Wednesday, 12 August 2015

આજથી ભારત અને શ્રીલંકા વચ્ચે પ્રથમ ટેસ્ટ

સંગાકારાને ફેરવેલ સિરિઝમાં વિજયની ભેટ આપવા શ્રીલંકા ઉત્સુક

પાંચ બોલરોની વ્યુહરચના અપનાવવા ભારત કેમ્પની વિચારણા


સવારે ૧૦.૦૦ વાગ્યાથી મેચ શરુ થશે
આવતીકાલથી ભારત અને શ્રીલંકા વચ્ચે ત્રણ ટેસ્ટની શ્રેણીનો પ્રથમ મુકાબલો શરુ થશે, ત્યારે બધાની નજર વિદાય લઈ રહેલા શ્રીલંકાના લેજન્ડરી બેટ્સમેન સંગાકારા પર રહેશે. યુવા કેપ્ટન કોહલીના માર્ગદર્શન હેઠળ ભારતીય ક્રિકેટ ટીમ વિજય મેળવવા માટે કમર કસી રહ્યું છે. ત્યારે બીજી તરફ શ્રીલંકાની ટીમ તેના લેજન્ડરી બેટ્સમેન સંગાકારાને વિજય સાથે વિદાય આપવા માટે ઉત્સુક છે. ભારતીય સમય પ્રમાણે સવારે ૧૦.૦૦ વાગ્યાથી કોલંબોમાં પ્રથમ ટેસ્ટ મુકાબલો શરુ થશે.
કેપ્ટન કોહલીની આગેવાની હેઠળની ભારતીય ક્રિકેટ ટીમ આવતીકાલની ટેસ્ટમાં પાંચ બોલરોની વ્યુહરચના સાથે રમવા ઉતરશે તે લગભગ નિશ્ચિત મનાય છે. અત્યાર સુધી મોટાભાગે ટીમ ઇન્ડિયાની ટેસ્ટ પ્લેઈંગ ઇલેવનમાં ચાર સ્પેશિયાલીસ્ટ બોલરો જોવા મળતા હતા, પણ કોહલી સહિતનું ટીમ મેનેજમેન્ટ પાંચ સ્પેશિયાલિસ્ટ બોલરોને ટીમમાં સમાવવાની તરફેણમાં છે.
ભારતીય ઓપનર મુરલી વિજય સ્નાયુ ખેંચાઇ જતાં સાઇડલાઇન થઇ ગયો છે, જેના કારણે ઓપનર તરીકે લોકેશ રાહુલની ટીમમાં એન્ટ્રી નિશ્ચિત બની ગઇ છે. લોકેશ રાહુલે ઓસ્ટ્રેલિયા પ્રવાસમાં સદી ફટકારતાં તેની પ્રતિભાનો પરચો દેખાડયો હતો. આ જ કારણે હવે તે અને શિખર ધવન ઓપનિંગ કરશે.
 રોહિત શર્મા ટેસ્ટમાં પોતાની પ્રતિભાને ખાસ ન્યાય આપી શક્યો નથી, પણ તે વન ડેમાં શ્રીલંકાના બોલરો પર હાવી રહી ચૂક્યો છે અને આવી સ્થિતિમાં આવતીકાલે તેને ત્રીજા ક્રમે બેટીંગમાં ઉતારવા પસંદ કરવામાં આવી શકે છે.
ત્યાર બાદ કેપ્ટન કોહલી અને રહાણેનું સ્થાન નિશ્ચિત લાગી રહ્યું છે, આવી સ્થિતિમાં સૌરાષ્ટ્રના ધરખમ બેટ્સમેન પૂજારાને કમબેક માટે હજુ પણ રાહ જોવી પડી શકે છે. ભારતીય બેટીંગલાઇનઅપ શ્રીલંકાના ઓછા અનુભવી બોલરો પર પ્રભુત્વ જમાવશે તે લગભગ નિશ્ચિત મનાય છે.
શ્રીલંકાને તાજેતરમાં જ ઘરઆંગણે પાકિસ્તાન સામે નાલેશીભરી શ્રેણીની હારનો સામનો કરવો પડયો છે, જેના કારણે ભારતની ટીમ પણ જીત મેળવવા માટે અતિ ઉત્સાહિત છે.
 હરભજન અને અશ્વિનની જોડી સ્પિન ડિપાર્ટમેન્ટમાં નિશ્ચિત જ મનાય છે. જ્યારે ફાસ્ટ બોલરોમાં ઇશાંતની સાથે સાથે ઉમેશ યાદવ પણ નક્કી જેવો જ છે. જો કે આરોન અને ભુવનેશ્વર કુમાર વચ્ચે ટીમમા સ્થાન મેળવવા માટેની સ્પર્ધા ચાલી રહી છે.
બીજી તરફ શ્રીલંકાની ટીમ પાકિસ્તાન સામેની હાર બાદ ફરી બેઠી થવાની તૈયારીમાં છે. શ્રીલંકાના સિનિયર બેટ્સમેન સંગાકારાની આ ફેરવેલ સિરિઝ છે, જેના કારણે કેપ્ટન મેથ્યૂસ સહિતના ખેલાડીઓ તેને વિજયની ભેટ આપવા માટે ઉત્સુક બન્યા છે. શ્રીલંકાની ટીમ  બેટ્સમેનોના કંગાળ પર્ફોમન્સને કારણે પરેશાન છે. આવતીકાલની મેચમાં કુશલ સિલ્વાની સાથે કરુણારત્ને ઓપનિંગ કરશે તે લગભગ નક્કી મનાય છે, તેની સાથે સાથે થારંગા, ચાંદીમલ અને જેહાન મુબારક પણ ટીમમાં સ્થાન મેળવવા માટેના દાવેદાર છે.
ભારત (સંભવિત) ઃ એલ.રાહુલ, ધવન, રોહિત સર્મા, કોહલી (કેપ્ટન), રહાણે, સહા (વિકેટકિપર), આર.અશ્વિન, હરભજન, ઇશાંત શર્મા, આરોન, યાદવ.
શ્રીલંકા (સંભવિત) ઃ કે.સિલ્વા, કરુણારત્ને, સંગાકારા, થારંગા, મેથ્યૂસ (કેપ્ટન), ચાંદિમલ (વિકેટકિપર), મુબારક, ડી.પ્રસાદ, ટી.કુશલ, હેરાથ, એન.પ્રદિપ.
ભારતને ૨૨ વર્ષ બાદ શ્રીલંકાની ભૂમિ પર પ્રથમ ટેસ્ટ શ્રેણી વિજયની તલાશ
કોહલીની કેપ્ટન્સી હેઠળની ભારતીય ક્રિકેટ ટીમને શ્રીલંકાની ભૂમિ પર ૨૨ વર્ષ બાદ દ્વિપક્ષિય ટેસ્ટ શ્રેણી જીતવાની તક છે. નોંધપાત્ર છે કે ટીમ ઈન્ડિયા છેલ્લે શ્રીલંકાની ભૂમિ પર ૧૯૯૩માં દ્વિપક્ષિય ટેસ્ટ શ્રેણી જીતવામાં સફળ રહી હતી.
૧૯૯૩માં ભારતે શ્રીલંકાના પ્રવાસમાં ત્રણ ટેસ્ટની શ્રેણીમાં ૧-૦થી જીત મેળવી હતી. મોહમ્મદ અઝહરુદ્દિનની કેપ્ટન્સી હેઠળની ભારતીય ટીમે ૨૭ જુલાઇથી ૧ ઓગસ્ટ દરમિયાન રમાયેલી શ્રેણીની બીજી ટેસ્ટમાં ૨૩૫ રનથી શ્રીલંકાને કચડયું હતુ, જેમાં વિનોદ કામ્બલી (૧૨૫)એ પ્રથમ ઇનિંગમાં અને નવજોત સિધ્ધુ (૧૦૪) અને સચિન તેંડુલકરે (૧૦૪*) બીજી ઇનિંગમાં સદીઓ ફટકારી હતી. બીજી ઇનિંગમાં ઓપનિંગમાં આવેલો મનોજ પ્રભાકર પાંચ રન માટે સદી ચૂક્યો હતો. જ્યારે કુમ્બલેએ પ્રથમ ઈનિંગમાં પાંચની સાથે મેચમાં કુલ ૮ વિકેટ ઝડપી હતી.
જો કે ત્યાર બાદ ૧૯૯૭માં યોજાયેલા ભારતના શ્રીલંકા પ્રવાસમાં બંને ટેસ્ટ ડ્રો રહી હતી.
૨૦૦૧માં અને ૨૦૦૮માં રમાયેલી ત્રણ ટેસ્ટની શ્રેણીઓને શ્રીલંકાને ૨-૧ના માર્જીનથી જીતી લીધી હતી. છેલ્લે ૨૦૧૦માં ભારતીય ટેસ્ટ ટીમ શ્રીલંકા ગઇ ત્યારે રમાયેલી ત્રણ ટેસ્ટની શ્રેણી ૧-૧થી ડ્રો રહી હતી.
વરસાદની શક્યતા
શ્રીલંકામાં હાલ વરસાદી મૌસમ ચાલી રહી છે. ગોલમાં આવતીકાલે રમાનારી ટેસ્ટમાં પણ વરસાદની શક્યતા છે. જો કે હવામાન ખાતાએ કરેલી આગાહી અનુસાર છુટો છવાયો વરસાદ થઇ શકે છે, જેના કારણે આખા દિવસની રમતમાં વિધ્ન આવે તેવી શક્યતા ખુબ જ ઓછી છે. ગોલની પીચ પરંપરાગત છે અને જેમ જેમ મેચ આગળ વધશે તેમ તેમ તે સ્પિનરોને વધુ મદદગાર બનતી જશે તેમ મનાય છે.

No comments:

Post a Comment