મહિપાલ લોમરોરની પાંચ, અવેશ ખાનની ચાર વિકેટ
- ૨૫૯ના પડકાર સામે ન્યુઝીલેન્ડ૧૩૮માં ખખડયું
રાહુલ દ્રવિડના માર્ગદર્શનમાં તૈયાર થયેલી ભારતની અંડર-૧૯ ક્રિકેટ ટીમે ન્યુઝીલેન્ડ સામેની વન ડેમાં ૧૨૦ રનથી ભવ્ય વિજય મેળવતા અંડર-૧૯ વર્લ્ડ કપની ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ મેળવી લીધો છે. સરફરાઝ ખાનના ૭૪ અને રિષભ પંતના ૫૭ની મદદથી ભારતે ૮ વિકેટે ૨૫૮ રન નોંધાવ્યા હતા.
જવાબમાં ન્યુઝીલેન્ડની ટીમ માત્ર ૩૧.૩ ઓવરમાં ૧૩૮ રનમાં જ ખખડી ગઈ હતી.
મહિપાલ લોમરોરે ૪૭ રનમાં પાંચ વિકેટ ઝડપી હતી. જ્યારે અવેશ ખાને ૩૨ રનમાં ચાર બેટ્સમેનને આઉટ કર્યા હતા, તેને મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો.
ભારતે અગાઉ આયર્લેન્ડ સામેની મેચમાં ૭૯ રનથી વિજય મેળવ્યો હતો. ભારતને ક્વાર્ટર ફાઈનલમાં બાંગ્લાદેશ કે સાઉથ આફ્રિકા સામે રમવાનું આવી શકે છે.
મીરપુરના શેરે બાંગ્લા નેશનલ સ્ટેડિયમમાં રમાયેલી અંડર-૧૯ વર્લ્ડ કપની ગુ્રપ ડીની મેચમાં ન્યુઝીલેન્ડે ટોસ જીતીને ભારતને બેટીંગમાં ઉતાર્યું હતુ. સરફરાઝ ખાને ૮૦ બોલમાં ૯ ચોગ્ગા સાથએ ૭૪ રન ફટકાર્યા હતા. જ્યારે રિષભ પંતે ૫૭ તેમજ અરમાન જાફરે ૪૬ અને મહિપાલ લોમરોરે ૪૨ બોલમાં ૪૫ રન ઝૂડયા હતા. ન્યુઝીલેન્ડ તરફથી ઝાક ગિબ્સનને ત્રણ વિકેટ ઝડપી હતી.
અવેશ ખાને સપાટો બોલાવતા ન્યુઝીલેન્ડનો સ્કોર પાંચ રનમાં ત્રણ વિકેટ થઈ ગયો હતો.
આ પછી અવેશે કેપ્ટન ફિન્નીને આઉટ કરતાં ન્યુઝીલેન્ડની ટીમે ૧૦.૨ ઓવરમાં ૧૬ રનમાં ચોથી વિકેટ ગુમાવી હતી. ક્રિસ્ટીન લિઓપાર્ડે ૪૦ રન સાથે લડત આપવાનો પ્રયાસ કર્યો હતો, પણ તે ટીમને જીતાડી શક્યો નહતો. મહિપાલ લોમરોરે ૪૭ રનમાં પાંચ વિકેટ ઝડપી હતી.
નેપાળ, શ્રીલંકા અને પાકિસ્તાન પણ ક્વાર્ટર ફાઇનલમાં
ભારતની સાથે ગુ્રપ ડીમાંથી નેપાળે તેમજ ગુ્રપ બીમાંથી શ્રીલંકા અને પાકિસ્તાને અંડર-૧૯ વર્લ્ડ કપન ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ મેળવી લીધો છે.આજે રમાયેલી મેચમાં નેપાળે ૮ વિકેટથી આયર્લેન્ડને હરાવ્યું હતુ. નેપાળે અગાઉ ન્યુઝીલેન્ડ સામે વિજય મેળવ્યો હતો.
જ્યારે ગુ્રપ બીમાં શ્રીલંકાની ટીમે ૩૩ રનથી અફઘાનિસ્તાન સામે વિજય મેળવ્યો હતો. જેમાં શ્રીલંકાના કેપ્ટન ચરિત અસાલંકાએ ઓલરાઉન્ડ દેખાવ કર્યો હતો. પાકિસ્તાને ઝિશાન મલિકના અણનમ ૮૯ તેમજ હસન ખાને ઝડપેલી ત્રણ વિકેટની મદદથી કેનેડા સામે સાત વિકેટથી વિજય મેળવ્યો હતો.
No comments:
Post a Comment