Friday, 28 August 2015

સાળંગપુર ના કષ્ટભંજન હનુમાન..

અમદાવાદ જિલ્લાના ધંધુકા તાલુકામાં સાળંગપુર ગામ આવેલું છે. આ ગામમાં કષ્ટભંજન હનુમાનજીની મૂર્તિ આવેલી છે,જે વિક્રમ સંવત ૧૯૦૬ માં (૧૮૫૦ એ.ડી.) સ્વામિનારાયણના સંત ગોપાલાનંદ સ્વામીએ સ્થાપેલી છે. 
         હનુમાનજી સમગ્ર દેશમાં પૂજનીય ભગવાન છે. દ્વાપર યુગથી જ ભગવાન રામના પરમ ભક્ત હનુમાનજીના ઘણાં ભક્તો તેમને નિયમિત ભજે છે. તેમને પવન દેવના પુત્ર તરીકે બધાં પૂજે છે.ચૈત્રી પૂર્ણિમાને દિવસે શિવજીના વરદાનથી અંજલિ માતાને પેટે અવતરેલા હનુમાનજીમાં અમાપ શકિત હતી. તેમણે વેદો,શાસ્ત્રો,લલિતકલાઓ,કંઠસ્થ કરી હતી. કિષ્કિંધા રાજયના રાજા સુગ્રીવના તે મુખ્ય સેનાપતિ હતા.હનુમાનજી વિજેતા રામ સાથે અયોધ્યા ગયા હતા અને ત્યાં જ તેમની ભક્તિ માટે રહી ગયા હતા.હનુમાનજી અગિયાર રુદ્રોમાંના એક છે,જે હંમેશા કથા અથવા તો રામાયણના પાઠ થાય તો હાજર હોય છે.તે રામાયણની કથા સરળતાથી, સહજતાથી, સારી રીતે પતે તે માટે પ્રયત્ન કરતા હોય છે.
         હનુમાનજી શારીરિક ક્ષમતા, વીરતા અને જોશ તથા ઉત્સાહનું પ્રતીક છે. તેઓનું પૌરુષ કે જોશ હંમેશાં સત્યના કામ માટે જ વપરાય છે. તેઓ શકિત,યુકિત અને ભકિતનું પ્રતીક છે. હનુમાનજી પૂર્ણ ભકિતનું સ્વરૂપ છે. હનુમાનજીને ગંભીરતાથી ભજવાથી સહેલાઈથી પ્રસન્ન થાય છે.દરેકે દરેક મંદિરમાં હનુમાનજીનું મંદિર જુદું હોય છે.આ ઉપરાંત વૈષ્ણવો, શૈવસંપ્રદાયના ભકતો,શકિત સંપ્રદાયના ભકતો,સ્વામિનારાયણ,જૈનો અને શીખો પણ હનુમાનજીને દર શનિવારે આકડાનાં ફૂલોની માળા અર્પણ કરીને ભજે છે.જીમ્નેસ્ટિક વ્યાયામનાં સ્થળોમાં હનુમાનજીની પૂજા કરીને રોજનાં કાર્યો શરૂ થાય છે. હનુમાનજીને ભુરખિયા,જાઝડિયા,રૂખડિયા,રોકડિયા,પંચમુખી,નવહાથા હનુમાન તરીકે ઓળખવામાં આવે છે.
        હનુમાનજીનાં બહુ જાણીતાં મંદિરોમાં સાળંગપુર હનુમાનજી ઉપરાંત નીચેનાં મંદિરો જાણીતાં છે. (1) ભાવનગરનું રોકડિયા હનુમાનજીનું મંદિર, (2) ભાવનગર જિલ્લાના અધેવડા ગામનું ઝારખીયા હનુમાનજીનું મંદિર, (3) અમરેલી જિલ્લાનું ભુરખિયા હનુમાનજીનું મંદિર, (4) પોરબંદર પાસેનું રોકડિયા હનુમાનજીનું મંદિર, (5) સાબરકાંઠાનું જિલ્લાનું કાંટાળુ હનુમાનજીનું મંદિર, (6) ખેડા જિલ્લાનું લાંભવેલ હનુમાનજીનું મંદિર, (7) ભરૂચ જિલ્લાનું ઊચેડિયામાં આવેલું ગુમાનદેવ હનુમાન મંદિર, (8) સુરતનું ભીમપોર મંદિર, (9) અમદાવાદ જિલ્લાનું ડભોડાનું હનુમાનજીનું મંદિર,હવે સાળંગપુર હનુમાનજીના મંદિરનો ઇતિહાસ તપાસીએ.
પાશ્વભૂમિકા : –
           સ્વામિનારાયણ સંપ્રદાયના સંતશ્રી સ્વામી સહજાનંદ ઘણુંખરું ગઢડામાં રહેતા હતા તેમણે સંપ્રદાયના વડા તરીકે નિયુકત કરેલા વડતાલના સ્વામી ગોપાલાનંદ વારંવાર વડતાલથી ગઢડા પ્રવાસ વખતે વચ્ચે સાળંગપુરમાં વિશ્વાસ કરતા.સાળંગપુરના સ્વામિનારાયણ ભક્ત દરબાર જીવા ખાચર હંમેશાં સાધુઓની સેવા કરતા,તેમની ભકિત કરતા. સમય જતાં જીવા ખાચર બાદ તેમના પુત્ર વાઘા ખાચરની આર્થિક પરિસ્થિતિ ખરાબ થઈ ગઈ.પરિણામે તે સાધુઓની સેવા કરી શકતા નહીં.સ્વામી ગોપાલાનંદે વાધાને સાળંગપુરાથી પથ્થર લાવવાનું કહ્યું. તેમાં કોલસાથી હનુમાનજીની મૂર્તિ દોરી આપી. વાધાને સ્વામીજીએ એક શિલ્પી બોલાવી લાવવા કહ્યું અને હનુમાનજીની મૂર્તિ કોતરી આપવાનું કહ્યું. સામાન્ય કારીગર પાસે મૂર્તિ કોતરાવી ત્યારબાદ સ્વામીજી મૂર્તિને સાળંગપુર લઈ ગયા. વિક્રમ સંવત 1906ને (1850 એ.ડી.) આસો સુદ પાંચમના રોજ વિદ્વાન બ્રાહ્મણોની મદદથી વ્યવસ્થિત પૂજાવિધિ સાથે આ મૂર્તિની સ્થાપના દરબાર વાધા ખાચરની જમીનમાં કરવામાં આવી. સ્વામી ગોપાલાનંદના મુખ્ય શિષ્ય શુકમુનિએ આરતી કરી. સ્વામી ગોપાલાનંદ મૂર્તિની આંખોમાં આંખો પરોવીને આરતી દરમ્યાન ઊભા રહ્યા.આરતીના પાંચમા રાઉન્ડ બાદ મૂર્તિ હલવા લાગી.લોકોને અને બધાને લાગ્યું કે ઈશ્વરનો આ મૂર્તિમાં વાસ થયો છે.ત્યાર બાદ સ્વામીજીએ તેજનું પ્રત્યાર્પણ કરવાનું બંધ કર્યું અને લોકો ભગવાન સાથે વાત કરી શકે તેવી શકિત પ્રદાન કરી.આમ લોકોનાં દુ:ખ-દર્દો દૂર થવા લાગ્યાં અને સાળંગપુરના ભગવાનનું નામ કષ્ટભંજન પડી ગયું. સ્વામીજીની કુપાથી નાની જગ્યામાં શરૂ થયેલા મંદિરનું વ્યવસ્થિત બાંધકામ વિક્રમ સંવત 1956માં (ઈ.સ. 1900માં ) શરૂ થયું.
 મંદિર :-
           આ મંદિરમાં 25 ફૂટ પહોળો સભામંડપ છે. જેને આરસના પથ્થરથી જડવામાં આવ્યું છે. હનુમાનજીની મૂર્તિ ત્યાં રૂમમાં પ્રસ્થાપિત કરવામાં આવી છે. આ રૂમના બારણા ચાંદીના છે. મૂર્તિની પૂજા બ્રહ્મચારી બ્રાહ્મણ દ્વારા જ કરવામાં આવે છે. મંદિરના ગર્ભગૃહમાં આચાર્ય કે કોઠારીને પ્રવેશ નથી. મંદિરની આસપાસ ખુલ્લી જગ્યા છે. સવારની મંગળા આરતીથી દર્શન શરૂ થાય છે જે બપોરના બાર વાગ્યા સુધી ખુલ્લા રહે છે. ત્યારબાદ બપોરે 4 વાગે આ મંદિર ખૂલે છે અને સાંજે સંધ્યા આરતી બાદ મંદિર બંધ થાય છે.
           બધી જ જાતિના અને ધર્મના લોકો અહીં દર્શન કરવા આવે છે. દેશના જુદા જુદા વિભાગોમાંથી અને રાજયોમાંથી આવેલા ભક્તોની મનની મુરાદ અહીં પૂરી થાય છે. એવું કહેવાય છે કે દુષ્ટાત્માઓ કે પ્રેતાત્માઓથી પીડાતા ભક્તોનો પણ અહીં આવી દર્શન કરવાથી છુટકારો થાય છે. પ્રેતાત્માવાળી વ્યકિત મંદિરના પરિસરમાં પ્રવેશતાં જ મંદિર ધ્રૂજવા લાગે છે. ભગવાનની મૂર્તિ સામે આવતાં જ અને ધૂપનો ધુમાડો તેના શ્વાસમાં જતાં તેમજ હનુમાનજીના મંત્રો ભણતાં જ પ્રેતાત્મા નાસી જાય છે.
           મંદિરની પાસે જ ધર્મશાળા આવેલી છે, જેમાં 50 રૂમો છે. ત્યાં રહેનાર ભક્તોને મફત જમાડવામાં આવે છે. ભક્તોને જે ઈચ્છા હોય તે ભગવાનને આપે. મંદિરના સ્થાનક પાસે જ ગૌશાળાછે. મંદિરની વ્યવસ્થા- કમિટી પાસે 600 એકર જમીન ઈનામમાં મેળલી છે. જેમાં 200 એકરમાં મંદિર તરફથી વાવણી કરી અનાજ ઉગાડવામાં આવે છે.
           સાળંગપુર હનુમાનજીના મંદિર પાસે સ્વામિનારાયણ મંદિર આવેલું છે. આ મંદિર અક્ષર પુરુષોત્તમ સેવા સંસ્થાનનું મંદિર છે.તેમાં સ્વામી સહજાનંદ,સ્વામી યજ્ઞ પુરુષદાસજીની પ્રતિમાઓ છે. સ્વામી સહજાનંદ સ્વામીનાં પગલાં છે.અને અન્ય મંદિર રાધાકૃષ્ણનું મંદિર છે. આમ સાળંગપુર હનુમાનજીના મંદિરનું ઘણું મોટું મહત્વ છે.

No comments:

Post a Comment