Saturday, 30 January 2016

આજે આખરી ટ્વેન્ટી-૨૦ ઃ ભારતને ઓસ્ટ્રેલિયાનો વ્હાઈટવોશ કરવાની તક

 ટીમ ઈન્ડિયા વિજય સાથે ઓસ્ટ્રેલિયા પ્રવાસનો અંત આણવા તૈયાર

- ઇજાગ્રસ્ત ફિન્ચના સ્થાને ખ્વાજાનો સમાવેશ ઃ વોટસન કેપ્ટન


બપોરે ૨.૦૦ વાગ્યાથી મેચ શરુ થશે




















ઓસ્ટ્રેલિયા સામેની વન ડે શ્રેણીની નિષ્ફળતાની યાદો ભૂંસી નાંખતાં ધોનીની કેપ્ટન્સીમાં ભારતની ટ્વેન્ટી-૨૦ ટીમે સળંગ બે વિજય મેળવતા હવે શ્રેણીમા યજમાનોનો વ્હાઈટવોશ કરવાનો તખ્તો ઘડી કાઢ્યો છે. સીડનીના ઐતિહાસિક ક્રિકેટ ગ્રાઉન્ડ પર આવતીકાલે ટ્વેન્ટી-૨૦ શ્રેણીનો ત્રીજો અને આખરી મુકાબલો ખેલાવાનો છે, ત્યારે ભારતીય ટીમ યજમાન ઓસ્ટ્રેલિયાને વ્હાઈટવોશ કરવાની સાથે ગૌરવભેર પ્રવાસ પુરો કરવાના ઇરાદા સાથે મેદાન પર ઉતરશે. જ્યારે ઓસ્ટ્રેલિયા તેના ઈન ફોર્મ કેપ્ટન આરોન ફિન્ચ વિના જ આવતીકાલે રમશે, કારણ કે તે ઇજાગ્રસ્ત બની ગયો છે.
ફિન્ચના સાથે ઓસ્ટ્રેલિયાની ટ્વેન્ટી-૨૦ની ટીમનું સુકાન ઓલરાઉન્ડર વોટસન સંભાળશે. જ્યારે ફિન્ચના સ્થાને ટીમમાં ખ્વાજાનો સમાવેશ કરવામાં આવ્યો છે. ભારતીય સમય પ્રમાણે સીડનીમાં રમાનારી ટ્વેન્ટી-૨૦ બપોરે ૨.૦૦ વાગ્યાથી શરુ થશે. ભારતીય ટીમ માટે સીડનીનું મેદાન યાદગાર સાબિત થયું છે. ઓસ્ટ્રેલિયાના વર્તમાન પ્રવાસમાં સળંગ ચાર મેચ હાર્યા બાદ ભારતે સીડની વન ડે જીતીને ઓસ્ટ્રેલિયા સામેની વ્હાઈટવોશની નાલેશીભરી હાર અટકાવી હતી અને આ જીત ટર્નિગ પોઈન્ટ સાબિત થઈ હતી, જે પછી ભારતે બંને ટ્વેન્ટી-૨૦ પણ જીતી લીધી હતી.
ભારતીય કેપ્ટન ધોની આવતીકાલની શ્રેણીની ત્રીજી અને આખરી ટ્વેન્ટી-૨૦માં બેટીંગ ઓર્ડરમાં યુવરાજ અને હાર્દિક પંડયા જેવા ખેલાડીઓને  અગ્રતા ક્રમ આપે તેવી શક્યતા છે. આ ઉપરાંત ઈન ફોર્મ સ્ટાર ખેલાડીઓને આવતીકાલે આરામ આપવામાં આવી શકે છે. ઓસ્ટ્રેલિયાના પ્રવાસમાં ગુજરાતના જસપ્રીત બુમરાહ, હાર્દિક પંડયા જેવા યુવા ખેલાડીઓએ ભારતની જીતમાં મહત્વનું યોગદાન આપ્યું છે. આ ઉપરાંત સરન, ગુરકિરાત તેમજ રિષી ધવન જેવા ખેલાડીઓએ પણ નોંધપાત્ર દેખાવ કર્યો છે. હવે જ્યારે ભારતીય પસંદગીકારો ટ્વેન્ટી-૨૦ વર્લ્ડ કપની ટીમની પસંદગી કરવા માટે મિટિંગ યોજશે, ત્યારે તેમાં બુમરાહ અને પંડયાના નામની ચર્ચા થશે જ.
છેલ્લા કેટલાક સમયથી મળી રહેલી નિષ્ફતાને કારણે ટીકાકારોનું નિશાન બનેલા ધોનીએ પણ ઓસ્ટ્રેલિયા સામેના સળંગ ત્રણ વિજય બાદ રાહત અનુભવી છે. હવે તે આખરી ટ્વેન્ટી-૨૦ મુકાબલો જીતીને ગૌરવભેર ઓસ્ટ્રેલિયાને ગુડબાય કહેવાની તૈયારી કરી રહ્યો છે. ઈન ફોર્મ કોહલીની સાથે ભારતીય ક્રિકેટ ટીમને રોહિત શર્મા તેમજ ધવનની શાનદાર ઈનિંગની આશા છે.
બીજી તરફ ઓસ્ટ્રેલિયાની ટીમ ઘણી બધી સમસ્યાઓથી ઘેરાયેલી છે. ઓસ્ટ્રેલિયાને ટ્વેન્ટી-૨૦ના ફોર્મેટમાં સંઘર્ષ કરવો પડી રહ્યો છે. કેપ્ટન આરોન ફિન્ચે સળંગ બે મેચમાં આક્રમક રમત દેખાડી છે. જો કે તે ઇજાગ્રસ્ત બનીને ખસી ગયો છે. તેના સ્થાને વોટસન કેપ્ટન્સી કરી રહ્યો છે.
ભારત (સંભવિત) ઃ ધવન, રોહિત શર્મા, કોહલી, ધોની (કેપ્ટન, વિ.કી.), રૈના, યુવરાજ, હાર્દિક પંડયા, રવિન્દ્ર જાડેજા, અશ્વિન, બુમરાહ, નેહરા.
ઓસ્ટ્રેલિયા (સંભવિત) ઃ શોન માર્શ, વોટસન (કેપ્ટન), લીન, મેક્સવેલ, ખ્વાજા, બેનક્રોફ્ટ (વિ.કી.), ફોકનર, ટાય, લાયન, બોલેન્ટ, ટૈટ.

No comments:

Post a Comment