા આહ્વાન કર્યું હતું.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની યુએઇના શહેજાદા શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહ્યાન સાથે મંત્રણા બાદ ૩૧ મુદ્દાનું જોઇન્ટ સ્ટેટમેન્ટ જારી કરાયું હતું, જેમાં ત્રાસવાદ ઉપરાંત ભારત-યુએઇ વચ્ચે વ્યાપાર સંબંધો વધુ ગાઢ બનાવવા પર પણ ભાર મુકાયો હતો. યુએઇ ભારતમાં તેના રોકાણો વધારીને ૭૫ અબજ ડોલર (પાંચ લાખ કરોડ રૃપિયા)ની સપાટીએ લઇ જવા સંમત થયું હતું. બન્ને દેશો આગામી પાંચ વર્ષમાં દ્વિપક્ષી વ્યાપાર પણ ૬૦ ટકા સુધી વધારશે.
નોંધનીય છે કે ભારત-યુએઇ વચ્ચે ૧૯૭૦ના દાયકામાં વાર્ષિક ૧૮ કરોડ ડોલરનો દ્વિપક્ષી વ્યાપાર થતો હતો, જે આજે વધીને ૬૦ અબજ ડોલરની સપાટીએ પહોંચ્યો છે. ચીન અને અમેરિકા બાદ ભારતનો ત્રીજો સૌથી મોટો વ્યાપાર સાથી યુએઇ છે. ભારત-યુએઇ ત્રાસવાદ-વિરોધી અભિયાનોમાં સહકાર વધારવા, ગુપ્તચર માહિતીનું આદાન-પ્રદાન કરવા તથા કટ્ટરવાદ ડામવા પણ સંમત થયા હતા. યુએઇના શહેજાદા સાથેની મોદીની મંત્રણા દરમિયાન અન્ડરવર્લ્ડ ડોન દાઉદની યુએઇમાં આવેલી સંપત્તિઓનો મુદ્દો ચર્ચાયો હતો કે કેમ? તેવા પ્રશ્નનો સીધો જવાબ આપવાનું વિદેશ સચિવ એસ. જયશંકરે ટાળ્યું હતું.
મોદીએ યુએઇના શહેજાદા સાથે અબુ ધાબીમાં મંત્રણા બાદ યુએઇના વડાપ્રધાન શેખ મોહમ્મદ બિન રાશીદ અલ મક્તુમ સાથે પણ દુબઇમાં વાટાઘાટો કરી હતી.
યુએઇના શહેજાદા સાથેની મોદીની મંત્રણાની સાથે સાથે...
- ભારતમાં ડિફેન્સ ઇક્વિપમેન્ટ્સના ઉત્પાદનમાં સહકાર માટે યુએઇ સંમત.
- બન્ને દેશોના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારો અને રાષ્ટ્રીય સુરક્ષા પરિષદો વચ્ચે સંવાદનો સેતુ ઊભો કરાશે.
- બન્ને દેશોના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારો વચ્ચે દર ૬ મહિને બેઠક યોજાશે.
- યુએઇ-ઇન્ડિયા ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્વેસ્ટમેન્ટ ફંડ થકી યુએઇ ભારતમાં રોકાણો વધારશે.
- શિક્ષણ, વિજ્ઞાાન-ટેક્નોલોજી, અક્ષય ઊર્જા, કૃષિ, ડેઝર્ટ ઇકોલોજી, શહેરી વિકાસ, એડવાન્સ્ડ હેલ્થકેર તથા સ્પેસ ક્ષેત્રે પણ દ્વિપક્ષી સહકાર વધારાશે.
- અબુ ધાબીમાં મંદિરના નિર્માણ માટે જમીન ફાળવવા બદલ તથા સંયુક્ત રાષ્ટ્રોની સલામતી પરિષદના કાયમી સભ્યપદ માટેની ભારતની ઉમેદવારીને સમર્થન બદલ મોદીએ યુએઇના શહેજાદાનો આભાર માન્યો.
No comments:
Post a Comment